National

પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે: વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 18 થી 20 એપ્રિલ એટલે ત્રણ દિવસ સુધી ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. તેના માટે તે આજે સાંજે 5.30 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ બાય રોડ ગાંધીનગર પહોંચ્યા હતા.

ગાંધીનગરમાં પીએમ મોદીએ શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. જેને વિશ્વ બેંક દ્વારા વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રણાલીઓમાંની એક તરીકે માન્યતા આપવામાં આવી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને તેને વિદ્યા સમીક્ષા કેન્દ્ર નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2.5 લાખ કરતાં વધારે શિક્ષકો અને 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્યથી આ સેન્ટર તૈયાર કરાયું છે.

પીએમ મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આજથી શરૂ થઈ ગયો છે. પીએમ આ 3 દિવસ દરમિયાન જામનગર, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન 18 એપ્રિલે એટલે કે આજે સાંજે ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. આવતી કાલે એટલે કે 19 એપ્રિલના રોજ સવારે 10 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો પાયાનો પથ્થર નાખશે. આ પછી લગભગ 3.30 વાગ્યે તેઓ જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની આધારશિલા રાખશે. ગાંધીનગરમાં 20મી એપ્રિલે સવારે 10.30 વાગ્યે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 3.30 કલાકે પીએમ મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં પણ ભાગ લેશે જ્યાં તેઓ આશરે 22,000 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર શું છે?
વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી શિક્ષણ પરિણામોને વધારવા માટે દર વર્ષે 500 કરોડથી વધુ ડેટા સેટ એકત્રિત કરીને અને વ્યાપક ડેટા વિશ્લેષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ રીતે તેનું વિશ્લેષણ કરશે. આ ઉપરાંત તે શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરીને ટ્રેક કરવામાં મદદ કરશે. વિદ્યાર્થીઓના અધ્યયન પરિણામોનું કેન્દ્રિય સંક્ષિપ્ત અને સામયિક મૂલ્યાંકન કરશે. અન્ય દેશોને પણ તેના વિશે જાણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top