Dakshin Gujarat Main

મહારાષ્ટ્રની બોર્ડરથી માત્ર 4 કિ.મી.ના અંતરે આવેલું ગામ એટલે ‘ફૂલઉમરાણ’ ગામ

ફૂલઉમરાણ ગામ એ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલું છે. આ ગામ જિલ્લાના વડું મથક વ્યારાથી પૂર્વ દિશામાં ૭૨ કિ.મી.ના અંતરે અને તાલુકા મથક ઉચ્છલથી 30 કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામ તાપી અને નંદુરબાર જિલ્લાની સીમા પર હોવાથી મહારાષ્ટ્રની બોર્ડર માત્ર ૪ કિ.મી.ના અંતરે આવેલી છે. ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૮૮૯.૦૮ હેક્ટર છે. ફૂલઉમરાણ ગામનો સાક્ષરતા દર ૪૮.૮૮ % છે, જેમાંથી ૫૭.૩૯ % પુરુષો અને ૪૦.૬૦ % સ્ત્રીઓ સાક્ષર છે. ફૂલઉમરાણ ગામમાં લગભગ ૫૭૬ ઘર છે. હાલમાં ગામની કુલ વસતી ૩,૦૧૩ છે, જેમાં પુરુષોની ૧,૫૨૫ અને મહિલાઓ ૧,૪૮૮નો સમાવેશ થાય છે. ગામમાં કુલ ઘરોની સંખ્યા ૬૮૧ નોંધાઇ છે. ફૂલઉમરાણ ગ્રામ પંચાયતમાં ફૂલવાડી, આમોદા અને પાણીબારા એમ ત્રણ ફળિયાંનો સમાવેશ થાય છે. ફૂલવાડી ફળિયામાં ૫૬૧ની આસપાસ વસતી ૧૧૨ જેટલાં ઘરોમાં નિવાસ કરે છે. આ ફળિયામાં મોટા ભાગના લોકો બીજા ગામમાંથી આવીને સ્થાયી થયેલા જોવા મળે છે. આ ફળિયું ટેકરી પર આવેલું હોવાથી ચોમાસા અને શિયાળામાં પ્રકૃતિના ખોળામાં હોય એવું આભાસ થાય છે. આમોદા ફળિયું ફૂલઉમરાણ ગામથી ૨ કિલોમીટરના અંતરે આવેલું છે. આ ફળિયાની વસતી પણ પહેલા ઓછી હોવાથી ફૂલઉમરાણ ગામ સાથે જોડવામાં આવ્યું હતું. આજે આ ફળિયાની વસતી કુલ ૧૦૨૬ છે. આ ફળિયામાં ધોરણ-૧થી ૫ સુધીની શાળા, આંગણવાડી, દૂધડેરી, સસ્તા અનાજની દુકાન અને ૨ મંદિર આવેલાં છે. આ ફળિયામાં હિન્દુ ધર્મ પાળનારા લોકો વધુ જોવા મળે છે. આ ફળિયાની શરૂઆત હનુમાન ભગવાનના મંદિરથી થાય છે. આ ફળિયું સંપૂર્ણ ટેકરી પર આવેલું છે. આ ફળિયામાં પણ ધોરણ-૧થી ૫ સુધીની શાળા, આંગણવાડી, દૂધડેરી, ઉપરાંત લોકોને આરોગ્યલક્ષી સારવાર મળી રહે એ માટે ખાનગી દવાખાનું પણ આવેલું છે. આ ફળિયામાં આવેલાં કુલ ૫૯ ઘરમાં કુલ ૩૪૦ લોકો વસવાટ કરે છે.

