Business

અનેક પ્રકારના નશાની દશા

મર્યાદિત સમય માટે કડવી વાસ્તવિકતા વિસરી જવા માણસ અનેક પ્રકારના નશાની દશામાં ધકેલાઈ જાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ નશાબંધીની એક પ્રકાર માટે હિમાયત કરી હતી, જેનું પાલન ગુજરાત રાજ્યની સરકાર કરી રહી છે, પણ તે સિવાયના નશાની દશા કાયમ છે. ગાંધી બાપુના જ ગુજરાત રાજ્યમાં કેફી પદાર્થોની દાણચોરીએ માઝા મૂકતાં અબજો રૂપિયાની મઝા દાણચોરો દ્વારા થઈ રહી છે. આજે દેશનાં ચોપન ટકા કુટુંબોમાં રેડિયો, છોત્તેર ટકા કુટુંબોમાં ટી.વી. પ્રચલિત થયાં છે અને અઠ્ઠાવન ટકા કુટુંબોમાં દૈનિકપત્રો અને સામયિકો વંચાય છે, ત્યારે તેના દ્વારા સારાં નરસા સંદેશા-માન્યતા ફેલાય છે.

સોશિયલ મીડિયા પણ તેવું કાર્ય કરે છે, જ્ઞાતિ અને વર્ગભેદ, ધાર્મિક કટ્ટરતા સંચાર માધ્યમો દ્વારા અને કર્ણોપકર્ણ પ્રસરે છે, ગંદું રાજકારણ તેને બહેકાવે છે, જેનાથી ગેરબંધારણીય પરિસ્થિતિ પણ જન્મે છે અને ન્યાય અન્યાયનો સંઘર્ષ શરૂ થાય છે, માનવતા વિરુધ્ધની ઘટનાઓ બને છે. રમખાણોથી રક્તપાત થાય છે, સત્ય, પ્રેમ, અહિંસાના આદર્શો ઝાંખા પડે છે. સાચા ઈતિહાસને વિકૃત રૂપ અપાય છે. સર્વસ્વીકૃત ઈતિહાસ છે કે મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરે અઢારસો સત્તાવનમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લેતાં તાજો-તખ્ત ગૂમાવ્યા અને રંગુનની જેલના કારાવાસમાં અસહ્ય યાતના સાથે જીવનનો અંત ભોગવ્યો.

શ્રીલંકામાં સરકાર સામે હિંસક વિદ્રોહ આચરનારાઓને ડામવાની ભારતની સહાય દર્શાવતા ઝનૂની જૂથો દ્વારા રાજીવ ગાંધી શહીદ થઈ ગયા, જે રીતે અલગતાવાદી ખાલિસ્તાની સામે કડક કાર્યવાહી કરનાર ઈન્દિરાજી પણ શહીદ થઈ ગયાં હતાં. આથી જ રાહુલ ગાંધીએ પદયાત્રામાં સંદેશો મૂક્યો છે કે ‘નફરત કે બાઝાર મેં મુહબ્બતકી દુકાન ખોલને આયા હું’ જેમાં લાખો લોકો પણ જોડાયા છે. ભૂખમરો, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા સાંપ્રદાયિક નશાની દશા જન્માવવાના પ્રયત્નો થાય છે.

મહાપુરુષોના જીવનને કલંકિત બતાવાના બાલિશ પ્રયાસો થાય છે. ધાર્મિક કટ્ટરતાનો નશો, કેફી પદાર્થોનો નશો, મૂડીવાદનો ધનોપાર્જનનો નશો, અહમ, મિથ્યભિમાન, સ્વપ્રસિધ્ધિનો નશો, યુદ્ધખોરીનો, હિંસાનો નશો, સંકુચિત સ્વાર્થનો નશો, ઊંચ-નીચનો નશો, રૂપ-યૌવન-પ્રેમ, વાસનાનો નશો, ભોગવિલાસને ઐયાશીનો નશો, ફરજચૂક અને ખોટી દિશાને વળગી રહેવાનો આંધળો નશો, એમ અનેક પ્રકારના નશાની દશામાં સાચી દિશા ભૂલી જવાય છે અને અનિચ્છનીય દુર્દશા જામે છે, તેના પરિણામો અંતે તો ભોગવાય.
સુરત  – યુસુફ ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top