Dakshin Gujarat

ભરૂચ દેશનું એકમાત્ર એવું રેલ્વે સ્ટેશન જ્યાં થાય છે કોમી એકતાનાં દર્શન

ભરૂચ(Bharuch): બે કોમ વચ્ચે ભાઈચારા માટે કેટલાંક સ્થળોનો અતૂટ નાતો હોય છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ(Railway Platform) પર લગભગ આઠ દાયકા પહેલાની પીર ગરીબશાહ બાવાની દરગાહ(Dargah) અને હિન્દુઓના દેવાધીદેવ કમલેશ્વર મહાદેવનું મંદિર(Tempal) આવેલું છે. આજે પણ ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર હિન્દુ(Hindu) અને મુસ્લિમ(Muslim) સમાજ વચ્ચે સદભાવનાનો અતૂટ નાતો છે.

  • દેશનું એક માત્ર રેલવે પ્લેટફોર્મ ભરૂચ જ્યાં દરગાહ અને મંદિર આવેલા છે
  • ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર લગભગ આઠ દાયકા પહેલાની પીર ગરીબશાહ બાવાની દરગાહ અને કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે

કોઈપણ ધર્મ સત્ય અને ન્યાય આધારિત હોય છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ એ બંને ધર્મના સ્થાનક હોવાથી એકતાનું પ્રતીક છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મના દક્ષિણના છેડેથી ચાહક વર્ગ માટે શ્રદ્ધાનું કેન્દ્ર પીર ગરીબશાહ બાવાની દરગાહ આવેલી છે. સ્વચ્છતા અને શુકુનવાળી દરગાહનો ઈતિહાસ એવો છે કે લગભગ ૮૦ વર્ષ પહેલાં માચ ગામના હાજી વલી કાળા બાપુ રેલવે સ્ટેશન પર સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા. એ વખતે રેલવે પર માંડ એક ટ્રેક અને આજુબાજુ વેરાન જગ્યા હતી. એ વેળા હાજી વલી કાળા બાપુને સપનું આવેલું કે, ‘તું મને બહાર કાઢ’. તેમને બતાવેલી જગ્યામાં ખોદતાં કબર નીકળતાં હાજી વલી કાળા બાપુનું સપનું સાકાર થઇ ગયું. આ જગ્યાની સાફસફાઈ કરી કબરને કારણે દરગાહ બની ગઈ હતી. અને વિશેષતા એ છે કે, આ દરગાહ પર આજે ૮૦ ટકા હિન્દુ લોકો દર્શને આવે છે. આજે કબરની રખેવાળી રાખતા ૬૩ વર્ષના હાજી મકસુદ વલીકાળા કહે છે કે, આજે પણ કોઈપણ વ્યક્તિઓની સમસ્યા હોય તો તેમને તાવીઝ બનાવી આપીએ એનો એકપણ રૂપિયો લેતા નથી. અને કોઈપણ માનતા રાખો તો પરિપૂર્ણ થઇ જાય છે.

હાજી મકસુદવલીકાળાની કોરોના કાળમાં સન્માનનીય કામગીરી
હાજી વલી કાળા બાપુનાં ચાર સંતાનમાં ત્રણ દીકરા કેનેડામાં વેલસેટેડ છે. ત્યારે હાજી મકસુદ વલીકાળાને તેમના પિતા હાજી વલી કાળા બાપુએ કબરને સાચવવા માટે બક્ષીસ આપી હતી. અને તેમના પરિવારમાં દીકરીઓ ટોરેન્ટોમાં સ્થાયી થઈ છે. તેમ છતાં હાજી મકસુદ વલીકાળા આજે પણ છેલ્લાં ચાર વર્ષથી ફ્રીમાં એમ્બ્યુલન્સ વાન (ઓક્સિજન સહિત) કોઈપણ સમાજના દર્દીઓને સેવા આપે છે. તેમાં પણ કોરોના કાળ વખતે રોજનો રૂ.૨૦૦૦થી ૨૫૦૦નો પેટ્રોલ ખર્ચ થતો હતો. કોરોના કાળમાં હાજી મકસુદે બાથ ભીડીને દુઃખીયારાના દુઃખ દૂર કરવાની ઉમદા કામગીરી કરી હતી. આથી સનાતન સેવા સમિતિ તેમજ ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે કોરોના વોરિયર્સ તરીકે હાજી મકસુદ વલીકાળાને સન્માનિત કર્યા હતા. તેમજ છેલ્લાં ૪૦ વર્ષથી કોઈપણ ગરીબનું મૃત્યુ થાય તો કફન અને લાકડાં પહોંચાડે છે. આજે પણ રેલવેના અધિકારીઓ અને પોલીસ પણ દરગાહ પર માથાં ટેકવા આવે છે. હિન્દુ લોકો માટે રેલવે પ્લેટફોર્મ ઉત્તર દિશામાં મહાદેવનું મંદિર આવેલું છે. રેલવે પ્લેટફોર્મ પર RPF કચેરીમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આજે પણ ત્યાં દિવાબત્તી કરવામાં આવે છે.

Most Popular

To Top