SURAT

વ્યાજખોર પોલીસ કોન્સ્ટેબલ પાસે 8 લાખ ઉધાર લેવાનું સુરતના જમીન દલાલને ભારે પડ્યું

સુરત (Surat) : આર્મ પોલીસ કોન્સ્ટેબલ (Constable) કમલેશ ઔસુરાની ઉમરા પોલીસ સ્ટેશનમાં કામ અર્થે આવેલા જમીન દલાલ (Land Broker) સાથે મિત્રતા થઈ હતી. કોરોનામાં (Covid) જમીન દલાલે કોન્સ્ટેબલ પાસેથી 8 લાખ ઉછીના લીધા હતા. તેના બદલે 8 વીંઘા જમીનનો દસ્તાવેજ (Land Document) સિક્યોરિટી પેટે કરી આપ્યો હતો. દાનત બગડતા વ્યાજખોર પોલીસ કોન્સ્ટેબલે દસ્તાવેજ પરત નહીં આપી બીજા 50 લાખ પડાવી અને હજી 49.88 લાખની માંગણી કરી હતી. અંતે જમીન દલાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • કોન્સ્ટેબલે જમીન દલાલની 8 વિંઘા જમીન 8 લાખમાં ગીરવે લઈને બીજાને સાટાખત કરી આપ્યો
  • જમીન આપવાના બદલામાં અલગ અલગ નાટક કરીને 50 લાખ પડાવ્યા
  • પોલીસ કોન્સ્ટેબલે દસ્તાવેજ પરત નહીં આપી 50 લાખ પડાવ્યા બાદ બીજા 49.88 લાખની માંગણી કરી

વેસુ ખાતે સ્વામી ગુણાતીનગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય કરશનભાઈ અંબારામભાઈ ખોખાણી ડાયમંડનો વેપાર કરે છે. અને સાથે પ્રોપર્ટી લે વેચનું કામ પણ કરે છે. તેમણે ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ચંદુભાઈ ઔસુરા (રહે. ક્રીશ હાઈટ્સ, પાલ તથા મુળ ગઢડા ભાવનગર) ની સામે ફરિયાદ નોંધાવી છે.

વર્ષ 2015 માં ઉમરા પોલીસ સ્ટેશનમાં કામઅર્થે ગયા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ સાથે મુલાકાત થઈ હતી. બાદમાં તેમના વતનના હોવાથી તેમની સાથે સારી મિત્રતા થઈ હતી. બાદમાં એક દિવસ આરોપી પોલીસ કોન્સ્ટેબલે પોતે વ્યાજે રૂપિયા આપતો હોવાનું કહ્યું હતું.

કરશનભાઈના ઓળખીતા વિનોદભાઈ માધાભાઈ લાવરીને રૂપિયાની જરૂર હોવાથી તેની કમલેશ ઔસરા સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારે વિનોદભાઈએ તેની પાસેથી 51 લાખ રૂપિયા 5 ટકા વ્યાજે લીધા હતા. અને જેના બદલે વિનોદભાઈએ તેમના દિકરા તિલકના નામે આવેલી મજુરાના ટીપી નં.6 ના એફપી નં.3 ની 127.91 ચો.મી. વાળી મિલકતનો સાટાખત કમલેશભાઈ ઔસુરાના નામે કરી આપ્યો હતો.

બાદમાં આ પૈસા ચુકવી વિનોદભાઈએ બીજી વખત પણ 17 લાખ લીધા હતા. બાદમાં કરશનભાઈને પણ પૈસાની જરૂર પડતા 8 લાખ રૂપિયાના બદલામાં 8 વીંઘા જમીનનો દસ્તાવેજ ગીરવે મુક્યો હતો. અને બાદમાં આ દસ્તાવેજ પરત નહીં આપી ખેલ કરી જતા ઉમરા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી છે.

કોરોનામાં કરશનભાઈએ 8 વીંઘા જમીનના દસ્તાવેજ સિક્યોરિટી પેટે આપી 8 લાખ ઉછીના લીધા
વર્ષ 2020 માં કોરોનામાં કરશનભાઈને પણ રૂપિયાની જરૂર પડતા કમલેશ ઔસુરા પાસેથી 8 લાખ ઉછીના લીધા હતા. અને તેના બદલામાં કરશનભાઈએ તેમના દિકરા અંકિતના નામે મોજે સીસોદ્રા ગદામમાં આવેલી બ્લોક નં.39-2 વાળી 8 વીંધા જમીનનો વેચાણ દસ્તાવેજ 14 ડિસેમ્બર 2020 ના રોજ કરાવી લીધો હતો. પરંતુ કરશનભાઈએ તે માત્ર સિક્યોરિટી પેટે આપ્યો હતો. તેનો અસલ દસ્તાવેજ તેમની પાસે જ હતો.

વર્ષ 2021 માં કરશનભાઈએ ઉછીના લીધેલા 8 લાખ કમલેશને પરત કરવા અને જમીનનો સિક્યુરીટી પેટે કરી આપેલો દસ્તાવેજ પરત કરવા કહ્યું હતું. જેથી આરોપીએ તમે અન્ય કોઈને આ જમીન જેટલા રૂપિયામાં વેચાણ આપશો તેટલામાં જ હું ખરીદી કરી લઉ તેમ કહીને સમય પસાર કર્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલે ગીરવે મુકેલી જમીનનો બીજાને 35 લાખમાં સાટાખત કરી આપ્યો
કરશનભાઈએ રૂપિયા લઈને જમીનનો દસ્તાવેજ પરત કરી આપવા દબાણ કરતા આરોપી કમલેશે આ જમીન ઉપર તેને 35 લાખ લઈને સાટાખત કરી આપ્યાનું કહ્યું હતું. અને હાલ તેને 50 લાખની જરૂર હોવાથી ક્યાંકથી 15 દિવસ માટે કરશનભાઈને 50 લાખની સગવડ કરી આપવા કહ્યું હતું. જેથી તે જમીન ઉપર લીધેલા રૂપિયા ચુકવી આપી જમીન ચોખ્ખી કરી દસ્તાવેજ કરી આપશે તેમ કહ્યું હતું. અને તેના મામાના દિકરા પાસે 3.15 કરોડની એફડી છે જે તોડી તેમાંથી 50 લાખ ચુકવી આપશે. અને બીજા સવા કરોડ કોપરના ધંધામાં જે નાખવાના છે તે ઓછા વ્યાજે આપવાનું પણ કહ્યું હતું.

આરોપીએ જમીન ચોખ્ખી કરવા બીજા 50 લાખ ઉછીના માંગ્યા હતા
પોલીસ કોન્સ્ટેબલ ઉપર વિશ્વાસ મુકીને કરશનભાઈએ તેમના ઓળખીતા ભરત સાપોલીયા પાસેથી 15 દિવસના વાયદે 50 લાખ આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. 8 દિવસ પછી તેને જમીનનો દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું. બાદમાં જમીનનો દસ્તાવેજ કરવા તેણે અગાઉ ઉછીના આપેલા 8 લાખના બદલામાં 32.88 લાખની માંગણી કરી હતી.

કરશનભાઈ તેના માટે પણ તૈયાર થઈ ગયા હતા. બાદમાં આરોપીએ બીજી વખત લીધેલા 17 લાખ મળી કુલ 49.88 લાખની માંગણી કરી હતી. અને જમીનનો દસ્તાવેજ કરી આપવા આનાકાની કરતો હતો. અંતે કંટાળી કરશનભાઈએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top