Dakshin Gujarat

બીલીમોરા-ગણદેવી માર્ગ ઉપર વાહન ચાલકો માર્ગ ઓળંગી રહ્યા હતાં અને દેખાયો મહાકાય અજગર

બીલીમોરા: (Bilimora) બીલીમોરા -ગણદેવી માર્ગ કપડાઈ ખાડી પુલ (Bridge) પાસે બુધવારે રાત્રે મોસમોટો અજગર (Python) દેખાયો હતો. કેટલાક વાહન ચાલકોએ માર્ગ ઓળંગી રહેલા અજગરને કેમેરામાં કેદ કરી લીધો હતો. આ અજગરના કારણે પ્રજામાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળે છે.

  • બીલીમોરા-ગણદેવી માર્ગ ઉપર મહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ
  • કપડાઇ ખાડી પુલ પાસે વાહન ચાલકોએ અજગરને કેમેરામાં કેદ કરી લીધો

બીલીમોરા નજીક કપડાઈ ખાડી ભરવાડિયા પુલ નજીક બુધવાર રાત્રે મહાકાય અજગર દેખાતા વાહનો થંભી ગયા હતાં. જોકે વાહનો ની લાઈટ અને લોકો નો અવાજ સાંભળી અજગર રસ્તો ઓળંગ્યા વગર કોતરમાં પાછો ફરી ગયો હતો. દરમિયાન લોકો એ અજગરનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા માં વાયરલ કરતા ચકચાર મચી હતી. નવસારી વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશનના હિમલ મહેતા ના જણાવ્યા મુજબ વીડિયો માં દેખાતો અજગર ઇન્ડિયન રોક પાયથન પ્રજાતિનો અજગર 12 ફૂટ લાંબો અને 20 થી 22 કિલો વજન નો હોવાનું જણાય છે. માનવ વસ્તીથી દૂર રહેતાં અજગર અને દીપડા ઓ હવે જંગલોનો નાશ થતાં ખોરાક ની શોધમાં માનવ વસ્તી નજીક આવી જતા જોવાઈ રહ્યાં છે. અજગર નો મુખ્ય ખોરાક ઉંદર, સસલા, પક્ષી, નાના પ્રાણી છે.

બારડોલી ગોજી ગામના ખેતરની પાઈપલાઈનમાં ફસાયેલા અજગરને બચાવાયો
બારડોલી : બારડોલી તાલુકાનાં ગોજી ગામે ખેતરની પાઇપલાઇનમાં ફસાયેલા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ખેતરમાં અચાનક પાણી બંધ થઈ જતાં મજૂરોએ પાઇપમાં તપાસ કરતા અજગર નજરે પડ્યો હતો. બહાર કાઢવામાં આવેલા અજગરની લંબાઈ 6 ફૂટ હતી.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ગોજી ગામે રહેતા પિયુષભાઈ ઈશ્વરભાઈ રબારીના શેરડીના ખેતરમાં મજૂરો પાણી પીવડાવી રહ્યા હતા. દરમ્યાન બપોરના સમયે અચાનક પાણી આવતું બંધ થઈ જતાં મજૂરોએ તપાસ શરૂ કરી હતી. ખેતરમાં બનાવેલી પાઇપલાઇનમાં તપાસ કરતાં અંદર અજગર હોવાનું જાણવા મળ્યું હતું. આથી પિયુષભાઈ રબારીએ તાત્કાલિક બારડોલીની ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી. આથી ટીમના સભ્ય જય રાઠોડ સ્થળ પર પહોંચ્યા હતા. થોડું ખોદકામ કરી પાઇપલાઇનમાંથી અંદાજિત 1 કલાકની જહેમત બાદ અજગરને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો. અજગરને કોઈ ઇજા ન પહોંચે તેનું પણ બચાવ કામગીરી દરમ્યાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

અજગરને સહી સલામત બહાર કાઢ્યા બાદ આ અંગે બારડોલી સામાજિક વનીકરણ વિભાગના આર.એફ.ઑ. સુધાબેન ચૌધરીને જાણ કરતાં તેમનો સ્ટાફ સ્થળે પહોંચી ગયો હતો અને અજગરનો કબ્જો લઈ તેને નજીકના જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતિન રાઠોડે જણાવ્યુ હતું કે અમારી ટીમે ખૂબ જ કાળજીપૂર્વક અજગરને બહાર કાઢ્યો છે. બહાર કાઢવામાં આવેલા અજગરની લંબાઈ અંદાજિત 6 ફૂટની છે. તેનો કબ્જો વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top