SURAT

સુરત: પતિ નોકરીએ જાય પછી સામે રહેતો યુવક પરિણીતાને ગંદા ઈશારા કરતો, એક દિવસ..

સુરત: સુરતમાં શરમજનક ઘટના બની છે. અહીં બે બાળકોની માતા એવી પરિણીતાની પડોશમાં રહેતા યુવકે છેડતી કરી છે. પરિણીતાનો પતિ નોકરીએ જાય ત્યાર બાદ રોજ અશ્લીલ ઈશારા કરતા યુવકે જાહેરમાં ઓઢણી ખેંચીને છેડતી કર્યાનો બનાવ બન્યો છે. રોજ રોજની છેડતીથી પરેશાન થઈ આખરે પરિણીતાએ લંપટ યુવક વિરુદ્ધ સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • સિંગણપોરના હરિદર્શનનો ખાડો વિસ્તારની ઘટના: સામે રહેતો યુવક ટુંકી ચડ્ડી પહેરી રોજ ગંદા ઈશારા કરતો
  • વાસી ઉત્તરાયણના દિવસે દૂધ લઈને ઘરે પરત જતી પરિણીતાની જાહેર રસ્તામાં ઓઢણી ખેંચી છેડતી કરી
  • વારંવારની હેરાનગતિથી તંગ આવી પરિણીતાએ આખરે રોમિયો વિરુદ્ધ ફરિયાદ કરતાં સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી

સિંગણપોરના હરીદર્શનના ખાડો વિસ્તારમાં સહજાનંદ સોસાયટીમાં રહેતી 30 વર્ષીય પરિણીતાનો પતિ ખાનગી બેન્કમાં કલેક્શન એજન્ટ તરીકે નોકરી કરે છે. પરિણીતાને એક 6 વર્ષનો પુત્ર અને 3 વર્ષની પુત્રી છે. છેલ્લાં ત્રણેક મહિનાથી પડોશમાં રહેતો યુવક તેને હેરાન કરતો હતો. પરિણીતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લાં ત્રણેક મહિનાથી તેના ઘરની સામેના મકાનમાં રહેતો મનિષ પ્રેમજી પરમાર નામનો ઈસમ તેને હેરાન કરે છે. તેણીનો પતિ નોકરી પર જાય ત્યાર બાદ જ્યારે તેણી કપડાં સુકવવા માટે ઘરની બહાર જાય ત્યારે સામેના મકાનમાં રહેતો મનિષ પરમાર ટુંકી ચડ્ડી પહેરી બહાર આવે અને ગંદા અશ્લીલ ઈશારા કરતો હતો. આ અંગે પતિ અને પરિવારને જાણ કરી ત્યારે પતિ મનિષ પરમારને સમજાવવા ગયા હતા ત્યારે મનિષે સામે ગાળો દઈ ઝઘડો કર્યો હતો. તેથી પતિ-પત્નીએ બદનામીના ડરથી ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું.

દરમિયાન પરિણીતા ગઈ તા. 15મી જાન્યુઆરીના રોજ નજીકના કિરાણા સ્ટોર્સમાંથી દૂધ લઈ પરત ઘરે આવી રહી હતી ત્યારે મનિષ પરમારે પાછળથી પરિણીતાની ઓઢણી ખેંચી તેને રસ્તામાં પાડી દીધી હતી. રસ્તામાં પડવાના લીધે પરિણીતા બેભાન થઈ ગઈ હતી. આસપાસના લોકો અને તેણીનો દિયર ત્યાં દોડી ગયા હતા અને તેણીને ઘરે લઈ ગયા હતા. વારંવારની છેડતીથી પરેશાન પરિણીતાએ આખરે સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી મનિષ પરમારની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top