National

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઓપરેશન, જાણો શા માટે કરવામાં આવી સર્જરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું (President draupadi Murmu) આજે આર્મી હોસ્પિટલમાં ઓપરેશન (Operation) કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિનું મોતિયાનું સફળ ઓપરેશન રવિવારે પૂર્ણ થયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ સર્જરી દિલ્હીની (Delhi) આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં થઈ હતી. રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઓપરેશન સફળ રહ્યું છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે આર્મી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું
  • રાષ્ટ્રપતિનું મોતિયાનું સફળ ઓપરેશન રવિવારે પૂર્ણ થયું
  • ઓપરેશનના ત્રણ દિવસ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુવાહાટીમાં નિલાંચલ પર્વત શિખર પર સ્થિત કામાખ્યા મંદિરમાં પૂજા કરી હતી

શસ્ત્રક્રિયા પછી રજા
64 વર્ષીય દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈ 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. મુર્મુનું આજે મોતિયાનું ઓપરેશન થયું. ઓપરેશન સફળ રહ્યું હતું અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આર્મી હોસ્પિટલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મુર્મુને આજે સવારે 11:30 વાગ્યે આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ, દિલ્હી કેન્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિને તેમની ડાબી આંખમાં મોતિયાની ફરિયાદ હતી જે બાદ સર્જરી દ્વારા તેને ઠીક કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિની આ સફળ સર્જરી બ્રિગેડિયર એસ કે મિશ્રા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે. ઓપરેશન બાદ બપોરે 1.30 વાગ્યે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને રાષ્ટ્રપતિને આરામની સલાહ આપવામાં આવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કામાખ્યા મંદિરમાં પ્રાર્થના કરી હતી
તમને જણાવી દઈએ કે તેમના ઓપરેશનના ત્રણ દિવસ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે તેમની આસામની બે દિવસીય મુલાકાતના અંતિમ દિવસે ગુવાહાટીમાં નિલાંચલ પર્વત શિખર પર સ્થિત કામાખ્યા મંદિરમાં પૂજા કરી હતી. કામાખ્યા મંદિર દેશમાં સ્થિત 51 શક્તિપીઠોમાંથી એક છે. રાષ્ટ્રપતિની સાથે આસામના રાજ્યપાલ જગદીશ મુખી, મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા અને અન્ય ઘણા મહાનુભાવો પણ હાજર હતા. શક્તિપીઠના પૂજારીએ પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ અને તેમની પુત્રીએ મંદિરમાં ગર્ભગૃહની મુલાકાત લીધી હતી અને પરિક્રમા કરી હતી.

આ વર્ષની શરૂઆતમાં મુર્મુએ રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુવાહાટીની મુલાકાત દરમિયાન કામાખ્યા મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે જ સમયે રાષ્ટ્રપતિએ શુક્રવારે કેન્દ્ર સરકાર અને આસામ સરકારની વિવિધ યોજનાઓનો ડિજિટલ રીતે શિલાન્યાસ કર્યો હતો. જેમાં રાજ્યના ચાના બગીચાઓમાં મોડલ આંગણવાડી કેન્દ્રો અને શાળાઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top