અલગ–અલગ જાતિઓની વસતી
ફૂલઉમરાણ ગામમાં માત્ર અનુસૂચિત જનજાતિના લોકો જ વસવાટ કરતા હોવાથી આ ગામને સંપૂર્ણ આદિવાસી ગામ પણ કહી શકાય. આ ગામમાં મુખ્યત્વે વસાવા, વળવી, પાડવી, કાથુડ સમુદાયના લોકોની વસતી આવેલી છે. ગામમાં અલગ-અલગ જાતિઓના લોકો હોવા છતાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય બાબતોમાં સૌ સાથે મળી ભાગ લે છે. ગામમાં વસાવા લોકોની વસતી વધુ હોવાથી રાજકીય બાબતોની દૃષ્ટિએ વસાવા જાતિ પ્રભુત્વ ધરાવે છે. કાથુડ જાતિનાં ઘરો ગામના છેવાડે આવેલાં છે. આ જાતિના લોકો ડાંગર-શેરડી રોપવા કે કાપવાનાં કામો માટે વ્યારા, બારડોલી, સુરત વગેરે વિસ્તારોમાં સ્થળાંતર કરે છે. આ જાતિના લોકો સહકુટુંબ સ્થળાંતર કરતા હોવાથી શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નીચું છે. વળવી, પાડવી, જનજાતિ ખાસ કરીને ફૂલવાડી અને આમોદા ફળિયામાં રહેતી જોવા મળે છે. નાઈક જનજાતિના લોકો મુખ્યત્વે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનાં ગામોમાંથી આવી અહીં સ્થાયી થયેલા જોવા મળે છે.

પાયાની સુવિધાઓ
ગામના વડીલોના મતે પહેલાના સમયમાં જીવન જીવવા ઉપયોગી પાયાની સુવિધાઓ અલ્પ પ્રમાણમાં હતી. શાળા, આરોગ્ય કેન્દ્ર, સુવિધાયુક્ત ઘર, વીજળી, પાકા રસ્તા, ઘરવપરાશ માટે પાણી વગેરેનો અભાવ હતો. હાલમાં ગામમાં સરકારની અનેક વિકાસલક્ષી યોજનાઓના કારણે પાયાની સુવિધામાં વધારો થવાથી લોકોના જીવનધોરણમાં પણ સુધારો થયેલો જોવા મળે છે.

આરોગ્ય માટે પી.એચ.સી. સેન્ટર
ફૂલઉમરાણ ગામમાં આરોગ્યની ગ્રામ સ્તરે મળી રહે એ માટે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં દવાખાનામાં ગામ તેમજ આજુબાજુ ગામના લોકો નાની-મોટી બીમારીઓની દવા નિઃશુલ્ક મેળવે છે. તેથી અંતરિયાળ વિસ્તારના લોકો માટે આ દવાખાનું આશીર્વાદરૂપ સાબિત થયું છે. તાલુકા મથક ઉચ્છલ સબ ડિસ્ટ્રિક્ટ અને જિલ્લા મથકે વ્યારા જનરલ હોસ્પિટલમાં આ વિસ્તારના ગરીબ આદિવાસીઓ ગંભીર બીમારીઓની સારવાર મેળવી શકે છે. ગામમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ ૭૦૦થી વધારે લોકોને લાભ મળ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આ આંકડાઓ વધવાની શક્યતા છે.

જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ થઈ
દેશની ગતિ અને પ્રગતિમાં ઊર્જા ક્ષેત્રની ઘણી મોટી ભૂમિકા રહી છે. આ એક એવું ક્ષેત્ર છે કે જે જીવન જીવવામાં અને ઉદ્યોગ-ધંધો કરવામાં સરળતા સાથે જોડાયેલું છે. ગામમાં પહેલા વીજળી કનેક્શનવાળાં ઘરો ઓછાં અને વીજળી અનિયમિત હતી. જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગામમાં મોટા ભાગના દિવસોમાં વીજળી હોય છે. ગામમાં વીજળીના કારણે લોકો ઘરમાં લાઇટ, પંખા, ટી.વી., ફ્રીજ જેવાં ઇલેક્ટ્રિક સાધનો કે ખેતરોમાં સિંચાઇ માટે પમ્પ ચલાવી શકે છે. ખેતી ક્ષેત્રે વીજ કનેક્શન મળવાથી તેઓ ખેતીમાં પિયત કરતા થયા છે. જેથી સારો પાક થતાં લોકોનું જીવનધોરણ ઉપર આવ્યું છે. સાથે સાથે પિયત ખેતી થવાથી રોજગારી મેળવવા માટે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડતું નથી. સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી શકાય છે. પિયત ખેતીથી પશુપાલનનો વ્યવસાય પણ વિકાસ થયો છે.

