Madhya Gujarat

પેટલાદ – તારાપુરમાં સબમર્શીબલ પંપની ચોરી કરતા બે જણ પકડાયાં

આણંદ : ખંભાત, પેટલાદ અને તારાપુર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ મશીનરીની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો હતો. આ ગેંગ કોઇ પણ ખુલ્લી જગ્યામાં પડેલા મર્શીબલ પંપથી લઇ ફેક્ટરીના કમ્પાઉન્ડનો સરસામાન ચોરી કરી રહ્યાં છે. આ અંગે એલસીબીએ તપાસ સંભાળી પેટ્રોલીંગ સઘન બનાવ્યું હતું. જેમાં ઉંટવાડા પાસે ગેંગ હોવાની બાતમી મળતાં તેને દબોચી લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાને બાતમી મળી હતી કે ઉંટવાડા ગામના કમલેશ રાયસંગભાઇ પરમાર, કમલેશ ઉર્ફે કંગો બુધાભાઈ પરમાર નામના શખશ ખેતરના કુવામાં પાણીની સબમર્શીબલ મોટર ફીટ કરી હોય તેની ચોરી કરે છે. તેઓ ચોરી કરેલી સબમર્શીબલ મોટર, એક સળિયા કાપવાનું કટર મશીન ઉંટવાડા બસ સ્ટેન્ડ પાસે આવેલા રામદેવપીરના મંદિરની પાછળ કાંસની ધાર ઉપર ડાંગરના પુળીયા નીચે સંતાડી રાખ્યાં છે. આ મોટરો ચોરી કરવામાં ઉપયોગ કરેલી પ્લેટીના બાઇક સાથે હાલ તેઓ મંદિરની પાછળ આવેલી જગ્યા ઉપર ભેગા થયાં છે. આ બાતમી આધારે એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને કમલેશ રાયસંગ અને કમલેશ ઉર્ફે કંગો બન્નેની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.

જેમાં તેઓએ ખંભાત, પેટલાદ અને તારાપુરમાં પાંચેક સબમર્શીબલ પંપની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં 4 પંપ સેટ, સળીયા કાપવાનું કટર, બાઇક મળી કુલ રૂ.87 હજારની મત્તા કબજે કરી હતી. આ બન્નેની પ્રાથમિક પુછપરછમાં ખંભાતના સાયમા, તારાપુર – સોજિત્રા રોડ પર આવેલી ફેક્ટરી, પેટલાદના રામોદડી, માણેજ પાટીયા નજીક બનતી હોટલ અને મોરજ રોડ પર મહાદેવ હોટલમાં ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આ અંગે પોલીસે તેમની વધુ પુછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top