Entertainment

રાજેશ સંગીતથી રોશન થયા

જાણીતા સંગીતકારના સંતાન હોવા માત્રથી સંગીતકાર નથી બનાતું. પ્રતિભા બહુ વ્યકિતગત બાબત છે અને તે હોય તો પિતા તરફથી મળેલા સંસ્કાર વધારે સારી રીતે ખીલી ઉઠે. સચિનદેવ બર્મન અને તેમના પુત્ર રાહુલ દેવ બર્મનનું ઉદાહરણ આમાં શ્રેષ્ઠ છે. ત્યાર પછી રોશન અને રાજેશ રોશન, સરદાર મલિક – અનુ મલિક, ચિત્રગુપ્ત – આનંદ-મિલીંદ સહિતના થોડા ઉદાહરણ આપી શકાય. રાજેશ રોશન તેમના મોટાભાઇ રાકેશ રોશનની ફિલ્મોના સંગીતકાર તરીકે પાછલા વર્ષોમાં મર્યાદિત થઇ ગયા બાકી, તેમની પ્રતિભા તેનાથી વધુ છે.

મહેમૂદ ‘કુંવારા બાપ’ યા લક્ષમી અભિનીત ‘જૂલી’ ફિલ્મ તેમના આરંભની છે અને ત્યારથી જ તેઓ લોકપ્રિય રહ્યા છે. કિશોરકુમાર, લતા મંગેશકર પાસે તેમણે કેટલાંક ઉત્તમ ગીતો ગવડાવ્યા અને અમિતાભ બચ્ચનને ગાયક તરીકે પહેલી ઓળખ આપનાર પણ રાજેશ રોશન છે. જુદા અને જાણીતા ન હોય તેવા કંઠનો તેઓ શ્રેષ્ઠ ઉપયોગ કરી શકયા છે. પામેલા ચોપરા, મહેમૂદ, દેવેન વર્મા પાસે ગવડાવેલા તેમના ગીતો સાંભળજો અને ‘સજ રહી ગલી મેરી અમ્મા સુનહેરી કોઠેમેં’ માં તેમણે જે સ્વરનો ઉપયોગ કર્યો તે તો રેર છે. તેઓ ગાયક – ગાયિકા પાસે રાજેશ રોશનનાં જ કહી શકાય એવા વિશીષ્ટ લય સાથે વગડાવતા રહ્યા છે. ‘પલ ભર મેં યે કયા હો ગયા…. યે મેં ગઇ વો મન ગયા’ આ ગીતનો લય તમે સાંભળો યા ‘આરી આ જા નિંદિયા તુ લે ચલ કહીં, ઉડન ખટોલે પે…. દૂર દૂર યહાં સે દૂર’, ‘તું પી ઔર જી….’ તેમના ગીતોનાં લયના ઉતાર-ચઢાવ કયારેક સલીલ ચાૈધરીની યાદ અપાવે. સાથે જ એ ગીતો તેના સાંભળનારને નવા તરંગો તરફ દોરવી જાય. સંગીતકારની ધૂનનું શું પ્રદાન હોય તે આવા ગીતો જે નવા અર્થ ધારણ કરે તેમાં છે. રાજેશ રોશનનાં સંગીતમાં એક તાજગી હતી. તેઓ પહેલી – બીજી ફિલ્મથી જ છવાઇ ગયેલા અને એવું ભૂતકાળમાં શંકર – જયકિશન, લક્ષમીકાંત – પ્રયારેલાલ, રાહુલદેવ બર્મન વગેરેના દાખલામાં જ બન્યું છે.