પાણીની સુવિધા
વડીલોના જણાવ્યા મુજબ પહેલાં ગામના લોકો એક-બે કિ.મી. ચાલી કૂવામાંથી પાણી ભરી લાવતા હતા. એ સમયે ગામના ગરીબ શ્રમજીવી વર્ગો માટે નદીઓ, તળાવો, કૂવા જ પાણી મેળવવાનો વિકલ્પ હતો. પશુઓને પણ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હતી. વર્તમાન સમયમાં સરકારની વિવિધ યોજના થકી પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પશુઓને પૂરતું પાણી ઉપલબ્ધ થતાં દૂધ ઉત્પાદન વધ્યું છે.

શિક્ષણને લગતી સવલતો
ફૂલઉમરાણ ગામમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય અને પ્રાથમિક શિક્ષણ ઘરઆંગણે મેળવે એ હેતુથી ગામમાં પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી છે. દેશમાં આંગણવાડી કેન્દ્ર ૧૯૮૫માં શરૂ કરવામાં આવ્યું હતું. આ શાળામાં ધોરણ-૧થી ૮ સુધીના વર્ગો ચાલે છે. હાલમાં આંગણવાડીમાં ૧૪૬, પ્રાથમિક ૨૬૧, માધ્યમિક ૩૮, ઉચ્ચતર માધ્યમિક ૨૭, સ્નાતક ૨૨, અનુસ્નાતક ૯, ટેક્નિકલ શિક્ષણના ૧૮ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ઉપરાંત ત્રણેય ફળિયાં પ્રમાણે ધોરણ-૧થી ૫ સુધીની શાળા પણ આવેલી છે. બાળકોને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ કે ટેક્નિકલ સંબંધિત શિક્ષણ મેળવવા માટે કરોડ, રૂમકી તલાવ, મોહિની, ઉચ્છલ વગેરે ગામોમાં જવું પડે છે.

દરેક રસ્તા પાકા
કોઈ પણ ગામ કે શહેરના વિકાસના પાયામાં સારા રસ્તાનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે. ફૂલઉમરાણ ગામથી આજુબાજુનાં ગામડાંમાં જવા માટે પાકા રસ્તાની સુવિધા છે. આ પાકા રસ્તાને કારણે વિદ્યાર્થીઓ, મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓને આવવા-જવા કે રોજિંદા વ્યવહારમાં આ રસ્તાઓ ઉપયોગી બન્યા છે. આથી ગામ સાથે તાલુકા મથક અને જિલ્લા મથકને જોડતી સરકારી બસ સેવા ઉપલ્બધ થઈ છે. જેના લીધે ગામના લોકોને રાજ્યના અન્ય શહેરોમાં પોતાના કામકાજ માટે આવનજાવન માટે સરળતા પડી છે.

ગામનું સામાજિક ચિત્ર
આદિવાસી સમાજો અન્ય સમાજ કરતાં વૈવિધ્યસભર હોય છે. ધરતીના કયા ભાગમાં અને કુદરતની કેવી પરિસ્થિતિમાં તેઓ ઊછર્યા છે તેની ઉપર એમના શારીરિક દેખાવ, બંધારણ, રહેઠાણ, ખોરાક, વેશભૂષા, કલા-કૌશલ્ય, સંગઠન, ધર્મ, રમતગમત વગેરે આધાર રાખે છે. જન્મ, લગ્ન, મરણ વગેરેને લગતા સામાજિક રીતિ-રિવાજો અને ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાતી વસ્તુઓ પણ ભૌગોલિક સંપત્તિને અનુકૂળ હોય છે. આધુનિક ઉદ્યોગીકરણથી પ્રભાવિત સમાજો કરતાં એમનું જીવન સૌથી વધુ કુદરતને આધીન હોય છે. આજે શહેરીકરણ, ઔદ્યોગિકરણની અસર સ્વરૂપે ફૂલઉમરાણ ગામમાં પણ લોકોની રહેણી-કહેણી, રીતિ–રિવાજો, પહેરવેશ, ખાન-પાન વગેરેમાં થોડા ગણા અંશે પરિવર્તન આવેલું જોવા મળે છે. ગામના મોટા ભાગના લોકો આજે આદિવાસી પહેરવેશનો ત્યાગ કરી આધુનિક પહેરવેશ તરફ વળ્યા છે. ગામના સંદર્ભમાં કહીએ તો આજે ગણ્યાગાંઠ્યા લોકોએ જ આદિવાસી પહેરવેશ જાણવી રાખ્યો છે. પહેલા સાદું ભોજનનો આગ્રહી વ્યક્તિ આજે સ્વાદિષ્ટ ભોજન લેતો થયો છે. લોકોમાં શિક્ષણના પ્રમાણમાં પણ ક્રમશ: વધારો થયેલો જોવા મળે છે. આજે ગામમાં ભારતના સંવિધાનની આરક્ષક જોગવાઈ અને વિકાસલક્ષી નીતિઓને કારણે તેમનામાં શિક્ષણ અને તાલીમ સાથે સામાજિક ચેતના અને રાજનૈતિક દૃષ્ટિનો ઉદભવ થયો છે. ગામના આદિવાસીઓ ભારતના અન્ય રાજ્યોના આદિવાસીઓની સરખામણીમાં અતિ ઊંડાણવાળા વિસ્તારોમાં કે સંપર્કવિહોણા રહ્યા નથી. ગામમાં સામાજિક સ્તરીકરણનો બિલકુલ અભાવ છે. એવો કોઈ આદિવાસી સમાજ ખૂણેખાંચરે પણ જોવા મળતો નથી.

