Vadodara

રશ્મિકાંત વસાવાએ નશીલી હાલતમાં કરેલા વર્તન બાબતે રાજીનામુ લઇ લેવાયું

છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હોદ્દો ધરાવનાર રશ્મિકાંતભાઈ વસાવાનો લથડીયા ખાતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર આજરોજ વાયરલ થયો હતો. જેનાથી સમગ્ર રાજકારણમાં ખળભલાટ મચી ગયો છે. જિલ્લા પ્રમુખે રાજ્ય કક્ષાના મહિલા મંત્રી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે સમયે સ્ટેજ સુધી પહોંચતા જિલ્લા પ્રમુખ લથડીયા ખાતા જોવા મળ્યાં હતા. ટલ્લી અવસ્થામાં લથડીયા ખાતા જિલ્લા પ્રમુખને બીજા કાર્યકરો દ્વારા હાથ પકડી સ્ટેજ ઉપર ચઢાવવા પડી રહ્યા હોય તેમ વિડીયોમાં જણાઇ રહ્યું છે. સ્ટેજ ઉપર પહોંચ્યા તો જિલ્લા પ્રમુખ ખુરશીમાં નિંદ્રાધીન થયેલા હતા.

રાજ્યના મંત્રી નિમિષાબેન સુથારની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખના આ હરકત બાદ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામા ખળભળાટ મચી ગયો હતો. સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થતા તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જિલ્લા પ્રમુખ રશ્મિકાંત વસાવા વારંવાર નશાની હાલતમાં વારંવાર બેફામ રહેતા હોય તેવી ચર્ચાઓ ઘણા સમયથી સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં ચાલતી હતી. સમગ્ર ઘટનાના રાજકારણમાં ઊંડા પ્રત્યાઘાત પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના રાષ્ટ્રપત્તિની ચૂંટણીમાં મહિલા રાષ્ટ્રપતિ વિજેતા થયા જેની ખુશીમાં જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે હાજરી આપી હતી. જે કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઈ વસાવા લથડીયા ખાતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્તનને કારણે મંત્રીએ જિલ્લા પ્રમુખને ખાનગીમાં તતડાવ્યા હોય તેવી પણ ચર્ચાઓ ચાલતી હતી.

Most Popular

To Top