Columns

એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવા પાછળનો ભાજપનો ગેમપ્લાન

મહારાષ્ટ્રમાં છેક છેલ્લી ઘડીએ વરરાજા બદલીને ભાજપે આંચકો આપ્યો છે. ગુરુવાર સવાર સુધી મનાતું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવશે અને તેના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસ હશે. સાંજે અચાનક જાહેરાત કરવામાં આવી કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનશે અને ભાજપના દેવેન્દ્ર ફડનવિસ તેમના નાયબ મુખ્ય પ્રધાન બનશે. ભાજપને જ્યાં મુખ્ય પ્રધાનપદ સહેલાઈથી મળી શકે તેમ હતું ત્યાં નાયબ મુખ્ય પ્રધાનપદથી સંતોષ માનીને તેણે લાંબો રાજકીય લાભ ખાટવાની યોજના તૈયાર કરી છે.

શતરંજની આ બાજી ગૃહ પ્રધાન અમિત શાહે ગોઠવી હોવાનું માનવામાં આવે છે. સોશ્યલ મીડિયામાં તો એવી રમૂજ વહેતી થઈ ગઈ હતી કે ચેસમાસ્ટર વિશ્વનાથ આનંદે અમિત શાહ સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. તેના કરતાં પણ ખતરનાક રમૂજ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે घोड़ी सजी थी। दूल्हा तैयार था। बाराती नाच रहे थे। एक “नाथ” आये, पीछे से धक्का दिया। घोड़ी पर बैठ गये। दुल्हा Replaced.(ઘોડીને શણગારીને તૈયાર કરવામાં આવી હતી. વરરાજા તૈયાર હતા. જાનૈયાઓ નાચી રહ્યા હતા.

એક‘નાથ’ આવ્યા, વરરાજાને પાછળથી ધક્કો દીધો અને ઘોડી પર બેસી ગયા. વરરાજા Replaced.) આ રીતે છેલ્લી ઘડીએ અણવરને ‘વર’ બનાવી કાઢવા પાછળ ભાજપની ઊંડી ચાલ છે. ભાજપે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનાવીને એક કાંકરે બે નહીં, પણ ઘણાં બધાં પક્ષીઓ માર્યાં છે. ભાજપનો મુખ્ય ઉદ્દેશ મહારાષ્ટ્રમાં શિવસેનાને ખતમ કરીને પછી કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસને ખતમ કરવાનો છે. શિવસેનાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી તેની કમાન ઠાકરે પરિવારના હાથમાં રહી છે. બાળ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પછી હવે આદિત્ય ઠાકરેને શિવસેનાના નેતા તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. જો શિવસેનાને કાયમ માટે ખતમ કરવી હોય તો તેને ઠાકરે પરિવારના હાથમાંથી ઝૂંટવી લેવી જરૂરી હતી.

એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવા માટે જો કોઈએ સૌથી મોટું બલિદાન આપ્યું હોય તો તે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવિસ છે. જ્યારે તેઓ મહારાષ્ટ્રના આગલા મુખ્ય પ્રધાન બનશે, તેવું લગભગ નક્કી થઈ ગયું હતું ત્યારે તેમના જ મોંઢે જાહેર કરાવવામાં આવ્યું હતું કે આગલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હશે. દેવેન્દ્ર ફડનવિસ દેખીતી રીતે નારાજ હતા. તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ સરકારમાં જોડાશે નહીં. મુખ્ય પ્રધાનની ગાદી જતી કરીને નાયબ મુખ્ય પ્રધાન બનવાનું કોણ પસંદ કરે? બાજી બગડતી જોઈ ભાજપના મોવડીમંડળે દેવેન્દ્ર ફડનવિસને નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારી લેવાનો આદેશ કર્યો હતો અને શિસ્તબદ્ધ સૈનિકની જેમ તેમણે તે આદેશ માથે ચડાવ્યો હતો. આ જાણકારી અમિત શાહે ટ્વિટ કરીને આપી હતી.

૨૦૧૯ ની ચૂંટણી ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા હતા. ચૂંટણીનાં પરિણામો પછી મુખ્ય પ્રધાન કોણ બને? તે મુદ્દે યુતિ તૂટી પડી હતી. ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવું હતું, માટે તેમણે ભાજપ સાથેની યુતિ તોડી કાઢીને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે યુતિ કરી હતી અને સરકાર બનાવી હતી. ભાજપના મનમાં ડંખ રહી ગયો હતો. એકનાથ શિંદેએ જ્યારે બગાવત કરી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષ કર્યો હતો કે શું તેઓ શિવસૈનિકને મુખ્ય પ્રધાન બનાવશે ખરા?

ભાજપે શિવસૈનિક એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવીને તેનો જવાબ આપી દીધો છે. ભાજપે દેશને સંદેશો આપી દીધો છે કે તેને સત્તાની ભૂખ નથી. ભાજપના નેતાઓને ખબર છે કે મુખ્ય પ્રધાન ગમે તે હોય, રિમોટ કન્ટ્રોલ તો ભાજપના જ હાથમાં રહેવાનું છે. વિધાનસભામાં ભાજપના ૧૦૬ વિધાનસભ્યો છે. એકનાથ શિંદે પાસે તેના અડધા વિધાનસભ્યો પણ નથી. એકનાથ શિંદેએ ભાજપના ‘યસમેન’ બનીને જ રાજ કરવાનું છે. માટે દેવેન્દ્ર ફડનવિસે નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકાર્યું છે.

ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવિસની છાપ સૌમ્ય નેતા તરીકેની છે. તેથી વિરુદ્ધ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની છાપ કટ્ટરવાદી હિન્દુ નેતા તરીકેની છે. તેઓ બાળ ઠાકરે અને આનંદ દીઘે જેવા પ્રખર હિન્દુત્વવાદી નેતાઓના પગલે ચાલનારા છે. તેમની સરખામણીમાં ઉદ્ધવ ઠાકરેને પણ સૌમ્ય કહેવા પડે તેવો તેમનો મિજાજ છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાનપદ સોંપીને જ્વલંત હિન્દુત્વનો પ્રયોગ સફળ થયો તેવો પ્રયોગ ભાજપ મહારાષ્ટ્રમાં પણ કરવા માગે છે. જો મહારાષ્ટ્રમાં તે પ્રયોગ સફળ થાય તો ભારતભરમાં તેનો અમલ કરી શકાય. આ માટે દેવેન્દ્ર ફડનવિસ કરતાં એકનાથ શિંદે વધુ સજ્જ હોવાથી તેમની પસંદગી કરાઈ છે.

એક શિવસૈનિકને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવીને ભાજપના નેતાઓ શિવસેનાને જ ખતમ કરવાની ઊંડી ચાલ ચાલી રહ્યા છે. એકનાથ શિંદે શિવસેનાથી અલગ પડ્યા ત્યારે તેમની સાથે કુલ ૩૯ વિધાનસભ્યો હતા, જ્યારે ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર ૧૬ વિધાનસભ્યો જ રહ્યા હતા. શિવસેનાના બહુમતી વિધાનસભ્યો શિંદેના કેમ્પમાં ચાલ્યા ગયા હતા, પણ તેથી શિવસેના ખતમ થઈ ગઈ છે, તેવું માની શકાય નહીં. શિવસેનાનું સંગઠન અને ચૂંટણી પ્રતિક તો ઉદ્ધવ ઠાકરેના હાથમાં જ રહ્યા હતા. હવેની લડાઈ શિવસેનાનો કબજો ઠાકરે પરિવારના હાથમાંથી ઝૂંટવી લેવાની છે.

જો એકનાથ શિંદે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન હોય અને તેમણે દેવેન્દ્ર ફડનવિસના પડછાયા તરીકે જ કામ કરવાનું હોય તો તેઓ ઉદ્ધવ ઠાકરેના કેમ્પમાં રહેલા શિવસૈનિકોને પોતાના ભણી ખેંચી શકે નહીં, કારણ કે શિવસૈનિકોને તેમાં પોતાનું આત્મગૌરવ હણાતું હોય તેમ લાગે. તેના બદલે મુખ્ય પ્રધાનપદ શિંદેના હાથમાં હોય તો તેઓ છાતી ફુલાવીને કહી શકે કે મહારાષ્ટ્રમાં શિવસેનાનું રાજ ચાલે છે.

આ છાપ સાથે તેઓ ઉદ્ધવ ઠાકરેને વફાદાર રહેલા શિવસૈનિકોને પણ પોતાના તરફ આકર્ષી શકે તેમ છે. જો મોટા ભાગના શિવસૈનિકો શિંદેના કેમ્પમાં જોડાઈ જાય તો તેઓ ચૂંટણી પંચ સમક્ષ સાચી શિવસેના હોવાનો દાવો કરીને તેના ચૂંટણી પ્રતીક પર પણ પોતાનો દાવો કરી શકે છે. જો ચૂંટણી પ્રતીક મળી જાય તો તે પછી તેઓ દાદરમાં આવેલા ભવ્ય સેનાભવન પર પણ પોતાનો કબજો જમાવી શકે છે. સેનાભવન ઠાકરે પરિવારની અંગત જાગીર માનવામાં આવે છે. જો તેના પર શિંદે કેમ્પનો કબજો આવી જાય તો શિવસેના પર તેમનો કબજો સંપૂર્ણ બની જાય. શતરંજની રમતમાં ક્યારેક બે ડગલાં આગળ વધવા માટે એક ડગલું પાછળ ફરવું પડતું હોય છે.

મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારીને ભાજપ એક ડગલું પાછળ ખસ્યો છે, પણ તેનું નિશાન શિવસેનાનો શિકાર કરવાનું છે. એક વાર શિવસેનાનો સંપૂર્ણ કબજો શિંદે કેમ્પના હાથમાં આવી જાય તે પછી શિવસેનાને પાળેલો વાઘ બનાવી શકાય તેમ છે. પછી શિવસેનાના નેતાઓ ભાજપમાં જોડાઈ જાય કે તેઓ ભાજપનાં પ્યાદાં બની રહે, તેથી લાભ ભાજપને જ થશે. ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓ યોજાય તે પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાશે. ત્યાં સુધીમાં શિવસેના નબળી પડી ગઈ હોય તો ભાજપ તેની સાથે સોદાબાજી કરી શકશે. ભાજપનો અંતિમ ઇરાદો શિવસેનાને ગળી જઈને તેનું સ્થાન પચાવી પાડવાનો છે. તે માટે તેઓ શિવસેનાના બળવાખોરોના હાથમાં સત્તા સોંપી રહ્યા છે. રાજનીતિમાં કૂટનીતિ જ ચાલતી હોય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top