Dakshin Gujarat

કાવી કંબાઈમાં દરિયામાં સ્ટંટ કરવા જતા પંજાબી યુવાનની કાર તણાઈ, લોકોએ ચાલકને બચાવ્યો

જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાના પંજાબીઓને ભારે પડ્યો હતો. કાર વહેણમાં તણાવા લાગતાં સ્થાનિકોએ કારચાલક સ્ટંટમેન એક પંજાબીનો જીવ બચાવ્યો હતો.શ્રાવણ મહિનામાં ગુપ્ત તીર્થ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વરમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે.

સોમવારે વડોદરાથી SUV કાર લઈ 5થી 7 પંજાબીઓ આવ્યા હતા. જેમણે તીર્થ સ્થાનની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ સમુદ્ર કિનારે મોજમસ્તી કરી હતી. પંજાબીઓ પોતાની SUV કાર સાથે દરિયા કિનારે ફુલસ્પીડમાં ગાડી હંકારી કરતબો શરૂ કરી દીધા હતા. જો કે, અરબી સમુદ્ર સાથે સરદારજીઓને SUV કાર સાથેના ફિલ્મી સ્ટંટ કરવાનું દુ:સાહસ ભારે પડતાં જીવ ગળામાં આવી ગયો હતો.

સંધ્યા કાળ અને પૂનમની ભરતીના કારણે દરિયાના વધતા જળસ્તરમાં કાર ફસાતા જોખમી કરતબ કરતો કારચાલક પંજાબીનો જીવ પણ પડીકે બંધાયો હતો. સાથે રહેલા અન્ય પંજાબીઓની મસ્તી હવે કાર અને જીવ ઉપર આફતમાં ફેરવાઈ ગઈ હતી. દરિયાના વધતા પાણી, કાદવમાં કાર ફસાતાં હવે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થળ પર હાજર પોલીસ અને સ્થાનિકોએ કાર નજીક દોડી જઇ અંદર સવાર અને કરતબો કરી રહેલા પંજાબીને હેમખેમ બહાર કાઢી લીધો હતો. મંગળવારે પાણી ઊતરતાં દરિયા કિનારે ફસાઈ ગયેલી કારને પણ બહાર કાઢી લેવામાં આવી હતી. સ્તંભેશ્વરના મહંત વિદ્યાનંદજીએ જણાવ્યું હતું કે, એસયુવી કાર લઈ વડોદરાથી 5થી 7 પંજાબીઓ આવ્યા હતા.

જેઓ દરિયા કિનારે કાર સાથે પાણીમાં જોખમી કરતબો કરી રહ્યા હતા. કાર ફસાઈ જતાં કરતબ કરનાર યુવાન ફસાયો હતો. જેને સ્થાનિક લોકો અને પોલીસે કારમાંથી બહાર કાઢી બચાવી લીધો હતો. આ યુવાનોનાં નામઠામ જાણવા મળ્યાં નથી. પરંતુ વિડીયો બનાવવા આવાં જોખમી કરતબો કરવા જોઈએ નહીં, આનાથી તેમના અને અન્યના જીવ જોખમમાં મૂકવા સાથે મોટી હોનારત સર્જાઈ શકે છે.

Most Popular

To Top