ગામના વિવિધ મજૂરી દર પણ નક્કી
ગામમાં ખેતી પછી સૌથી વધુ લોકો ખેતમજૂરી સાથે સંકળાયેલા છે. લોકો ઋતુ અનુસાર ખેતીને લગતાં કામો કરી આજીવિકા મેળવે છે. ગામમાં ખેતમજૂરી સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ખેતી પર જ આધાર રાખી શકાય નહીં. કારણ કે, કેટલીકવાર કુદરતી પ્રકોપના કારણે પાકો નાશ પામે છે. જ્યાં સુધી પાકો તૈયાર થાય છે તે વચગાળાના સમય દરમિયાન પોતાની જીવનનિર્વાહ માટે નાણાંની અછત ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં તેમને ખેતમજૂરી તરફ ધકેલાવું પડે છે. ગામમાં કેટલાક ખેડૂતો બળદ અને હળ ધરાવતા લોકોને પોતાની ખેતી કામમાં મદદરૂપ થવા આગ્રહ કરે છે અને એમની વાત માની જે ખેડૂતો તેમને ખેતીકામમાં મદદરૂપ થાય છે તેમને ગામના નક્કી કરેલા દર પ્રમાણે રૂ.૫૦૦ રોકડા અને જો એક ટંક જમવાનું આપે તો રૂ.૪૦૦ આપવામાં આવે છે. આ ઉપરાંત જુવાર, દાદરની વાવણી હળથી કરવાની હોય છે ત્યારે આવેલા મજૂરને રૂ.૨૦૦ અને બે ટંકનું ભોજન અપાય છે. કેમ કે, ગામ લોકોનું માનવું છે કે આ કામમાં આવનારી વ્યક્તિ પણ હળની સાથે બાંધવામાં આવેલી નળીમાં બિયારણ નાંખવા બળદની સાથે સાથે ચાલતો હોવાથી એ પણ આખા દિવસમાં બળદ જેટલું જ કામ કરે છે. પરંતુ હાલના ધોરણમાં ટ્રેક્ટરથી થતી ખેતીમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે છે. ગામમાં લોકો હળ અને ટ્રેક્ટર બંનેથી ખેતી કરે છે, પરંતુ હળથી ખેતર ખેડવું કે ખેતીને લગતાં કામો કરવા એકલા ખેડૂત માટે મુશ્કેલ બને છે અને સમયનો વ્યય પણ વધારે થાય છે. તેવા સંજોગોમાં ગામવાસીઓ હળના સ્થાને ટ્રેક્ટરથી ખેતી કરે છે.

