Vadodara

એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર કોર્સની બોલબાલા,10 વર્ષમાં 800% સીટોનો વધારો

AI-MLના ક્રેઝ વચ્ચે કોમ્પ્યુટર અને એલાઇડ શાખાઓમાં 41,646 સીટ, કુલ પ્રવેશના 58% એકલા કોમ્પ્યુટર કોર્સમાં

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

ગુજરાતમાં એન્જિનિયરિંગ શિક્ષણમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને તેને સંલગ્ન કોર્સ જેવા કે ઇન્ફર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ અને ડેટા સાયન્સની સીટોમાં છેલ્લા દાયકામાં 800%થી વધુનો જંગી ઉછાળો નોંધાયો છે. એસીપીસીના આંકડા મુજબ 2015માં જ્યાં આ શાખાઓમાં માત્ર 4,560 સીટ હતી, તે 2025માં વધીને 41,646 થઈ છે, એટલે કે 37,086 સીટનો વધારો થયો છે.

હાલ ACPC મારફત ભરાતી લગભગ 72,000 એન્જિનિયરિંગ સીટોમાંથી 58% સીટ કોમ્પ્યુટર અને એલાઇડ કોર્સની છે. આ સાથે કોમ્પ્યુટર શાખા રાજ્યના એન્જિનિયરિંગ શિક્ષણનો સૌથી મોટો વિભાગ બની ગયો છે.બીજી તરફ, પરંપરાગત પાંચ મુખ્ય શાખાઓ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને મિકેનિકલમાં છેલ્લા 10 વર્ષમાં કુલ માત્ર 11,333 સીટનો વધારો થયો છે. જે કોમ્પ્યુટર શાખાના 37 હજારના વધારાના એક તૃતીયાંશથી પણ ઓછો છે. કોમ્પ્યુટર અને એલાઈડમાં 4,560 થી 41,646, વધારો 37,086, 813% ઉછાળો, ICTમાં 300 થી 1,431, વધારો 1,131, 377% ઉછાળો, કેમિકલમાં 840 થી 2,880, વધારો 2,040, 242% ઉછાળો,E&Cમાં 1,440 થી 3,158, વધારો 1,718, 119% ઉછાળો અને ઈલેક્ટ્રિકલ 3,590 થી 6,012, વધારો 2,422, 67% ઉછાળો તેમજ સિવિલમાં 4,820 થી 7,373, વધારો 2,553, 53% ઉછાળો, મિકેનિકલ 5,840 થી 8,440, વધારો 2,600, 44% ઉછાળો સાથે સાથે ઓટોમોબાઇલ 840 થી 1,106, વધારો 266, 32% ઉછાળો જોવા મળ્યો છે. ટોપ રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર શાખાઓ સૌથી વધુ લોકપ્રિય છે. ટોપ 500 વિદ્યાર્થીઓમાંથી 70-80% વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સંબંધિત શાખાઓ પસંદ કરે છે. આ ટ્રેન્ડનું કારણ ટ્રેઇન્ડ પ્રોફેશનલ્સની સ્થિર માંગ, AI-ML જેવી ઇમર્જિંગ ટેકનોલોજીનો ઉદય, ઊંચા પગાર પેકેજ અને વિદેશમાં કામની તકોને માનવામાં આવે છે. વર્ષ 2026-27ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. ત્યારે, શિક્ષણવિદોનું માનવું છે કે ગુજરાતના સેમિકન્ડક્ટર પુશ છતાં કોમ્પ્યુટર અને આઈટી સાથે જોડાયેલી શાખાઓની પસંદગી યથાવત રહેશે.

એન્જિનિયરિંગમાં શાખાવાર સીટો

1.કોમ્પ્યુટર અને એલાઇડ: 41,646 સીટ, 813% વધારો

2.મિકેનિકલ: 8,440 સીટ, 44% વધારો

3.સિવિલ: 7,373 સીટ, 53% વધારો

4.ઈલેક્ટ્રિકલ: 6,012 સીટ, 67% વધારો

5.E&C: 3,158 સીટ, 119% વધારો

Most Popular

To Top