Business

વર્લ્ડકપ 2023નું સરવૈયુ રોહિતનું રમખાણ, શમીએ આપી આશા, રચિન રવિન્દ્ર છે ન્યૂઝીલેન્ડનો નવો સ્ટાર

ભારતમાં રમાયેલા વર્લ્ડકપની ટ્રોફી રોહિત શર્મા માટે નહોતી પરંતુ ભારતના નિડર કેપ્ટને મેદાન પર પોતાનું સર્વસ્વ આપી દીધું જ્યારે ઝડપી બોલર મહંમદ શમીએ ઈતિહાસમાં સૌથી વધુ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતના વર્લ્ડ કપ અભિયાનમાં, વિરાટ કોહલીએ એક ટૂર્નામેન્ટમાં 765 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો અને આ દરમિયાન તેણે તેની 50મી વન ડે સદી ફટકારી હતી અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો સૌથી વધુ વન ડે સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તેને ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો. આ સિવાય દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને હેનરિક ક્લાસેન અને ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રનું બેટ પણ સારું બોલ્યું હતું. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સ્પીનર એડમ ઝમ્પાએ એક વર્લ્ડકપમાં સ્પીનર તરીકે સર્વાધિક વિકેટ લેવાના મુથૈયા મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરી હતી. આમ જોવા જઇએ તો આ વર્લ્ડકપમાં આવા ઘણાં રેકોર્ડ બન્યા હતા, જો કે તેમાં કેટલાક ખેલાડીઓએ યાદ રહી જાય તેવી ભૂમિકા ભજવી હતી. 

રોહિત શર્મા
50-ઓવરના વર્લ્ડકપમાં રોહિતની સફર અમદાવાદમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટથી પરાજય સાથે સમાપ્ત થઈ હતી પરંતુ જ્યારે તે પાછળ ફરીને જોશે ત્યારે તેને પોતાના પ્રદર્શન પર ગર્વ થશે. રોહિતે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન નિર્ભિક બેટિંગનું પ્રદર્શન કર્યું અને 11 મેચમાં 54.27ની એવરેજ અને 125.94ની સ્ટ્રાઈક રેટથી 597 રન બનાવ્યા, જે વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ભારતીય કેપ્ટનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે પાકિસ્તાન સામે 86 રન બનાવીને ભારતની જીતનો માર્ગ સરળ કર્યો અને નેધરલેન્ડ સામે 136 રન બનાવીને ટીમની જીતનો પાયો નાખ્યો. જો કે, જો વર્તમાન વર્લ્ડકપમાં રોહિતને યાદ કરવામાં આવશે, તો તે ટોપ ઓર્ડર પર તેની આક્રમક બેટિંગ માટે હશે જેણે મોટાભાગની મેચોમાં ભારતનો રસ્તો સરળ બનાવ્યો હતો.

મહંમદ શમી
હાર્દિક પંડ્યાની ઈજાને કારણે ભારતીય ટીમે જ્યારે તેના પ્લાન બીનો આશરો લેવો પડ્યો હતો, ત્યારે મહંમદ શમીને વર્લ્ડકપની ચાર મેચ બાદ રમવાની તક મળી હતી. શમીએ જોકે આ પડકારનો સામનો કર્યો અને માત્ર 10થી વધુની સરેરાશથી સાત મેચમાં 24 વિકેટ લઈને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ બોલર બન્યો. ‘અમરોહા એક્સપ્રેસ’ તરીકે પ્રખ્યાત શમીએ તેની સચોટ બોલિંગ અને સીમ મૂવમેન્ટથી દિગ્ગજ બેટ્સમેનોને પછાડ્યા હતા. તેણે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 57 રનમાં સાત વિકેટ ઝડપી હતી, જે આ ફોર્મેટમાં ભારતીય બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

રચિન રવિન્દ્ર
ન્યૂઝીલેન્ડના આ ઓલરાઉન્ડરને ‘ડિસ્કવરી ઓફ ટુર્નામેન્ટ’ કહી શકાય. ભારતીય મૂળના આ 23 વર્ષીય ખેલાડીએ વર્લ્ડકપમાં 10 મેચમાં 64.22ની એવરેજથી ત્રણ સદી અને બે અડધી સદીની મદદથી 578 રન બનાવ્યા હતા. તેણે વર્લ્ડકપની શરૂઆત ઈંગ્લેન્ડ સામે નોટઆઉટ 123 રનથી કરી અને પછી ઓસ્ટ્રેલિયા સામે તેણે 116 અને પાકિસ્તાન 108 રનની ઇનિંગ રમીને કુલ ત્રણ સદી ફટકારી હતી. આ ઉપરાંત તેણે ટીમ માટે જરૂર પડ્યો બોલિંગ પણ કરીને પોતાની ભૂમિકા બખુબી નિભાવી જાણી હતી.

ક્વિન્ટન ડિ કોક
દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન પોતાની કેરિયરની અંતિમ 50 ઓવરની ક્રિકેટમાં રમી રહ્યો હતો અને તેણે વર્લ્ડકપ 2023માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. ડી કોકે 10 મેચમાં ચાર સદીની મદદથી 59.40ની એવરેજથી 594 રન બનાવ્યા અને એક વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. ડી કોકે પોતાની આક્રમક બેટિંગથી દક્ષિણ આફ્રિકાને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું હતું. મુંબઈમાં બાંગ્લાદેશ સામેની તેની 174 રનની ઈનિંગ એ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનનો બીજો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર રહ્યો હતો.

એડમ ઝમ્પા
ઓસ્ટ્રેલિયાની સ્ટાર-સ્ટડેડ ટીમમાં ઝમ્પા સૌથી મોટું નામ નથી પરંતુ તે વર્લ્ડકપમાં ટીમનો સૌથી અસરકારક બોલર હતો. આ લેગ સ્પિનર 11 મેચમાં 23 વિકેટ સાથે શમી પછી ટૂર્નામેન્ટનો બીજો સૌથી સફળ બોલર હતો. ઝમ્પાએ નેધરલેન્ડ સામે ચાર-ચાર, પાકિસ્તાન સામે 53 રનમાં અને શ્રીલંકા સામે 47 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડ સામે 21 રન આપીને ત્રણ વિકેટ પણ લીધી હતી. તેના આ પ્રદર્શનને કારણે તેણે એક વર્લ્ડકપમાં સ્પીનર તરીકે સર્વાધિક વિકેટ લેવાના દિગ્ગજ મુથૈયા મુરલીધરનની બરોબરી કરી હતી.

Most Popular

To Top