Comments

રાજ્યસભાની પવિત્રતા બચાવો

રાજ્યસભા એટલે કે સંસદના ઉપલા ગૃહને તેની પોતાની પવિત્રતા હોય છે. રાજ્યસભાની દરેક ચૂંટણી સમયે તેની પવિત્રતાનું ધોવાણ થતું હોય છે, ત્યારે આ ચૂંટણીની પ્રક્રિયા અને રાજકારણ – બંને વિશે પ્રશ્નો જાગે છે. શું આ બંને પધ્ધતિ યોગ્ય છે? રાજ્યસભાની પોતાની જ ઉપયોગીતા ખતમ થઇ ગઇ છે! ઉપલા ગૃહમાં ખાલી પડેલી 57 બેઠકો પૂરવા માટેની તાજેતરની ચૂંટણી પણ અલગ નથી નીવડી. રાજકીય પક્ષો અને વ્યકિતગત ધારાસભ્યોએ ચૂંટણી પ્રક્રિયામાં રહેલા છીંડાનો પોતાના લાભ માટે જુદી જુદી રીતે ગેરલાભ ઉઠાવ્યો અને ચૂંટણીનું સંચાલન કરનાર સત્તાધીશો કયાં તો જોતા જ રહી ગયા અથવા ચૂંટણીની પ્રક્રિયા જડબેસલાક નહીં હોવાથી વિવાદમાં આખરી નિર્ણય આપી સંતોષ પામ્યા.

દેશની સમવાય પધ્ધતિને મજબૂત કરવાની હતી. તેથી આપણા દેશની સમવાય બહુલતાને મજબૂત કરવા લોકસભા કરતા અલગ હેતુથી રાજ્યસભા વિચારાઇ હતી. તેની ભૂમિકા સેફટી વાલ્વ તરીકે વિચારાઇ હતી. ખ્યાલ એવો હતો કે મોટે ભાગે લોકોના દબાણ હેઠળ લોકસભા કોઇ પણ ખરડાને ઉતાવળે પસાર કરી દેતો, તે ખરડાની ફેર સમિતિ કરી પુનર્મૂલયાંકન કરવાની કામગીરી રાજ્યસભા કરે. જેમણે રાજ્યસભાની કલ્પના કરી હતી, તેમણે રાજ્યસભાની કામગીરી ઘાતકી બહુમતીવાળી સરકારને કમમાં કમ ધારા ઘડવાની કામગીરીમાં આપખુદ બનતી અટકાવવાની વિચારી હતી પણ વિચિત્રતા એ છે કે આવી સરકારોએ જ આ પ્રતિષ્ઠાવાન ગૃહની પવિત્રતાનું ધોવાણ કર્યું છે. ચૂંટણી અને પક્ષની બહારથી સભ્યોની પસંદગીની પધ્ધતિએ રાજ્યસભાના હેતુની હત્યા કરવાનું કામ કર્યું છે.

ગુંડાગીરી નહીં, તો પૈસાના બળે સભ્યોની વરણી ગૃહમાં થવાની ભીતિ પેદા કરી છે. ચોકકસ પ્રકારના રાજકારણીઓ, મિડિયા માલિકો, રમતગમતના વહીવટદારોને રાજ્યસભામાં બિરાજવા પસંદ કરાય છે. પહેલા જુદા જુદા ક્ષેત્રની પ્રખર હસ્તીઓને પસંદ કરાતી હતી. રાજ્યસભાની છેલ્લામાં છેલ્લી થયેલી ચૂંટણીને ક્રોસ વોટિંગે અભડાવી છે. રાજ્યસભાની ભૂમિકાનો જ ભોગ લેવાયો છે અને તે પણ શાસક પક્ષ દ્વારા જ. ખરડાઓ ઝડપથી પસાર કરવા માટે રાજ્યસભાને લોકસભા જેવી બનાવાઇ રહી છે. બંધારણની કલમ – 370ની આંશિક નાબુદીનો જ દાખલો લો.

