Columns

શિષ્ય બનવાની તૈયારી

એક દિવસ એક પ્રખ્યાત ચિંતક પાસે એક યુવાન આવ્યો અને બોલ્યો, ‘મારે તમને ગુરુ બનાવવા છે’ચિંતક બોલ્યા, ‘તારે મને ગુરુ બનાવવો છે પણ પહેલા તું નક્કી કર કે તું શિષ્ય બનવા તૈયાર છે?’ યુવાન બોલ્યો, ‘તમને ગુરુ બનાવીશ એટલે હું તો આપોઆપ તમારો શિષ્ય બની જ જઈશ ને એમાં મારે તૈયારી શું કરવાની?’ ચિંતક બોલ્યા, ‘શિષ્ય તરીકે તું લાયક છે કે નહિ તે તારા ગુરુ તરીકે હું નક્કી કરીશ, તું નહિ. શું તું કસોટીમાંથી પાર ઉતરવા તૈયાર છે?’ યુવાન બોલ્યો,‘પહેલાં તમે મને જણાવો કે તમે કસોટી શું લેશો તો હું કહી શકું કે હું કસોટી માટે તૈયાર છું કે નહિ.’ ચિંતક હસ્યા અને બોલ્યા, ‘યુવાન કોઇ પણ કસોટીમાંથી પાર થવાની તૈયારી તારામાં નથી. તારે જો પહેલાં એમ જાણવું છે કે કસોટી શું છે, પછી તને ખબર પડશે કે તું કસોટી માટે તૈયાર છે કે નહિ.તેમ તારે પહેલાં તે જાણવું જોઈતું હતું કે હું ગુરુ બનવા તૈયાર છું કે નહિ? પછી તારે કહેવું હતું કે મારે તમને ગુરુ બનાવવા છે.હું ગુરુ બનવા જ નથી માંગતો તો તું મને ગુરુ બનાવી શકે નહિ અને તેથી તું તો શિષ્ય બની જ ન શકે.’ ચિંતકની આ ઊંડાણભરી અટપટી વાતોમાં યુવાનને કંઈ ખબર ન પડી. તેણે થોડા કંટાળાભર્યા અણગમા સાથે કહ્યું, ‘તમે શું કહો છો મને સમજાતું નથી. કૈંક સમજાય તેમ કહો અને સ્પષ્ટ જણાવો કે તમે મારા ગુરુ બનશો કે નહિ.નહિ તો હું બીજા ચિંતક પાસે જાઉં.’

ચિંતક બોલ્યા,‘યુવાન, તું કોઈની પાસે પણ જા.જયાં સુધી તું શિષ્ય બનવા તૈયાર નહિ થાય, ત્યાં સુધી તું કોઈને તારો ગુરુ બનાવી નહિ શકે.શિષ્યમાં નમ્રતા હોય,શિષ્ય ગુરુને પસંદ ન કરે, ગુરુ શિષ્યની લાયકાત જુએ, તેને પસંદ કરે તે લાયકાત મેળવવી જરૂરી છે.માત્ર મનસ્વી ઇચ્છાથી કે તમે મારા ગુરુ બનો એટલે હું તમારો શિષ્ય બની જઈશ એમ શિષ્ય ન બની શકાય કારણ કે શિષ્યમાં સર્વસ્વ સમર્પણ જોઈએ. તે ગુરુની કોઈ વાત પર શંકા ન કરે.ગુરુની બધી આજ્ઞાનું પાલન કરે. દરેક કસોટીમાંથી પાર ઉતરવા સતત તૈયાર રહે. શિષ્ય કોઈ દિવસ ગુરુની કોઈ પણ વાત પર અણગમો ન કરે અને સાચો શિષ્ય કોઈ દિવસ ગુરુ બદલવાની વાત ન કરે અને વત્સ, તેં આ બધું જ કર્યું છે.એટલે ગુરુ બનાવતાં પહેલાં તારે શિષ્ય બનવાની તૈયારી કરવાની બહુ જરૂર છે.પહેલાં સાચા શિષ્ય બનવાની તૈયારી કર, પછી તને આપોઆપ ગુરુ મળી જશે.’ચિંતકે યુવાનને સાચા શિષ્યની ઓળખ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top