World

કતારની જેલમાં બંધ 8 ભૂતપૂર્વ સૈનિકોને રાહત, ફાંસીની સજા સામે ભારતની અરજી મંજૂર

નવી દિલ્હી: કતાર (Qatar) જેલમાં બંધ પૂર્વ ભારતીય સૈનિકો અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય નૌકાદળના (Indian Navy) ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે ભારતની (India) અરજી સ્વીકારવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસને અટકાયતમાં લેવાયેલા ભારતીયો માટે બીજી કોન્સ્યુલર એક્સેસ મળી છે. તેમણે વધુમાં કહ્યું છે કે ભારતી નાગરિકોને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સમર્થન આપવાનું ચાલુ રાખવામાં આવશે.

વાસ્તવમાં કતારની એક કોર્ટે એક વર્ષથી વધુ સમયથી અટકાયતમાં રહેલા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. જ્યારે તાજેતરમાં સજાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ભારત સરકારે સજા પર આઘાત વ્યક્ત કર્યો હતો અને તેના નાગરિકોની મુક્તિ સુરક્ષિત કરવા માટે તમામ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પોની શોધ કરવાનું વચન આપ્યું હતું. આ અધિકારીઓને કતાર દ્વારા જાસૂસીના આરોપમાં એક વર્ષથી વધુ સમયથી જેલમાં રાખવામાં આવ્યા છે. જો કે આ લોકોમાં એવા ઘણા અધિકારીઓ પણ સામેલ છે જેમણે ભારતીય નૌકાદળમાં રહીને મોટા ભારતીય યુદ્ધ જહાજોને કમાન્ડ કર્યા હતા.

ભારતીય નૌકાદળમાં વિવિધ પદો પર કામ કરી ચૂકેલા આ પૂર્વ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધરપકડ કરાયેલા અધિકારીઓએ ઈટાલી પાસેથી અદ્યતન સબમરીન ખરીદવાના કતારના ગુપ્ત કાર્યક્રમની વિગતો આપી હતી. રિપોર્ટ અનુસાર આ જ કેસમાં એક ખાનગી ડિફેન્સ કંપનીના સીઈઓ અને કતારના ઈન્ટરનેશનલ મિલિટરી ઓપરેશન્સના વડાની પણ ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય નૌકાદળના તમામ આઠ અધિકારીઓ પણ આ કંપનીમાં કામ કરતા હતા. કતારમાં જે પૂર્વ નેવી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ છે કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનકર પકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ.

Most Popular

To Top