Business

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: PM મોદી અને CM પટેલે વિવિધ દેશોના બિઝનેસ ડેલિગેશન સાથે કરી બેઠકો

ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગરમાં આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાષ્ટ્કક્ષાના વડા તથા વિવિધ દેશોના રોકાણકારો તથા બિઝનેશ ડેલિગેશન સાથે બેઠકોનો દોર યોજવામાં આવ્યો હતો. આજે સવારે ગાંધીનગરમાં સવારે પીએમ નરેન્દ્ર મોદી અને તિમોર-લેસ્તેના પ્રમુખ મહામહિમ ડો.જોઝે રામોઝોર્તા વચ્ચે મહત્વની દ્વિપક્ષી બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા આજે ગાંધીનગરમાં મળ્યાં હતાં.

  • ગુજરાતમાં 350થી વધુ જાપાનીઝ કંપની કામ કરી રહી છે
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં વાઇસ મિનિસ્ટર હોસાકા શીનની બેઠક યોજાઇ

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો, જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ ‘દિલ્હી-દિલિ’ જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. સપ્ટેમ્બર 2023માં, તેમણે દેશમાં ભારતીય મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, આઇટી, ફિનટેક, ઊર્જા અને પરંપરાગત ચિકિત્સા અને ફાર્મા સહિત હેલ્થકેરમાં તિમોર-લેસ્તેને સહાયની ઓફર કરી હતી. તેમણે તિમોર-લેસ્તે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું.

તેમણે તિમોર-લેસ્તે તેના 11માં સભ્ય તરીકે સ્વીકારવાના આસિયાનના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા અભિનંદન પાઠવ્યા હતા અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ હોર્ટાએ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ પૂર્ણ કરવા, ખાસ કરીને આઇટીમાં હેલ્થકેર અને ક્ષમતા નિર્માણનાં ક્ષેત્રોમાં, ભારત પાસેથી ટેકો માંગ્યો હતો.બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિકમાં પ્રાદેશિક મુદ્દાઓ અને વિકાસ પર પણ ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ વધુમાં અમેરિકન કંપની માઈક્રોનના ભારતના સીઈઓ સંજય મેહરોત્રા વચ્ચે પણ મહત્વની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને માઈક્રોન દ્વારા સેમી કંન્ડકટર સેટકરમાં સાણંદ ખાતે 21000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં પ્રજાસત્તાક મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યૂસી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ મોઝામ્બિકની વિકાસ પ્રાથમિકતાઓને ટેકો આપવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાનાં માર્ગો પર ફળદાયક ચર્ચાવિચારણા કરી હતી, જેમાં સંરક્ષણ, આતંકવાદ સામેની લડાઈ, ઊર્જા, સ્વાસ્થ્ય, વેપાર અને રોકાણ, કૃષિ, જળ સુરક્ષા, ખાણકામ, ક્ષમતા નિર્માણ અને દરિયાઈ સહકારનાં ક્ષેત્રો સામેલ છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, બંને દેશો હવાઈ જોડાણ વધારવા કામ કરી શકે છે, જેથી વેપાર, સંસ્કૃતિ અને લોકો વચ્ચેનાં સંબંધોને વેગ મળી શકે. રાષ્ટ્રપતિ ન્યૂસીએ જી-20માં આફ્રિકન યુનિયન (એયુ)ને સામેલ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીયમાં સહકાર સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

દરમ્યાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે વિવિધ બિઝનેશ ડેલિગેશન સાથે મહત્વની બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી. ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે જે સ્થિતી સર્જી છે તેમાંથી જાપાન ઝડપથી બેઠું થઈ રહ્યું છે તેની આ બેઠકની વાતચીત દરમિયાન સરાહના કરી હતી. વાઇસ મિનિસ્ટર હોસાકા સીને મુખ્યમંત્રી ની આ સંવેદના માટે આભાર માન્યો હતો.

જાપાનના વાઇસ મિનિસ્ટરએ ગુજરાતની બે દાયકાની ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની સફળતા અંગે તેમણે અનેક વૈશ્વિક મંચ પર પ્રસંશા સાંભળી છે. આથી તેઓ પોતે જે વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં, તે આ વાઇબ્રન્ટ સમિટમાં આવવાથી ફળીભૂત થઈ છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. વાઇસ મિનિસ્ટરએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકારનાં પ્રોએક્ટિવ અભિગમનો તેમને લાભ મળી રહ્યો છે. તેમની સાથે વાઇબ્રન્ટ સમિટનાં આ ડેલીગેશનમાં 70 જેટલી કંપનીઝ જોડાઈ છે તેની પણ તેમણે વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે ગુજરાત સાથે સેમિકન્ડક્ટર, હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા-ગ્રીન ગ્રોથ સેક્ટરમાં પાર્ટનરશીપ માટે જાપાન આયોજન બદ્ધ રીતે આગળ વધવા માંગે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વ્યાપક રોકાણોની તકો વિશે તેમને માહિતગાર કરતાં જણાવ્યું કે ગુજરાતે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર વિકસીત કરી રહ્યાં છીએ. મુખ્યમંત્રીએ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં ગુજરાત લીડ લેવા સજ્જ છે તેની ભૂમિકા સાથે જાપાનનાં તેમના તાજેતરનાં પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રોનાં વિવિધ ઉદ્યોગો સાથેની ફળદાયી મુલાકાત બેઠકોની માહિતી આપી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં આજે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અતંર્ગત નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેન સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત મેરીટાઇમ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ભારત સહિત વિશ્વની ‘બ્લુ ઇકોનોમી’માં યોગદાન આપવામાં અગ્રણી તરીકે ઉભરી રહ્યું છે.સીઈઓ કીથ સ્વેન્ડસેને મીટિંગ દરમિયાન પીપાવાવ પોર્ટ ખાતે કંપનીની કામગીરીના વિસ્તરણ અને અપગ્રેડેશન અંગે ચર્ચા કરી હતી. તેમણે APM ટર્મિનલ્સે 1998માં ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ તરીકે ભારતના પ્રથમ ખાનગી બંદરની નોંધણી કરીને ગુજરાતમાં પ્રથમ સ્થાપના કરી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો

Most Popular

To Top