Columns

આટલું સમજો

સ્કૂલમાંથી સ્પોર્ટ્સ ડે માંથી નાનકડી અમાયરાને લઈને નિલય અને નિશી ઘરે આવ્યાં.અમાયરાના હાથમાં એક નાનકડો કપ હતો. સ્પોર્ટ્સ ડેમાં તે એક રેસમાં ત્રીજી આવી હતી.નાનકડી અમાયરા ખુશ હતી.પણ તેનાં મમ્મી પપ્પાના મોઢા પર કોઈ ખાસ ખુશી ન હતી.નિશી તો ઘરની અંદર આવતાં જ બડબડ કરતાં બોલી, ‘આ નાનકડા કપનો શું મતલબ…અમાયરાને આપણે સ્પોર્ટ્સ ટ્રેનિંગમાં મોકલવી પડશે.જોયું પેલી પિયાની દીકરી નાયરા ચાર રેસમાં ફર્સ્ટ આવી તેને ચાર ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ટ્રોફી પણ મળી અને અમાયરાને આ નાનકડો કપ …મને તો બહુ શરમ આવી.’

નિલય પણ બોલ્યો, ‘સાચી વાત છે તારી..કાલે જ કોઈ સારો ટ્રેનર શોધી અને અમાયરાની ટ્રેનિંગ શરૂ કરાવી દે. આવતા વર્ષે મારી દીકરી જ ચેમ્પિયન બનવી જોઈએ.’નિલયના પપ્પા મમ્મી આ વાતો સાંભળી રહ્યાં હતાં.અમાયરા દોડીને કપ લઈને દાદા પાસે આવી. દાદાએ તેને તેડી લીધી.દાદીએ ચૂમી લીધી અને બોલી, ‘વાહ દીકરા, જીતીને આવી શાબાશ…’ નિશી તરત બોલી, ‘તમે શું મમ્મી આ જીતમાં શું શાબાશી આપવાની…નાયરાને જુઓ, ચાર મેડલ અને ચેમ્પીયનશીપ ટ્રોફી મળી અને અમાયરાને માત્ર એક નાનકડો કપ….નીચાજોણું થયું…’નિલય બોલ્યો, ‘કાલથી જ ટ્રેનિંગ શરૂ …’દાદા બોલ્યા, ‘અરે, તમે આ શું બોલો છો? દીકરી જીતીને આવી છે તેમાં ખુશ થવાને બદલે નાખુશ થઈ શરમાવ છો.’

દાદીએ કહ્યું, ‘અમાયરા બેટા, તારા ફેવરીટ પોપકોર્ન ખાઇશ…’અમાયરા ખુશ થઇ ગઈ.દાદી પોપકોર્ન બનાવવા રસોડામાં ગયાં અને રસોડામાંથી થોડી જ વારમાં પોપકોર્નની સુગંધ આવવા લાગી.દાદી બહાર પોપકોર્નનું ખાલી બાઉલ અને ગરમ કુકર લઈને આવ્યા અને બાઉલમાં પોપકોર્ન કાઢી અમાયરાને આપ્યા.પછી બાકી રહેલા પોપકોર્ન બીજા બાઉલમાં કાઢ્યા અને નિશી અને નિલય સામે મૂક્યા અને સાથે સાથે કુકર બતાવ્યું, જેમાં થોડા દાણા ફૂટ્યા વિનાના બાકી રહ્યા હતા. નિશી બોલી, ‘મમ્મી, આ કુકર શું કામ અહીં લઇ આવ્યાં?’ સાસુ બોલ્યાં, ‘તમને બતાવવા માટે અને એક વાત સમજાવવા માટે…’નિલય બોલ્યો, ‘મમ્મી, આ બધું શું છે ..

આ કુકરમાં પોપકોર્ન બનાવ્યા તેમાં હવે શું જોવાનું છે?’ મમ્મીએ કહ્યું, ‘નિશી અને નિલય, આ કુકર મેં બરાબર ગરમ કર્યું, તેમાં તેલ ગરમ કર્યું અને હળદર નાખી અને પછી દાણા નાખ્યા.બધા દાણાને એક સરખી ગરમી મળી, પણ તેમાંથી અમુક દાણા ફટાફટ ફૂટ્યા અને અમુકને ફૂટતાં વાર લાગી અને આ જો અમુક ફૂટ્યા જ નહિ…અમુક જરાક જ ફૂટ્યા….બધા દાણાને બધું જ એક સરખું મળ્યું હતું, છતાં આ ફરક રહ્યો. આવું જ આપણાં બાળકોનું હોય છે. બધાં બાળકો જુદાં જુદાં હોય છે અને જુદી જુદી રીતે તેમની આવડત બહાર આવે છે.માટે સરખામણી ન કરો અને અફસોસ શેનો? તમારી દીકરીની આવડત પણ ખીલી જ છે ને તેનો આનંદ મનાવો.’દાદીએ પોતાના વહુ દીકરાની આંખો ખોલી.

Most Popular

To Top