રાજેશ રોશનના પિતા રોશન મોટા સંગીતકાર ખરા પણ આ પુત્રને એ પિતા પાસે તાલીમ મળે એવું નહોતું બન્યું. રોશનજીનું મૃત્યુ ૧૯૬૭ માં થયું ત્યારે રાજેશ રોશન ફકત ૧૨ વર્ષના હતા. પણ મા ઇરા રોશન ફૈયાઝ અહમદ ખાન પાસે શીખતા ત્યારે દિકરા રાજેશને સાથે રાખતા અને ત્યારથી રસ – રુચિ જાગ્યા. ખાનસાહેબ તેમને અમુક પંકિત આપતાં અને કહેતા કે આની ધૂન બનાવ. પછી બાબા રામપ્રસાદ પાસે શીખ્યા અને લક્ષમીકાંત – પ્યારેલાલ માટે પાંચ વર્ષ સુધી અરેંજર તરીકે કામ કર્યું ત્યારે ગીતસર્જનની આખી પ્રક્રિયા, ઓરકેસ્ટ્રા સંચાલન અને પ્લેબેક સિંગિંગની બારીકાઇ તેઓ સમજયા. મહેમૂદ મોટા હાસ્ય અભિનેતા અને નિર્માતા – દિગ્દર્શક. રાહુલ દેવ બર્મન, અમિતાભ બચ્ચન, બાસુ-મનોહારીને તક આપી ચુકેલા મહેમૂદે રાજેશ રોશનની પ્રતિભા પામી લીધી અને ‘કુંવારા બાપ’ ફિલ્મનું સંગીત તેમને  સોંપ્યુ.

પછી તો એ ફિલ્મનું સંગીત જ રાજેશ રોશન માટે પૂરતું થઇ પડયું. નવા સંગીતકારને મોટા સ્ટાર્સ, મોટા બેનરની ફિલ્મો નથી મળતી. રાજેશ રોશનને તેનો વાંધો ન હતો એટલે જ ‘જૂલી’ માં ઓછા જાણીતા અભિનેતા – અભિનેત્રી હતા પણ ફિલ્મ રજૂ થયા પછી પ્રથમ ક્રમે સંગીત અને પછી લક્ષમીની ભૂમિકા હતી. તેમાં તેમણે પ્રિતી સાગર પાસે ‘માઇ હાર્ટ ઇઝ બીટિંગ’ જેવું અંગ્રેજી ગીત વગડાવેલું અને અંગ્રેજી નહીં સમજનારાનું પણ તે ફેવરિટ બની ગયેલું. રોમાન્સ અને પ્રેમાન્માદના ભાવ ‘ભુલ ગયા સબ કુછ’માં હતા અને યે રાતે નઇ પૂરાની’ જેવું ગીત. આવા આધુનિક શૈલીના ગીતો સાથે ‘તું શ્યામ મેરા સાંચા નામ તેરા’ જેવું ભજન પણ હતું. રાજેશ રોશને શરૂની બે ફિલ્મોમાં જ વૈવિધ્યસભર ધૂન સાથે પોતાને સાબિત કરી દીધા. બસ પછી તો યશ ચોપરા, દેવ આનંદ પણ તેમના વિના રહી ન શકયા અને ‘કાલા પત્થર’, ‘લૂટમાર’, ‘દેશ પરદેશ’, ‘ખુદ્દાર’ ફિલ્મો આવી. 

અમિતાભ, દેવઆનંદ, શશીકપૂર જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો મળતી થઇ પછી તો બાસુ ચેટર્જી (સ્વામી, ખટ્ટામીઠા) મનમોહન દેસાઇ (મામા-ભાંજા)ની ફિલ્મો પણ ઉમેરાવા માંડી. ‘એક રાસ્તા હે જિંદગી’, ‘હંસ તુ હરદમ, ખુશીયા યા ગમ’, ‘નજરાના ભેજા કિસીને પ્યાર કા’, ‘પલભરમેં કયા હો ગયા’, ‘યાદો મેં વો સપનોં મેં હે’, ‘જબ છાયે મેરા જાદુ’, ‘ઉઠે સબ કે કદમ દેખો રમ પમ પમ’ ‘ન બોલે તુમ ન મૈંને કુછ કહાં, ‘કયા મૌસમ હે એ દીવાને દિલ, ચલ કહીં દૂર નિકલ જાયે’ અને ‘મિ. નટવરલાલ’ના ‘મેરે પાસ આઓ મેરે દોસ્તો, ‘પરદેશિયા યે સચ હે પિયા’ અને પછી ‘તૌબા તૌબા કયા હોગા હોના હે જો હો જાને દો! ઓરકેસ્ટ્રાના ઉપયોગમાં તેઓ હંમેશા ઇનોવેટિવ રહ્યા. તબલા, ઢોલકનો ઉપયોગ તેઓ ઉત્તમ રીતે કરતા. ભારતીય વાદ્યોથી રિધમ અને બીટ સર્જવામાં પણ તેઓ ઉત્તમ હતા.