પરંપરાગત દેવી-દેવતાઓ
ગામની આદિવાસી જાતિઓ હિંદુ ધર્મના અનેક સંપ્રદાયો પાળતા લોકો ગામમાં વસે છે. સાથે સાથે પરંપરાગત દેવી દેવતાઓને પણ પૂજે છે. ગામમાં હનુમાનજી અને ભાથીજી મહારાજનાં મંદિરો પણ આવેલાં છે. ઉપરાંત ગામમાં ખ્રિસ્તીઓની પણ ધીરે ધીરે સંખ્યા વધી રહી છે. તેથી ગામમાં ચર્ચ પણ બાંધવામાં આવ્યું છે. આદિવાસીઓના પરંપરાગત દેવ-દેવીઓમાં ગોત્ર યા કુળના દેવો ઉપરાંત વન, વનસ્પતિ, પ્રકૃતિ અને પ્રાણી સૃષ્ટિ સંબંધિત દેવોને ખાસ સ્થાન હોય છે. ગામમાં હોળી, દિવાળી, ઉત્તરાયણ, ગણેશ ચતુર્થી, નાતાલ, રક્ષાબંધન વગેરે તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉપરાંત આદિવાસી મુખ્ય તહેવારોમાં સીમાડાદેવ, વાઘદેવ, ચૌરી અમાસ, ગોત્રદેવી વગેરેને પરંપરાગત આદિવાસી ધાર્મિક માન્યતાઓમાં ખાસ સ્થાન મળેલું છે.

ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામની આજુબાજુ ડુંગરાળ પ્રદેશ હોવાથી ત્યાંની જમીન વધારે લાલ છે અને ગામના નીચાણવાળા પ્રદેશોમાં કાળી જમીન છે. એના કારણે અહીં જુવાર, તુવેર, કપાસ જેવા પાકો લેવામાં આવે છે. ચોમાસા આધારિત ખેતી કરતી સમયે ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહે છે. ગામની આજુબાજુ કોઈ નદી ન હોવાથી ખેડૂતોને ખેતી માટે માત્ર વરસાદ પર આધાર રાખવો પડે છે. સિંચાઇની સગવડ પણ નોંધપાત્ર ખેડૂતો ધરાવે છે. ગામમાં મુખ્યત્વે જુવાર, કપાસ, તુવેર, ડાંગર, મગફળી, સોયાબીન જેવા પાકોની આકાશી (વરસાદી) ખેતી થાય છે. ગામમાં કુલ ખાતેદાર ૧૭૦, ગામમાં મોટા (૧૦ એકરથી વધુ) જમીનવાળા ખેડૂતો ૧, સીમાન્ત (૫થી ૧૦ એકરવાળા) ૨૦, નાના (૫ એકરથી ઓછા) ૧૪૯, ગામમાં પિયત ખેતી ૫૦ (એકર) ગામમાં સિંચાઈની સગવડો જોઈએ તો ૨૪, બોર ૧૪, ચેકડેમ ૪, ખેતી માટે ડીઝલ એન્જિન ૫૯ જેવી ભૌતિક સુવિધાઓ ગામના ખેડૂતો પાસે છે.

•લીલીચારી દેવ
આ તહેવાર ખાસ તો વર્ષા અને પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. પ્રથમ વર્ષાના આગમન પછી ખેતરમાં વાવેલું ધાન્ય ઊગી નીકળે છે અને તેના અંકુરો નીકળે છે તથા જંગલમાં નવું ઘાસ ઊગે છે. આ નવું ઊગેલું ઘાસ પશુને ચરાવવામાં આવે એ પહેલા આદિવાસી રીત-રિવાજ પ્રમાણે નક્કી કરેલા સ્થળે ગામના વડીલો દ્વારા પૂજા કરવામાં આવે છે. ત્યારે તેની ખુશીમાં આ નંદુરો દેવ તહેવાર ઉજવાય છે. જંગલની વનસ્પતિ સમગ્ર વર્ષ દરમિયાન વગર કોઇ હાનિ સામે ટકી રહે, જેથી તેમનો જીવનનિર્વાહ સરળતાથી ચાલી શકે. ખાસ કરીને જૂન મહિનામાં આ તહેવાર ઉજવાય છે. આદિવાસીઓની આ ધાર્મિક વિધિ જોવાલાયક હોય છે.

