Dakshin Gujarat

બીલીમોરામાં 33 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલામાં નિધન, RPFમાં ફરજ બજાવતા હતા

બીલીમોરા: (Bilimora) બીલીમોરા રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) પોલીસમાં (Police) ફરજ બજાવતા 33 વર્ષના કોન્સ્ટેબલને તેની ફરજ દરમ્યાન મંગળવારે વહેલી સવારે હૃદય રોગનો હુમલો આવતા તેનું કરૂણ મોત નિપજતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી.

  • બીલીમોરામાં પોલીસ કોન્સ્ટેબલનું 33 વર્ષની વયે હૃદય રોગના હુમલામાં નિધન
  • સવારે ડ્યુટી ઉપર અચાનક ઢળી પડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં લઈ ગયા હતા
  • નાની વયના આરપીએફ જવાનના નિધનથી પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ

બીલીમોરા (આરપીએફ) પોલીસમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજયસિંહ રાજેન્દ્રસિંહ (રહે, રેલવે કોલોની બીલીમોરા. મૂળ રહેવાસી વોર્ડ નંબર 24 મહોલ્લા બડાવાસ, બાલાવાલા કુવા પાસે, કોટપુટલી, જયપુર, રાજસ્થાન) મંગળવારની વહેલી સવારે પોણા સાત કલાકે તેની ડ્યુટી ઉપર હતો તે સમયે અચાનક તે ઢળી પડ્યો હતો. સાથી કર્મચારીઓએ તરત જ તેને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર આશિષ અનાજવાલાએ કોન્સ્ટેબલને મૃત જાહેર કર્યો હતો.

ડોક્ટરના મતે તેનું મોત તેને આવેલા હૃદય રોગના હુમલાને કારણે થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. મરનાર અજયસિંહ રાજેન્દ્રસિંહ બીલીમોરામાં તેની પત્ની સુનિતાબેન તથા તેની પુત્રી સાથે રેલવે કોલોનીમાં રહેતો હતો. બીલીમોરા રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મરનાર અજયસિંહના મૃત્યુદેહને તેની પત્નીને સોંપ્યો હતો. આમ માત્ર 33 વર્ષની નાની વયના આરપીએફ જવાનના નિધનથી પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી.

Most Popular

To Top