Gujarat

અમદાવાદ અને કચ્છમાં સ્ટીલના વેપારીઓ પર આવકવેરાના દરોડા

અમદાવાદ: કેન્દ્રના સામાન્ય અંદાજપત્ર-2023ને (Union Budget 2023) આડે માંડ પખવાડીયું પણ બાકી નથી તેવા સમયે ઇન્કમટેકસ (Income Tax Raid In Gujarat) દ્વારા ગુજરાતમાં દરોડા ઓપરેશન હાથ ધરીને અમદાવાદ (Ahmedabad) તથા કચ્છમાં (Kutch) સ્ટીલના વેપારીઓ (Steel Traders) પર તપાસ હાથ ધરાતા ખળભળાટ સર્જાયો છે. અમદાવાદની એચ.એ.કયુ. સ્ટીલ પર દોઢ ડઝનથી વધુ સ્થળોએ દરોડા અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

  • કેન્દ્રીય બજેટના પખવાડિયા પહેલાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સર્ચ ઓપરેશનથી ખળભળાટ
  • કડકડતી ઠંડીમાં વહેલી સવારે 100થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો
  • અમદાવાદના એચ.એ.ક્યુ સ્ટીલ પેઢીના દોઢ દઝનથી વધુ સ્થળો પર સાગમટે તપાસ

અમદાવાદ ઇન્કમટેકસ ઇન્વેસ્ટીગેશન વીંગના સુર્યકાંત પવારના વડપણ હેઠળ આજે સવારથી આવકવેરાના અધિકારીઓનો કાફલો અમદાવાદ તથા કચ્છમાં ત્રાટકયો હતો અને મોટા પાયે દરોડા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં એચ.એ.કયુ. સ્ટીલની ઓફિસ તથા સંચાલકોના નિવાસસ્થાન સહિતના ડઝનથી વધુ સ્થળોએ અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. આ સિવાય કચ્છના ગાંધીધામમાં કંપનીની ઓફિસ તથા અન્ય સંલગ્ન સ્થળોએ પણ સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ઇન્કમટેકસના 100થી વધુ અધિકારીઓનો કાફલો સર્ચ ઓપરેશનમાં જોડાયો છે. રાજકોટથી પણ અધિકારીઓની બે ટીમોને તપાસમાં સામેલ કરવામાં આવી છે. કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. વ્હેલી સવારમાં કડકડતી ઠંડીમાં ઇન્કમટેકસે દરોડા ઓપરેશન હાથ ધરતા વેપાર ઉદ્યોગકારોમાં સોંપો પડી ગયો હતો. નવા કેલેન્ડર વર્ષનું ગુજરાતમાં આ પ્રથમ દરોડા ઓપરેશન છે અને તેને પગલે વેપારીઓમાં ખળભળાટ સર્જાયો હતો.

એમ કહેવાય છે કે સામાન્ય રીતે બજેટ રજૂ થવાનું હોય તેની આસપાસના દિવસોમાં ઇન્કમટેક્સ દ્વારા કોઇ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી અને એટલે વેપાર ઉદ્યોગકારો પણ હૈયે ધરપત રાખતા હોય છે તેનાથી વિપરીત આ વખતે ઇન્કમટેકસ વિભાગ દ્વારા કેન્દ્રના સામાન્ય બજેટની જાહેરાતના પખવાડીયા પૂર્વે જ ગુજરાતમાં દરોડા ઓપરેશન કરતા વેપારી ઉદ્યોગકારો પણ સ્તબ્ધ બની ગયા છે. ગુજરાત ઇન્કમટેકસે કેલેન્ડર વર્ષ 2022માં પણ ઉદ્યોગકારોને આ રીતે જ ઉંઘતા ઝડપયા હતા જ અને વિધાનસભાની ચૂંટણીગાળાના સમય દરમ્યાન જ ત્રણ જેટલા દરોડા ઓપરેશન હાથ ધર્યા હતા. આજની દરોડા કાર્યવાહી અમદાવાદ ઈન્કમટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top