ખેતરાડી દેવ
ખેતરાડી દેવની પૂજા કરવા પાછળ લોકોનો એવો તર્ક હતો કે ખેતરમાં ઉંદર પાકને નુકસાન કરે તો નાગદેવતા ઉંદરોને ખાઈ જશે અને પાકની રક્ષા કરશે. આ હેતુથી ગામના લોકો જ્યારે ખેતરમાં પાકની વાવણી કે કાંપણી કરવામાં આવતા ખેતરાડિયા દેવની પૂજા કરવામાં આવે છે. દેવતાને ખુશ કરવા પથ્થરના બનાવેલા દેવ પર નારિયેળ, અગરબત્તી, કંકુથી પૂજા કરી એમને દૂધ અને દારૂનું અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે.

હિવાર્યો દેવ
ગામમાં સીમાડા દેવ રક્ષા કરતો દેવ છે. તેનું દેવસ્થાન ગામની સીમમાં સ્થાપિત કરવામાં આવે છે. આ દેવની પૂજા કરવા તમામ લોકો લોકો ગામના સીમાડે ભેગા થઈને પથ્થરના બનાવેલા દેવની પૂજા નાળિયેર, અગરબતી, કંકુ, દારૂ વગેરે અર્પણ કરીને આદિવાસી રીત-રિવાજ પ્રમાણે કરે છે. આ દેવને ગામનો રક્ષક માનવામાં આવે છે.
વાઘદેવ
આદિવાસી સમાજમાં આજે પણ આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે. વર્ષો પહેલાં જ્યારે આ વિસ્તારમાં ગીચ જંગલ હતું ત્યારે અહીં વાઘોની વસતી વિશેષ હતી. અને વળી વાઘ જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે, તેથી તેના ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે. વિધિ પ્રમાણે ખેતરના પાળા પર સાગની એક ડાળખી રોપી તેની પાસે નવા તૈયાર થયેલા પાકનો નમૂનો તથા નાળિયેર તથા દારૂથી પૂજા કરવામાં આવે છે તથા પિતૃ અર્પણ કરાય છે.

પરંપરાગત દેવી-દેવતાઓ
ગામની આદિવાસી જાતિઓ હિંદુ ધર્મના અનેક સંપ્રદાયો પાળતા લોકો ગામમાં વસે છે. સાથે સાથે પરંપરાગત દેવી દેવતાઓને પણ પૂજે છે. ગામમાં હનુમાનજી અને ભાથીજી મહારાજનાં મંદિરો પણ આવેલાં છે. ઉપરાંત ગામમાં ખ્રિસ્તીઓની પણ ધીરે ધીરે સંખ્યા વધી રહી છે. તેથી ગામમાં ચર્ચ પણ બાંધવામાં આવ્યું છે. આદિવાસીઓના પરંપરાગત દેવ-દેવીઓમાં ગોત્ર યા કુળના દેવો ઉપરાંત વન, વનસ્પતિ, પ્રકૃતિ અને પ્રાણી સૃષ્ટિ સંબંધિત દેવોને ખાસ સ્થાન હોય છે. ગામમાં હોળી, દિવાળી, ઉત્તરાયણ, ગણેશ ચતુર્થી, નાતાલ, રક્ષાબંધન વગેરે તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઉપરાંત આદિવાસી મુખ્ય તહેવારોમાં સીમાડાદેવ, વાઘદેવ, ચૌરી અમાસ, ગોત્રદેવી વગેરેને પરંપરાગત આદિવાસી ધાર્મિક માન્યતાઓમાં ખાસ સ્થાન મળેલું છે.

