Entertainment

સુનીલ દત્ત એક દિકરા સિવાય કોઇ સામે હાર્યા નથી

સુનીલ દત્ત સારા અભિનેતા નહોતા પણ તેમણે હીરો તરીકે જે પાત્રો ભજવ્યા તેના કારણે યાદ કરવા પડે એવા જરૂર છે. મહેબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’માં જે ત્રણને કારકિર્દીની શ્રેષ્ઠ ભૂમિકા આપી તેનાં નરગીસ, કનૈયાલાલ અને સુનીલદત્ત છે. આ ફિલ્મના કારણે જ પછીના વર્ષોમાં ડાકુની ભૂમિકામાં તેઓ ફેવરીટ બનેલા પણ તેમાં ‘મુઝે જીને દો’ સહુથી વધુ યાદગાર છે. સુનીલદત્ત તેમની ઊંચાઈને કારણે પરદા પર હોય ત્યારે તરત ધ્યાન ખેંચતા એવા અભિનેતાને બિમલ રોયે નૂતન સાથે સુજાતા જેવી ફિલ્મ આપી. બિમલદાએ બે પંજાબી અભિનેતાની ઇમેજ બદલી –  એક ધર્મેન્દ્રની બીજી સુનીલદત્તની એ ફિલ્મમાં સુનીલદત્તા એક જૂદા પ્રકારના પ્રેમી હતા.

એ સમય જરા જૂદો હતો. સુનીલદત્તના નામે જે ફિલ્મો ચડતી ગઇ તે ફિલ્મોએ તેમને તે સમયના સ્ટાર્સ વચ્ચે એક કાયમી સ્થાન અપાવી દીધું. બી. આર. ચોપરાના તો તેઓ ખાસ હતા એટલે ‘સાધના’થી માંડી ‘ગુમરાહ’, ‘વકત’, ‘હમરાઝ’ જ નહીં ‘36 ઘંટે’ સહિતની ફિલ્મોમાં છે. સુનીલદત્તમાં એક સામાજિક સભાનતા હતી અને બી.આર. ચોપરા પણ એવી સભાનતા સાથે ફિલ્મ બનાવતા એટલે આ મેળ પડી ગયેલો. સુનીલદત્ત ને દેશના ભાગલાનો અનુભવ હહતો અને જિંદગીના સંઘર્ષ જોયા હતા એટલે તેઓ માત્ર રોમેન્ટિક ભૂમિકા ભજવી શકે તેમ ન હતા. એમના સમયે સોશ્યલ લવસ્ટોરી હતી એટલે ‘એક હી રાસ્તા’, ‘દાદી’, ‘એક ફૂલ ચાર કાંટે’, ‘છાયા’, ‘મેં ચૂપ રહુંગી,’ ‘ગુમરાહ’, ‘ગઝલ’, ‘બેટીબેટે’, ‘ખાનદાન’, ‘હમરાઝ, ‘મહેરબાન’, ‘ગૌરી’, ‘મેરી ભાભી’, ‘ચિરાગ પ્રકારની ફિલ્મો તેમને મળી છે તો સાથે જ રહસ્ય, થ્રીલવાળી ફિલ્મો ય છે ‘પોસ્ટ બોકસ 999’, ‘ગુમરાહ’, ‘યે રાસ્તે હે પ્યાર કે’, ‘મેરા સાયા’, ‘હમરાઝ’, ફિલ્મોને જૂદી કરવી પડે. સુનીલદત્ત પરદા પર હોય તો વિશ્વાસ કરી શકાય તેવા પુરુષ જણાતા અને એટલે જ તેમના કેટલાંક પાત્રો ખાસ બની ગયા. ‘મુઝે જીને દો’ યા ‘રેશમા ઔર શેરા’માં તેમના પાસે ઊંચાઈ પર પહોંચે છે અને તેના ડીએનએ ‘મધર ઇન્ડિયા’માં છે.