રાજ્યસભાને તેના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ચુસ્ત બનાવીને કે સુધારો કરીને કામગીરી કરવાનો સમય પાકી ગયો છે. આખી પ્રક્રિયાને બિનધારાકીય ગણવાની હાલની પધ્ધતિ ફેરફાર માંગે છે. સુપ્રીમ કોર્ટે કુલદીપ નાયર વગેરે ભારત સંઘના મામલામાં ઠરાવ્યું હતું કે રાજ્યસભા ગૃહની બહારની કામગીરી છે અને તે ગેરલાયકાતના કાયદાને ગણતરીમાં લેતા બંધારણના 10મા પરિશિષ્ટ હેઠળ નથી આવતો. રાજ્યસભાની રચના પાછળનો જે હેતુ હતો, તેને આ ચુકાદો સુસંગત હતો પણ તે સમયની કસોટી સામે ટકી શકયો નથી.

ક્રોસ વોટિંગ માટે કોઇ સજાની જોગવાઇ નથી કે રાજકીય પક્ષોને આદેશ બહાર પાડતા રોકવાની કોઇ જોગવાઇ નથી. આ છીંડાનો સ્થાપિત હિત ધરાવતા ધારાસભ્યો સહેલાઇથે ગેરલાભ ઉઠાવે છે. ચૂંટણીપંચ અને ખાસ કરીને શાસક પક્ષ સહિતના રાજકીય પક્ષોએ આ છટકબારી બંધ કરવા માટે તત્કાળ પગલાં લેવા જોઇશે. રાજ્યસભાની હવે પછીની ચૂંટણી આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ક્રોસવોટિંગ બદલ કોઇ શિક્ષા નથી કે કોઇને ગેરલાયક ઠેરવવાની જોગવાઇ નથી તે આશ્ચર્યજનક છે. ક્રોસ વોટિંગ કરનારને તેના પિતૃ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે, તે જ શિક્ષા અને તેનો અર્થ કંઇ નહીં!

કોઇ પણ ધારાસભ્ય પોતાના પક્ષ સિવાયના ઉમેદવારને મત આપે ત્યારે ક્રોસ વોટિંગ કહેવાય. આને ‘આત્માનો અવાજ’ નામ અપાયું છે. હરિયાણાના કોંગ્રેસી ધારાસભ્ય કુલદીપ બિશનોઇએ આવું કર્યું હતું. આવા ધારાસભ્યોને કાયદાનો કોઇ ભય નથી. પક્ષમાંથી ખદેડી મૂકવામાં આવે તો ય ધારાસભ્ય તરીકે તો ચાલુ જ રહે છે અને અપક્ષ ધારાસભ્ય તરીકે પણ પોતાના ધ્યેય તો ચાલુ જ રાખે છે. હરિયાણાના કોંગ્રેસી ધારાસભ્ય બિશનોઇને તેમના પક્ષના પદ પરથી હઠાવવામાં આવ્યા હતા. તેમને પક્ષમાંથી હાંકી કઢાયા હોત તો ય તેઓ ધારાસભ્ય તરીકે ચાલુ રહ્યા હતા.

રાજસ્થાનના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય શોભારાણી કુશાવાહી કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા. હવે તેઓ રાજયમાં કોંગ્રેસની સાથે બિરાજે છે. આવા ધારાસભ્યોના મત રદ કરવાની જોગવાઇ ન હોવી જોઇએ? ખરેખર તો સભ્યપદ રદ કરવા સુધીની કડક શિક્ષાની જોગવાઇ થવી જોઇએ. બંધારણે બક્ષેલા પ્રતિષ્ઠાવાન સ્થાન રાજ્યસભાની પવિત્રતાની રક્ષા કરવાના ઉપાયો વિચારવાનો અત્યારે સમય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top