ચૌરી અમાસ
વાઘદેવ ઉજવાયા પછી જ્યારે પાક ઉતારવાલાયક તૈયાર થઇ જાય છે ત્યારે શ્રાવણ માસના છેલ્લા દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારના દિવસે બળદોનો શણગાર કરવામાં આવે છે અને તેમની પૂજા કરવાનો પણ મહિમા રહેલો છે. આખું વર્ષ ખેતી કામોમાં બળદો પરિવારની મદદ કરે છે, જેથી આ દિવસે બળદોનાં શિંગડાંને રંગીને, શણગારીને દેવ દર્શને લઇ જવામાં આવે છે અને તેમને સારો ખોરાક અપાય છે. ક્યારેક બળદોની રેસ પણ યોજાય છે. આ તહેવાર આવે એ પહેલા ખેડૂતો બજારમાંથી પોતાના બળદો માટે નાકમાં નાંખવામાં આવતી નાથ અને શણગાર માટેની નવી ચીજવસ્તુઓ બજારમાંથી લઈ આવે છે. આદિવાસી સમાજની માન્યતા મુજબ ખેડૂતો વહેલી સવારે બળદોને નવડાવી-ધોવડાવી નવી નાથ પહેરાવે છે અને શણગાર કરી એની પૂજા કરે છે. અમાસના દિવસે ગામમાં બળદને ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવવામાં આવતી મીઠી રોટલી તથા લીલો ઘાસચારો પ્રેમથી ખવડાવે છે. બળદને આ દિવસે અન્ય કામમાં જોતરવામાં આવતા નથી. ચૌરી અમાસના દિવસે ગામમાં શણગારેલા બળદો ફેરવવામાં આવે છે અને ગામની પાદરે આવેલા હનુમાન મંદિરની પ્રદક્ષિણા કરી કરાવવાની પણ પરંપરા છે.

મહાશિવરાત્રિ (દેવમોગરા માતાનો મેળો)
દેવમોગરા માતાજીએ સમગ્ર આદિવાસી સમાજની કુળદેવી છે. મહાશિવરાત્રિના તહેવારના સમયે અહીં મેળો ભરાય છે. સાગબારા તાલુકાના દેવમોગરા ગામે પાંડોરી માતાનું મંદિર આવેલું છે. તે આદિવાસી પ્રજાનું પવિત્ર યાત્રા ધામ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આદિવાસીઓ તેમજ અન્ય લોકો માતાજીના મેળામાં દર્શનાર્થે આવે છે. ગામના આ દિવાસો દેવમોગરા માતાને પોતાના કુળદેવતા માનતા હોવાથી આ મેળાનો મહત્ત્વ વધુ છે. આ મેળામાં રાતે અલગ અલગ ગામના આદિવાસી રોડાલી નામક નાચગાન કરે છે. દેવમોગરા માતાજીના મંદિરે લાઈનબધ્ધ અને શિસ્તબધ્ધ ઊભા રહીને ભક્તો દેવમોગરા માતાજીનાં દર્શન કરે છે. દેવમોગરા માતાજીના મંદિરે લોકો ડુંગરોમાં રાત્રિ રોકાણ કરે છે. દેવમોગરા માતાજીના મંદિરની આસપાસ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો મંડાય છે. આદિવાસી વસ્ત્રો પરિધાન કરેલા આદિવાસીઓ મેળામાં મહાલે છે. આ ઉપરાંત હોળી, દિવાળી, રક્ષાબંધન, ઉત્તરાયણ, રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતી જેવા વગેરે તહેવારોની ઉજવણી કરે છે.

સસ્તા અનાજની દુકાન તથા અન્ય સુવિધાઓ
ગામમાં પંડિત દિનદયાળ સસ્તા અનાજની દુકાન પણ ઉપલબ્ધ છે. જે ગામના આમોદા ફળિયામાં આવેલી છે. ગામમાં મોટા ભાગનાં કુટુંબો બી.પી.એલ. કાર્ડધારક હોવાથી સૌને સસ્તા દરે અનાજ મળે છે. અહીં લોકોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠું, ખાદ્યતેલ વગેરે આપવામાં આવે છે. કાર્ડધારકો તેમના હિસ્સાના રાશનથી વંચિત ન રહી જાય એ માટે એક-બે દિવસ અગાઉ ગામમાં અનાજ વિતરણ અંગે ખબર આપવામાં આવે છે. ૦-૧૬ સ્કોરવાળા ૧૨૭, ૧૭-૨૦ સ્કોરવાળા ૯૯,૧૭થી ૫૨ સ્કોરવાળા ૨૩૭ લાભાર્થી છે.