સુનીલ દત્તે પોતાની જિંદગી બહુ સ્વમાનપૂર્વક ઘડી છે અને અભિનેતા તરીકે થોડા પ્રયોગ પણ કર્યા છે. ‘પડોસન’ ફિલ્મ માટે દાદ દેવી પડે. એકદમ મર્દાના હીરો અહીં કોમેડી કરે ચે અને જે યુવતી ગમે તેને મેળવવા મદદ લે છે. ‘ખાનદાન’માં પણ તે લાચાર છે અને પ્રેમ તેમને ‘સુજાતા’, ‘સાધના’, ‘ઉસને કહા થા’, ‘મુઝે જીને દો’, ‘મિલન’, ‘રેશમા ઔર શેરા’માં તેને વિચારશીલ અને નમ્ર બનાવે છે. સુનીલદત્તે પોતે 9 ફિલ્મોનું નિર્માણ કર્યું. ‘ યે રાસ્તે હે પ્યાર કે’, ‘મુઝે જીને દો’, ‘મન કા મીત’, ‘રેશમા ઔર શેરા,’ ‘નહેલે પે દહેલા’, ‘દર્દ કા રિશ્તા’ અને ‘યે આગ કબ બુઝેગી’. એવું લાગે છે કે જો નરગીસ હોત તો તેમણે ‘નહેલે પે દહેલા’ જેવી ફિલ્મ ન બનાવી હોત. પૈસા કમાવાના હેતુથી એકદમ મનોરંજક ફિલ્મ બનાવવાનું તેમણે પસંદ નહોતું કર્યું. આના પર થી જ તેમનો અંગત મિજાજ પારખી શકો.

તેઓ અંગત જીવનમાં ફકત સંજય દત્ત બાબતે જ નિષ્ફળ ગયા છે. ગાંધીજીની જિંદગી હરિલાલ બાબતે કસોટીએ ચડેલી તેમ સંજયદત્તે ‘પિતા’ સુનીલદત્તને કસોટીએ ચડાવ્યા અને પિતા હતા એટલે દિકરાના અનેક અપરાધ છતાં તેને બચાવવા લડયા દિકરો જેલમાં હતો તો તેને છોડાવવા અનેક ઝાવા મારેલા. બાળા સાહેબ ઠાકરેના શરણે પણ ગયેલા. વકીલોની મોટી ફી ચુકવેલી. જો કે સંજય દત્તમાં અનેક અપરાધ કરવાની નકારાત્મક શક્તિ હતી અને સુનીલ દત્ત તેની પર નૈતિક રીતે દબાણ લાવી શકેલા નહીં. એકે 56 જયારે પકડાયેલી ત્યારે સંજય દત્તે કહેલું મારામાં મુસ્લિમ લોહી વહે છે. સુનીલ દત્ત માટે નરગીસ જયારે પ્રેમનો એકરાર કરેલો તો અનેક પત્રો લખી જાણે સ્પષ્ટતા માંગી હતી કે પછી રાજકપૂર સાથે સંબંધ તો ન હશેને? વફાદારી પૂર્ણપણે હશેને? નરગીસે એક સમાજ માન્ય લગ્નજીવન જીવવું હતું એટલે સુનીલ દત્તને બધી ખાત્રી કરાવેલી અને રાજકપૂરને બિલકુલ બાદ કરી નાખેલા. તે પોતે ફિલ્મો છોડી સમાજ સેવા અને રાજકારણ તરફ વળી ગયા અને એજ રસ્તો સુનીલ દત્તે પણ પસંદ કર્યો જે તેમને કેન્દ્રમાં મંત્રી પદ સુધી લઈ ગયો. નરગીસ, સુનીલ દત્ત અને સંજય દત્ત જો આત્મકથા લખી શકયા હોત તો ખૂબ અગત્યની બની હોત. હીરો તરીકે સુનીલ દત્તને યાદ કરીએ ત્યારે તેમને તેમના અંગત જીવનના સંઘર્ષો માટે પણ યાદ કરવા જોઈએ.એ ખરેખરા પંજાબી હતા જે મોરચા પર લડયા છે. 25મી મે એ તેમની વિદાયને 17 વર્ષ થશે.

Most Popular

To Top