Columns

શ્રેષ્ઠ વ્યક્તિના ગુણ

એક દિવસ શિષ્યોએ ગુરુજીને જઈને પૂછ્યું, ‘ગુરુજી, અમારે જાણવું છે કે શ્રેષ્ઠ વ્યક્તિ બનવા માટે કયા ગુણો કેળવવા જરૂરી છે?’ ગુરુજી બોલ્યા, ‘હું તમારા પ્રશ્નનો જવાબ આપું તે પહેલાં તમે કહો કે તમારા હિસાબે કયા ગુણ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે? શિષ્યે કહ્યું, ‘ગુરુજી, વીરતા, વિદ્વત્તા, પ્રામાણિકતા,ઉદારતા જેવા કેટલા બધા ગુણ છે તેમાંથી સૌથી શ્રેષ્ઠ કયો ગુણ કહેવાય અને બધા ગુણ તો એક વ્યક્તિમાં હોય તે શક્ય નથી એટલે કયા ગુણો વ્યક્તિને સૌથી શ્રેષ્ઠ બનાવે તે અમને સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘તમે ગુણ વિષે વિચાર્યું પણ સંજોગો વિષે નહિ. વ્યક્તિ કયા સંજોગમાં કયા ગુણ જાળવે છે તેના પરથી તેની શ્રેષ્ઠતા નક્કી કરી શકાય કારણ કે ગુણ તો બધા જ સારા છે અને કેળવવા જરૂરી છે.’

એક શિષ્યે પૂછ્યું, ‘સંજોગો કઈ રીતે ભાગ ભજવે તે સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, વ્યક્તિ શક્તિશાળી હોય પણ યુદ્ધમાં લડવાને બદલે ભાગી જાય તો તેની તાકાત નકામી …વ્યક્તિ આમ ઈમાનદાર હોય પણ તેની સામે રૂપિયાના ઢગલા હોય ત્યારે પણ ઈમાનદારી જાળવી શકે તો તેનો ગુણ શ્રેષ્ઠ….’ બીજા શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, અમને શ્રેષ્ઠ વ્યક્તિ કોને કહેવાય તે સમજાવો.’ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, દરેક વ્યક્તિનું જીવન જુદું જુદું હોય છે, દરેકનો સ્વભાવ જુદો હોય છે, દરેકના ગુણ –અવગુણ અલગ હોય છે, દરેકના સંજોગો જુદા જુદા હોય છે એટલે કોઈ એક ગુણ ધરાવનારને શ્રેષ્ઠ ન કહી શકાય.

વિપરીત સંજોગોમાં પણ જે પોતાના ગુણ છોડતો નથી તે દરેક વ્યક્તિ શ્રેષ્ઠ છે.ચારે બાજુથી દુઃખ આવે, વિપત્તિના ભંવરમાં જિંદગી ફસાયેલી હોય ત્યારે જે વ્યક્તિ પોતાની ધીરજ જાળવી રાખે, ધૈર્યથી તકલીફો સામે લડીને આગળ વધે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.જયારે અનુકૂળ સંજોગો હોય, લક્ષ્મી માતાની મહેર હોય ત્યારે વૈભવ વચ્ચે પણ જે વિનમ્ર રહે, અભિમાન ન કરે અને બીજાને ઉતરતા ના ગણીને જરૂરિયાતમન્દ પ્રત્યે દયાની ભાવના રાખે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.

સંકટનો સમય હોય કે પછી કોઈ દુઃખ કે બીમારી હોય, જે વ્યક્તિ રોદણાં ન રડે અને ચુપચાપ પોતાનું દુઃખ અને પીડા સહન કરી લે તે સહનશીલ વ્યક્તિ શ્રેષ્ઠ છે.વડીલો દ્વારા થતો અન્યાય કે અપમાન પણ ચુપચાપ સહન કરી લે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.આટલા દ્રષ્ટાંત પરથી તમને સમજાઈ ગયું હશે કે શ્રેષ્ઠ વ્યક્તિનાં લક્ષણ કેવાં હોય અને કોને શ્રેષ્ઠ વ્યક્તિ કહી શકાય.વિપરીત સંજોગોમાં પોતાના મૂળ છોડ્યા વિના જે મહેનતથી લડી લે અને અનીતિનો સહારો ન લે તે વ્યક્તિ શ્રેષ્ઠ છે.’ ગુરુજીએ શિષ્યોના પ્રશ્નનો જવાબ આપ્યો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top