બસ સ્ટેશન મૃતઃપ્રાય અવસ્થામાં
ઉચ્છલ તાલુકા મથકેથી ફૂલઉરાણ ગામ બસ વાહન વ્યવહારથી જોડાયેલું છે. અહીં આવવા-જવા માટે સરકારી બસ કે ખાનગી વાહનોની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગામમાં સવારે, બપોરે અને સાંજે સરકારી બસ આવવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, વ્યાપારીઓ વગેરે જરૂરી માલ-સામાન ખરીદવા બજારમાં વાહન વ્યવહારની સુવિધા ખૂબ જ મદદરૂપ થઈ છે. દરરોજ સેંકડોની સખ્યામાં મુસાફરો સરકારી બસમાં આવ-જા કરે છે. પરંતુ મુસાફરોને બેસવા માટે બસ સ્ટેશન મૃતઃપ્રાય અવસ્થામાં જોવા મળે છે.

કોમ્યુનિટી હોલના મકાનનું મુહૂર્ત કરવામાં આવ્યું
આઝાદીનાં ૭૫ વર્ષે પણ ગામમાં કોમ્યુનિટી હોલની સુવિધાનું હાલમાં જ મુહૂર્ત કરવામાં આવતાં ગામના લોકોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. ગામનો કૉમ્યુનિટી હોલ એ ગ્રામ પંચાયત ભવન તરીકે ઓળખાય છે. અહીંથી ગામના વિકાસ માટે, ગામના વહીવટી માટેના નિર્ણયો લેવામાં આવે છે. ગામમાં જ્યારે પણ ગ્રામસભા મળવાની હોય કે કોઈ વિષય કે પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરવાની હોય ત્યારે ગામના લોકો સરપંચના ઘરની આગળ કે શાળાના આંગણે બેસતા હતા. ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરતા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

લોકોને કોર્ટ કચેરીના ધક્કા ખાવા નથી ગમતા: ગ્રામપંચ પ્રથા હજુ પણ જીવંત
સદીઓથી ગામમાં વિવાદોનો નિકાલ મુખ્યત્વે પરંપરાગત પંચ મારફતે કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કોર્ટ કચેરીઓ સરકાર દ્વારા દરેક તાલુકા મથકે સ્થાપિત કરવામાં આવી છે. ત્યાં લોકો ન્યાય મેળવી શકે છે. છતાં પણ ગામમાં હાલમાં પણ લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાવા કરતા ગામમાં જ બનેલી ગ્રામપંચ પર વિશ્વાસ રાખે છે. ગામની વિવિધ સમસ્યા, ઝઘડા, લગ્ન-મૃત્યુ સંબંધી ચર્ચા, કોઈ વ્યવસ્થા કે વહીવટ સંબંધી પ્રશ્નોની ચર્ચા વડીલો સાથે બેસીને કરે છે. વર્તમાન સમયમાં પોતાના પ્રશ્નો કે સમસ્યાને લઈને ગામપંચની જગ્યાએ પોલીસ સ્ટેશને લઈને જાય છે અને હાલના દિવસોમાં ગામમાં પોલીસ કેસોની સંખ્યા ક્રમશ: વધતી જાય છે. પરિણામે આજે ગામ પંચની સમિતિ અંતિમ શ્વાસ લઈ રહી હોય એવી અવસ્થામાં છે.

ગ્રામ પંચાયતના ચુંટાયેલા હોદ્દેદારો
ક્રમ નામ ઉંમર હોદ્દો
૧. વસાવા મમતાબેન પ્રકાશભાઈ (ફૂલઉમરાણ)-સરપંચ
૨. વસાવા પલ્લવીબેન કાર્તિકભાઈ (ફૂલવાડી ફળિયું)-ઉપ સરપંચ
૩. વસાવા મેઘાબેન કિશનભાઈ-સભ્ય
૪. વસાવા સોનાબેન સુનીલભાઈ-સભ્ય
૫. વસાવા દિલીપભાઈ દિવાનજીભાઈ-સભ્ય
૬. વળવી રિતાબેન નરેશભાઇ (આમોદા ફળિયું)-સભ્ય
૭. વળવી બ્રહ્મજ્ઞાનભાઈ દિનેશભાઇ (આમોદા ફળિયું)-સભ્ય
૮. વળવી અરવિંદભાઇ ગોવિંદભાઇ (આમોદા ફળિયું)-સભ્ય
૯. વસાવા બળવંતભાઈ હોમાભાઇ (પાણિબારા ફળિયું)-સભ્ય

Most Popular

To Top