Entertainment

ફિલ્મોની રેસમા રુકે ગી નહી રશ્મિકા

પુષ્પા, RRR,KGF ચેપ્ટર-2 જેવી ફિલ્મોએ પૅન ઇન્ડિયન ફિલ્મ તરીકે ઘણો ઉહાપોહ અને હિન્દી ફિલ્મોદ્યોગમાં ડર પેદા કરેલો. હવે એ ડર ઓછો થયો છે. જોકે એવી ફિલ્મોની ગેરહાજરીને કારણે હિન્દી ફિલ્મો વધારે ચાલવા માંડી હોય એવું પણ નથી. એ ફિલ્મોના સ્ટાર્સ હિન્દી ફિલ્મોના પ્રેક્ષકોમાં છવાઇ ગયા છે એવું ય નથી. આદિપુરુષે જો ધારી સફળતા મેળવી શકી હોત તો પ્રભાસ જરૂર તેના દાવાને આગળ વધારી શક્યો હોત કારણ કે પૅન ઇન્ડિયા ફિલ્મ તેની જ વધારે રજૂ થઇ છે. પણ એક વાત જરૂર બની છે કે એ પૅન ઇન્ડિયા ફિલ્મથી રશ્મિકા મંદાના હિન્દી ફિલ્મોમાં જરૂર જગ્યા બનાવી રહી છે.

તેની પાસે ‘પુષ્પા: ધ રૂલ’ની બીજી ફિલ્મ હોવા ઉપરાંત રણબીર કપૂર સાથેની એનિમલ અને વિકી કૌશલ સાથેની છાવા છે. તમે કહી શકો કે અત્યારે જે નવી અભિનેત્રી આગળ દોડી રહી છે. તેમાં રશ્મિકા છે. તેને પૂજા હેગડે, કૃતિ સેનોન પડકારી શકે કારણ કે સાઉથથી જે પૅન ઇન્ડિયા ફિલ્મો બને તેમાં તે બે જગ્યા મેળવી લે છે પણ સાઉથની ફિલ્મો પૅન ઇન્ડિયાના ટેગ સાથે આવે તો પણ હિન્દી ફિલ્મોમાં લાંબા સમય માટે પ્રેક્ષક મેળવી શકતી નથી. થિયેટરમાંથી બહાર નીકળે અને તેની ચર્ચા બંધ થઇ જાય છે. રશ્મિકા પૅન ઇન્ડિયા ફિલ્મમાં છે પણ તે હિન્દીમાં બની રહેલી ફિલ્મોમાં છે અને તેનો અર્થ જૂદો થાય.

આ વર્ષે જ આવેલી મિશન મજનુમાં તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે હતી અને મેં આઉંગા યુપી, બિહાર લૂંટનેમાં શાહીદ કપૂર સાથે છે. રશ્મિકા સાથે બીજી વાત એ બની છે કે તે યોગ્ય ઉંમરે હિન્દીમાં આવી છે. હજુ તે 26 વર્ષની જ છે. એટલે કારકિર્દી માટે ઘણો સમય છે. તેની ફિલ્મોની પસંદગી વિશે પણ કહી શકાય કે જે મળી છે તે ફિલ્મો મનોરંજક ફિલ્મનું માળખુ ધરાવે છે. એનિમલ તો ગેંગસ્ટર ડ્રામા છે. પુષ્પા તો મનોરંજક ફિલ્મ તરીકે સફળ રહી જ ચુકી છે અને વિકી કૌશલ, શાહીદ સાથેના ફિલ્મના શિર્ષક કહે છે કે તે મનોરંજનનું ગ્રીન સિગ્નલ ધરાવે છે. રશ્મિકાના સૌંદર્યની એક વાત નોંધવી જોઇએ કે તે માની ન શકાય તેવું સૌંદર્ય ધરાવતી નથી. બલ્કે આપણી આસપાસ હોય એવી યુવતીનું સૌંદર્ય ધરાવે છે. તે ગ્લેમરસ કે સેક્સી દેખાવાનો પ્રયાસ પણ નથી કરતી. રશ્મિકાએ કિટ્ટીપાર્ટી નામની કન્નડ ફિલ્મથી આરંભ કરેલો અને જબરદસ્ત સફળ રહેલી. •

Most Popular

To Top