Dakshin Gujarat

અમારા વિસ્તારમાં ધંધો કરવા હોય તો રૂ.1 લાખ આપો’ કહી ત્રણ ખંડણીખોરોએ વેપારીને માર માર્યો

ભરૂચ : અંકલેશ્વરના હવા મહેલ સોસાયટીમાં રહેતો મોહમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ પત્નીની જમીન ઉપર આઝાદ શટર્સનો વેપાર કરે છે. ગત તારીખ-1-10-22ના રોજ તેઓ અને તેઓના ભાઈ તથા એક કામદાર પોતાની દુકાન પર હતા. તે દરમિયાન પીરમણ ગામમાં (Pirman Village) રહેતો અનસ સલીમ નાનાબાવા, અલ્તાફ ઐયુબ ઉનિયા અને સાદ અહેમદ ટેલર ત્યાં આવી ‘તમારી જમીન બિનખેતી થયેલી નથી, ધંધો બંધ કરી દો, અમારા વિસ્તારમાં ધંધો કરવો હોય તો અત્યારે એક લાખ આપો નહિ તો ધંધો થવા દઈશું નહી તેવી ધમકી (Extortion) આપી હતી.

જાનથી મારી નાખવાની તેમજ બૌડામાં ફસાવી દેવાની ધમકી આપી હતી
જેને પગલે તેમનાથી ગભરાઈ ગયેલા વેપારીએ ત્રણેય ઇસમોને 50 હજાર રૂપિયા ખંડણી આપી હતી. જે બાદ વેપારી અને તેઓના ભાઈ ખેતરે જતા હતા. તે વેળા પીરામણ ગામના રેલવે ગરનાળા પાસે ફિલ્મી ઢબે ત્રણેય ઈસમોએ પીછો કરી અટકાવી ‘અન્ય રૂપિયા આપવા પડશે.’ તેવી ધમકી આપી હતી અને ત્રણેય ઈસમોએ બંને વેપારી ભાઈઓને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની તેમજ બૌડામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાયણમાં ફેરી ફરી બગલ થેલા વેચતા શ્રમજીવી પર ચપ્પુથી હુમલો

દેલાડ: સાયણમાં છૂટક બગલ થેલા વેચતા એક આધેડ ઉપર સંજય રાઠોડ નામના આરોપીએ શ્રમજીવીના કામની મશ્કરી ન કરવાનું કહેતા તેના ઉપર ચપ્પુથી હુમલો કરી હોસ્પિટલ ભેગો કરવાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે.
વડોદરા શહેરની સંજયનગર, હનુમાન ટેકરી ખાતેની ઝુંપડપટ્ટીના મૂળ વતની ડાહ્યાભાઇ વાલજી મારવાડી (ઉ.વ.૫૦) હાલમાં સાયણ ખાતેના ઠાકોરનગર, જલારામ મંદિરની પાછળ છેલ્લા છ માસથી રહે છે. તે ફેરી મારી છુટકમાં બગલ થેલા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે સાયણ ટાઉનમાં જલારામ મંદિર પાસેના મોટા હળપતિવાસમાં રહેતો સંજય રાજુ રાઠોડ નામનો શખ્સ બગલ થેલા વેચવા ફેરી લગાવતા ડાહ્યાભાઈના કામની મશ્કરી અને પજવણી કરતો હતો. ગત શનિવાર, તા.૨૨ ના રોજ બપોરે દોઢ કલાકે ડાહ્યાભાઈ મારવાડી તેના ફળીયામાં આવેલી દુકાને દુધ લેવા જઈ રહ્યો હતો, ત્યારે આરોપી સંજય રાઠોડ સામે મળતા તેણે ફરી મશ્કરી કરી હતી. જેથી તેણે સંજયને ઠપકો આપ્યો હતો.

ચપ્પુ બે ઘા પેટ અને મોઢા પર પરતાં તેઓ લોહી-લુહાણ થઈ ગયા
જેના કારણે સંજય રાઠોડ એકદમ ઉશ્કેરાઇ જઈ તેને ગાળો આપી ડાહ્યાભાઈને ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો અને ચપ્પુ બે ઘા પેટ અને મોઢા પર પરતાં તેઓ લોહી-લુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ડાહ્યાભાઈને સાયણ ખાતેના સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બીજા દિવસે રવિવારે ડાહ્યાભાઈએ હોસ્પિટલના બિછાનેથી ઓલપાડ પોલીસને સંજય રાઠોડ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આરોપી સંજય રાઠોડ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ મથકના પીએસઆઇ એમ.એ. ચૌહાણ કરી રહ્યા છે.

Most Popular

To Top