Columns

ગુનાની સજા

ચન્દ્રગુપ્ત મૌર્યનો ભવ્ય રાજ દરબાર હતો.ગુનેગારોને રાજાની સમક્ષ રજૂ કરવાનો સમય હતો.એક પછી એક ગુનેગારો રાજાની સમક્ષ રજૂ કરવામાં આવતા હતા. ચન્દ્રગુપ્ત મૌર્ય સમક્ષ દરબારમાં એક બાર વર્ષના છોકરાને ગુનેગાર તરીકે રજૂ કરવામાં આવ્યો.છોકરા ઉપર ચોરીનો આરોપ હતો. કોટવાલે કહ્યું, ‘મહારાજ, આ નાના છોકરાએ આટલી નાની ઉંમરમાં ચોરી જેવો અપરાધ કર્યો છે.’ ચન્દ્રગુપ્તે પૂછ્યું, ‘ચોરી …શેની ચોરી કરી છે આ છોકરાએ?’ ફરિયાદી તરીકે આવેલા એક ફળવાળાએ કહ્યું, ‘મહારાજ તેણે મારી દુકાનમાંથી બે સફરજન ચોર્યા છે.’ અને કરિયાણાવાળાએ કહ્યું, ‘મહારાજ, મારે ત્યાંથી તેણે બાજરાનો લોટ ચોર્યો છે.’ આ સાંભળી રાજાના મોઢા પર અણગમા અને ચિંતાની રેખાઓ ફરી વળી…’ કોટવાળ બોલ્યો, ‘મહારાજ, આટલી નાની ઉંમરમાં ચોરી કરી છે, જો અત્યારે સજા નહિ આપીએ તો મોટો થતાં તે મોટી ચોરીઓ કરશે.’

રાજાએ કંઈ જવાબ ન આપ્યો.તેમણે છોકરાને પૂછ્યું, ‘તેં શું કામ ચોરી કરી? સફરજન અને લોટ પૈસા આપીને કેમ ન લીધા.ઘરમાં કોઈ મોટાને કેમ ન કહ્યું?’ છોકરો રડવા લાગ્યો. તે બોલ્યો, ‘રાજાજી મને માફ કરો ..કોઈ દિવસ ચોરી નહિ કરું આ તો મજબૂરી હતી એટલે નાછૂટકે મેં ચોરી કરી છે.’ રાજાએ પૂછ્યું, ‘શું મજબૂરી હતી?” છોકરાએ કહ્યું, ‘રાજાજી અમારા ઘરમાં પૈસા નથી..હું અને મારી મા બે જણા છીએ.મારી મા મજૂરી કરી ઘર ચલાવતી હતી પરંતુ છેલ્લા એક મહિનાથી તે બીમાર છે.ખાટલામાંથી ઊભી થઈ શકતી નથી એટલી અશક્ત થઈ ગઈ છે.છેલ્લા બે દિવસથી ઘરમાં ખાવા માટે કંઈ જ ન હતું.મેં આજુબાજુ બધા પાસે મદદ માંગી.રસ્તામાં જે મળ્યું તેની પાસે મદદ માંગી.મેં કામ શોધવાની પણ કોશિશ કરી, પણ મારા બદ્નસીબે ન મને કોઈએ મદદ કરી; ન કામ આપ્યું.એટલે ભૂખને લીધે અને બીમાર મા ને રોટલો ખવડાવવા માટે મેં નછુટકે ચોરી કરી.મને માફ કરો.’

છોકરાની વાત સાંભળી ચન્દ્રગુપ્ત મૌર્ય સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને મહામંત્રી ગુરુ ચાણક્ય સામે હાથ જોડી કહ્યું, ‘ગુરુજી, આ ગુનાની સજા આપ જ આપો.’ ચાણક્ય ઊભા થયા અને બોલ્યા, ‘ચોરી કરવી એક શરમજનક અપરાધ છે અને આપના રાજ્યમાં આ છોકરાએ ફળ અને લોટની ચોરી કરી છે તે સમગ્ર રાજ્ય …સમાજ …રાજા અને પ્રજા બધા માટે શરમજનક છે.આ ગુનાની સજા અહીં દરબારમાં હાજર બધાને મળશે.

આપણા રાજ્યમાં કોઈએ મજબૂર થઈને ખોરાકની ચોરી કરવી પડે તે અક્ષમ્ય છે.રાજા અને દરેક દરબારી અને હાજર રહેલ દરેક જણ છોકરાની માફી માંગી તેને બે ચાંદીની મહોર આપશે.અને તેની ભૂખ અને મજબૂરી સમજવાને સ્થાને તેને કોટવાલને સોંપનાર ફળવાળા અને કરિયાણાવાળાએ તેને પાંચ પાંચ સોનામહોર આપવી પડશે.’ ચાણક્યે ગુનાની સજા સંભળાવી અને સૌથી પહેલાં છોકરાને બે ચાંદીની મહોર આપી તેની માફી માંગી.કહ્યું, ‘રાજન, આ છોકરાએ કરેલો ગુનો …એક એવો ગુનો છે જે સમાજમાં થાય તો શાસક અને તેનો સમાજ બંને ગુનેગાર સાબિત થાય છે.’ ચન્દ્રગુપ્ત મૌર્યે છોકરાની અને ગુરુજીની માફી માંગી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top