SURAT

ચિંધી વાપરી પ્રદૂષણ કરતી પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટસ, ભાગ્યલક્ષ્મી અને મનિષ ડાઇંગનો રિપોર્ટ પાટનગર પહોંચી ગયો

સુરતના શહેરીજનોનાં માથે જીવનનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટસ, ભાગ્યલક્ષ્મી મિલ તેમજ મનિષ ડાઇંગ મિલ સામે સ્થળ તપાસનો રિપોર્ટ પાટનગર મોકલી દેવાયો હોવાનું જાણવાં મળ્યું છે.

સુરત શહેરની પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં કેટલાંક એકમો ભારે પ્રદુષણ ફેલાવી વાતાવરણ દુષિત કરતાં હતાં. પાંડેસરા જીઆઇડીસીમાં રોજ સવારે અને સાંજના સમયે ભારે ધુમાડાને કારણે આસપાસના વિસ્તારોમાં ગુંગળામણ અનુભવતા લોકોમાં રોષ ફેલાયો છે. ખાસ કરીને પાંડેસરા હાઉસિંગ કોલોની સહિત આસપાસના ગામોમાં ભારે દુર્ઘંધ મારતી હવા પ્રસરતી હતી. પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક એકમો ઉત્પાદન પડતર ઘટાડવા માટે સસ્તા ઇંધણના માર્ગે વળ્યાં હતાં.

જેના કારણે પાંડેસરા જીઆઇડીસી હવા અને પાણી પ્રદુષણનું મોટું સેન્ટર બની ગઇ હતી. આ અંગે આજે વાતચીત કરતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સુરત કચેરીના રિજિયોનલ ઓફિસર પરાગ દવેએ કહ્યું હતું કે, જીપીસીબીએ પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટસ તેમજ ભાગ્યલક્ષ્મી મિલ અને મનિષ ડાઇંગ મિલમાં તપાસ કરી હતી.

આ મિલોમાંથી નીકળતા પાણીના સેમ્પલ લેવાયાં હતાં. તે ઉપરાંત સમગ્ર એકમની વીડિયોગ્રાફી કરી એર ક્વોલિટી પણ ચેક કરાઇ હતી. એર ક્વોલિટીની જનરલ તપાસ કરી હતી. આ મિલોમાંથી નીકળતાં ધુમાડાની પણ તપાસ કરાઇ હતી. અને સમગ્ર તપાસ માટે લીધેલા સેમ્પલ લેબોરેટરીમાં એનાલિસિસ કરી રિપોર્ટ પાટનગર મોકલી દેવાયો છે.

પાટનગર કચેરીએથી આગામી દિવસોમાં આ મિલો સામે પગલાં ભરવા માટે નિદેર્શ મળશે. ત્યારબાદ જીપીસીબી વધુ કાર્યવાહી હાથ ધરશે. જોકે એક વાત જગજાહેર થઇ ગઇ છે. અત્યાર સુધી સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત છબી ધરાવતી પાંડેસરા જીઆઇડીસી પણ હવે પ્રદુષણ ફેલાવતી જીઆઇડીસીની વ્યાખ્યામાં આવી ગઇ છે. કેટલાંક લાલચું મિલમાલિકોને લીધે સમગ્ર શહેરવાસીઓના સ્વાસ્થય સામે સંકટ ઊભું થયુ છે.

જીપીસીબી સામે ભ્રષ્ટાચારના આરોપો લાગતા કામગીરીનું સરવૈયું રજુ કરાયું

શહેરની પાંડેસરા જીઆઇડીસી સહિત સચિન જીઆઇડીસીમાં ભારે પ્રદુષણને પગલે જીપીસીબી સામે કરપ્શનના ગંભીર આરોપો લાગ્યાં હતાં. જીપીસીબી સ્થાનિક કચેરીના કેટલાંક બાબુઓ પાંડેસરા અને સચિન જીઆઇડીસીમાંથી દર મહિને નિયમિત કવર ઉઘરાવતાં હતાં. મિલ દીઠ લાખો રૂપિયા ખંખેરતા હતાં. કેટલાંક કર્મચારીઓ વર્ષો-વર્ષથી સુરત કચેરીમાં પડયા પાથર્યા છે.

જેને લઇને કરપ્શનના આરોપો લાગ્યા હતાં. જીપીસીબી સામે ગંભીર આરોપો બાદ આજે રજા ઉપરથી હાજર થયેલા જીપીસીબી કચેરીના પ્રાદેશિક અધિકારી પરાગ દવેએ કહ્યું હતું કે, જીપીસીબીએ સચીનના 39 તથા પાંડેસરામાં 14 એકમોમાં તપાસ કરી છે. જેમાં 16 એકમોને શો કોઝ, 9 એકમોને ડાયરેકશન તમજ 2 એકમોને કલોઝર અપાયા હતા.

પાંડેસરામાં કેટલાંક મિલમાલિકો હજી પણ બિનદાસ્ત ચિંધી વાપરી રહ્યાં છે

પાંડેસરા જીઆઇડીસીમાંથી બહાર આવેલા પ્રદુષણ ફેલાવવાની ભયાનક ઘટના બાદ શહેર આખામાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કેમ કે પાંડેસરા જીઆઇડીસી શહેરની વચ્ચોવચ આવી છે. અને આ જીઆઇડીસી ફરતે પાંચ છ કિલોમીટરમાં મોટી માનવ વસાહ છે. તેમછતાં કેટલીક મિલના માલીકો સસ્તા બળતણ તરીકે ચિંધી અને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી લોકોના જાનમાલ ઉપર ખતરો ઉભો કરી રહ્યાં છે.

પાંડેસરા જીઆઇડીસી ફરતે અનેક ગામો આવેલા છે. પરંતુ મિલમાલિકોને નફો રળવાની લ્હાયમાં કોઇની પડી નથી હજી પણ પાંડેસરા જીઆઇડીસીમાં કેટલીક મિલોમાં ખુલ્લેઆમ પ્લાસ્ટિક વેસ્ટ અને ચિંધીનો ઉપયોગ થઇ રહ્યો છે. જીપીસીબી આ વિસ્તારમાં હજી પણ તપાસ સઘન બનાવે તો હજી ઘણી મિલમાંથી પ્રદુષણની વિગતો બહાર આવે તેમ છે.

Most Popular

To Top