બાકી તે સમય તો રાહુલ દેવ બર્મન, લક્ષમીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજી, ભપ્પી લહરી વગેરેનો હતો. અમિતાભની ‘મિ. નટવરલાલ’, ‘કાલા પત્થર’, ‘દો ઔર દો પાંચ’, ‘યારાના’ના સંગીતકાર રાજેશ રોશન છે. એ વખતે ‘ઉધાર કા સિંદૂર’, ‘તુમ્હારી કસમ’ (હમદોનો મિલ કે કાગઝ પે દિલ પે ચિઠ્ઠી લિખેગે સલામ આયેગા) ‘ઇન્કાર’નું ‘મુંગડા મુંગડા, મેં ગુડકી દલી, મંગતા હે તો આજા ના તો મેં યે ચલી’ ગીતે તો ધમાલ મચાવી. એવામાં ‘જનતા હવાલદાર’નું ‘હમસે કા ભુલ હુઇ જો યે સજા હમકો મિલી’ ગીત આવ્યું. ‘બાતો બાયો મેં નું’ ‘કહાં તક યે મનો કો અંધેરે છલેંગે’ અને ‘સ્વયંવર’નું ‘મુઝે છૂ રહી હૈ તૈયારી નર્મ સાંસે’, કિશોરકુમારને કારકિર્દીના આખરી તબકકામાં જે ઓરીજીનલ સંગીતકાર મળ્યા તે રાજેશ રોશન છે.

ભાઇ રાકેશ રોશન માટે સંગીત આપવું શરૂ થયું પછી સંગીતનું સ્તર તો જળવાયું જ પણ બહારના નિર્માતાઓની ફિલ્મો ઓછી મળતી થઇ. ‘કામચોર’ (તુઝ સંગ પ્રીત લગાઇ સજના, તુમસે બઢકર દુનિયામેં) અને પછી ‘ખુદગર્જ, ‘ભગવાનદાદા’ અને ઋત્વિક રોશન અભિનીત ફિલ્મોનો સૌર શરૂ થયો. એ સમયે અનુ મલિક, નદીમ શ્રવણ, જતિન-લલિત વગેરે આક્રમક બનતા ગયા પણ રાજેશ રોશન પોતાની ધૂનમાં જ સ્વમાનભેર રહ્યા અને ‘કિંગ અંકલ’, ‘કરન અર્જુન’, ‘કોયલા’ પછી ‘કહોના પ્યાર હે’ આવી. રાજેશ રોશન બીજાના સંગીતની નકલથી બચતા રહ્યા તેમણે નવા ગાયક – ગાયિકા પાસે પણ શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવ્યું. તેમણે તાજગી કયારેય ન ગુમાવી. આજે તેઓ ૧૩૭ ફિલ્મોના સંગીતકાર છે. ‘ક્રિશ-3’, ‘કાબિલ’, ‘ઇતિ’ જેવી ફિલ્મો પછી વધારે ફિલ્મો નથી. આ તેમની પ્રતિભા સાથે થતો અન્યાય છે, બાકી તેઓ ૬૬ વર્ષના જ છે. એશાન નામે દિકરો ને પશ્મીના નામે દિકરીના આ પિતા અનેક ફિલ્મો સાથે મનમાં ગુંજે છે.

Most Popular

To Top