Charchapatra

આ ગંદકી ત્વરિત ઉંચકો

સુરત શહે રને સતત સ્વચ્છતા સર્વેક્ષણના એવોર્ડ મળી રહ્યા છે. કઇ રીતે મળે છે એ રામ જાણે મોટા ભાગે મુખ્ય માર્ગો સિવાય સફાઇના નામે બધુ ભગવાન ભરોષે ચાલે છે. અધિકારીઓ જાણે છે કે ઉપરીઓ ગલી ગલીએ જોવા જવાના નથી તેથી લોલમ લો ચાલતું રહે છે. તાજેતરમાં 10/12 દિવસ પહેલા વેસ્ટઝોન હેઠળ રામનગર વોર્ડ ઓફિસથી માંડ 100 મીટર દૂર એક માર્ગ ઉપર સફાઇ કામદારોએ જેતે માર્ગના 4 થી 5 ડ્રેનેજ મેઇન હોલની સફાઇ કરી અંદરનો ગંધાતો કડદો મેઇનરોડ ઉપર કાઢયો અને એ મળમૂત્ર યુકત કડદાના મોટા મોટા ગંધાતા ઢગલા જયાંના ત્યાં સુકાઇને પથરાયા પછી પવનથી ધૂળ બની ઉડે છે. સાહેબોને જોવાની કે તપાસવાની ફૂરસદ નથી પછી પ્રજા બિમાર ન પડે તો શું થાય ? આરોગ્ય ખાતાના મોટા ભાગના કામો બેલદારોના ભરોશે જ થાય છે. સાહેબોને જોવા નીકળવાની ફુરસદ કયાં છે ? આવી જોખમી ગંદકી કાઢીને તુરંત ઉચકાવી ન શકાય ? આ કેવું અંધેર ચાલે છે ?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પ્રોટીનબાર કેટલું હિતાવહ?
આપણી આધુનિક જીવનશૈલી પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણથી ઘડાયેલી છે. જેમાં પ્રોટીનબારનું સેવન બાકાત નથી. આધુનિક યુવા પેઢી સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃત હોઈ સ્વાસ્થ્ય જાળવવા જીમમાં જાય છે. ઉપરાંત યુવા પુરુષ વર્ગ મસલ્સ બનાવવા અને યુવતીઓ પણ આકર્ષક ફીગર બનાવવાની હોડમાં પ્રોટીનબારનો સહારો લેતી હોય છે. ખૂબ જ નિયંત્રિત આહાર અને યોગ્ય શારીરિક પ્રવૃત્તિઓ સાથે તેને જોડવામાં આવે છે. ભારતમાં આશરે 5.54 બિલીયનનું બજાર ધરાવતું પ્રોટીનબાર બજારોમાં ધૂમ મચાવી રહ્યું છે. યુવાધનનાં સપનાંઓ પૂરાં કરવાનું જાણે માધ્યમ બની રહ્યું છે પરંતુ યુવા પેઢી તેના ગેરફાયદાથી પરિચિત છે ખરી? પ્રોટીનબારનો ઉપયોગ હંમેશા ડાઇટીશીયન ડોકટરની સલાહથી કરવો હિતાવહ છે. નહિ તો તેની ઘણી આડઅસરો સર્જાવાની શકયતા છે.

વધુ પડતું પ્રોટીન પચવામાં ભારે હોઈ વધુ કસરત કરવી પડે છે. જો યોગ્ય કસરતનો અભાવ રહે તો તે પ્રોટીન ચરબીમાં રૂપાંતરિત થાય છે. પરિણામે વ્યકિતનું વજન વધવા લાગે છે. ઘણી વાર આવા જ લોકો ઓબેસીટીનો ભોગ બનતા હોય છે જે તેમને જીવલેણ બિમારીઓની ગર્તામાં ધકેલી દે છે. ઉપરાંત તે કિડનીને પણ નુકસાન કરે છે. શરીરનું વધારાનું કેલ્શિયમ જે હાડકાં માટે જરૂરી છે તે પણ દૂર કરી નાખે છે પરિણામે શરીરમાં શિથિલતા આવે છે. આ ઉપરાંત તેનાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સર્જાય તે જુદું. તો પ્રોટીનબારનો વ્યવહારમાં સમજણ વિનાનો ઉપયોગ કરનારાઓ ચેતી જજો. કારણ કે તેથી તમારા સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચી રહ્યું છે.
સુરત     – ત્રિવેદી ભાવિશા પી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top