નોબેલ સમ્રાટોની પીસ ડિવિડન્ડ યોજના અને યુધ્ધખોર ખલનાયકો

ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન સરહદ પર 100 વરસ શાંતિની કામના કરી અને જરૂર પડે તો કાશ્મીર મુદ્દાને વિસરી જવાની ઇચ્છા પણ વ્યકત કરી. તમામ જાણે છે કે કાશ્મીરના ઓબ્સેશનમાં પાકિસ્તાન તબાહ થઇ ગયું ત્યારે ભારતના જ કેટલાક મુસ્લિમો, ‘અરધી કલાક માટે આવી જાઓ મેદાનમાં’ કહીને ઉશ્કેરે છે. ધમકીઓ આપે છે. અરે વીસ-બાવીસ કરોડની આબાદી, પોતાની સરકાર, પોતાનું ભારતવિરોધની ગળથૂથી પીને મોટું થયેલું સૈન્ય પણ ભારતનું કશું બગાડી શકયું નથી અને પૂર્વ પાકિસ્તાન હાથમાંથી જતું રહ્યું અને બાંગ્લાદેશ બની ગયું ત્યારે હિન્દુસ્તાનના મુસ્લિમોનું ગજું કેટલું?

નસીરૂદ્દીન શાહ કહે છે કે અમે વીસ કરોડ છીએ, અમે એમ જતા રહીશું નહીં પણ ભલા માણસ, તમોને કોણ કાઢી મૂકવા માગે છે? એ કામ આસાન તો ઠીક શકય પણ નથી. એક અભણ મુસ્લિમ આવું બોલે તો ઠીક છે. નસીરુદ્દીન જેવી બુધ્ધશાળી વ્યકિત આવું કેમ બોલે? આવાં વિધાનોને કારણે બન્ને પક્ષે માનસ કલુષિત બને છે અને વાત વણસતી રહે. જો તમને કાઢી જ મૂકવાના હોય તો ફિલ્મજગતમાં તમને આટલા ફૂલવાફાલવા ન દીધા હોત.

ચિત્રકાર હુસૈન પણ નસીરની જેમ વરતતા હતા. પોતાના દેવનું તો એક સાદું ચિત્ર દોરી શકે નહીં અને સરસ્વતીની નગ્ન તસવીરો. કોઇ એમને કહે કે હઝરત પયંગબરનું ચિત્ર દોરી બતાવો. ત્યાં એમને જરા પણ શરમ આવતી નથી. પણ સરસ્વતીના ચિત્ર સામે હિન્દુઓએ વાંધો લીધો તો ભારતમાં અભિવ્યકિતની સ્વતંત્રતા નથી. કલાકારોની પ્રતાડના થાય છે એવી વગોવણી કરતા કરતા દુબઇ રહેવા જતા રહ્યા અને એ પણ એવા દેશમાંથી બોલતા હતા જયાં અનેક પ્રકારના પ્રતિબંધો છે. એમના કરતાં આ લખનાર ઇમરાન ખાન પ્રત્યે વધુ આદર ધરાવે છે. ઇમરાન ખાનને વિકટ સંજોગો વારસામાં મળ્યા છે, પાક લશ્કરે પ્રથમ સાથ આપ્યો અને પછી ઇમરાનનું કશું ધાર્યું થવા ન દીધું તો પણ ઇમરાન ખાન ભારતને લડવા માટે કયારેય પડકારો ફેંકતા જોવા મળ્યા નથી.

પાકિસ્તાનમાં દરેક પ્રકારની તકલીફો છે તેમાંની એક પણ જાતે ઇમરાને ઊભી નથી કરી. તેનું વિશ્લેષણ કરીએ તો લાંબું છે પણ પાક સેનાને યુધ્ધ કરવા કરતાં યુધ્ધનો હાઉ ઊભો રાખવામાં જલસા પડે છે. ઇમરાન જાણે છે કે યુધ્ધથી પણ કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. ઊલટાનું તથાકથિત આઝાદ કાશ્મીર ગુમાવવું પડે અને યુધ્ધ લડવાના પૈસા કયાં છે? પણ છૂટભૈયા નેતાઓ, અભિનેતાઓ કંઇ પણ બોલતા હોય છે તેથી દુનિયાએ મસમોટા ખર્ચાઓ પાળવા પડે છે. તેમાં સામાન્ય જનતા ગરીબ રહી જાય છે. પાકિસ્તાન લશ્કર પ્રેરિત આતંકવાદીઓએ ભારતીય નાગરિકોને માર્યા તેના કરતાં જાતે વધુ ખતમ થયા છે? શો કાંદો કાઢયો? જો પાક લશ્કર કાશ્મીર માટે દિવાનુ બન્યું હોય તો જાતે જ મેદાનમાં આવીને કેમ લડતું નથી? બાળાકોટ અને આનુષાંગિક ઘટનાઓની બયાની વખતે પાક સંસદમાં પ્રધાનોનાં ગાત્રો શિથિલ થઇ ગયાં હતાં. આ વાત ગોધરા અને હૈદ્રાબાદમાંથી Youtube પર હિન્દુઓને બેફામ ગાળો આપતા લોકોએ નજર સમક્ષ રાખવી જોઇએ. એ જ પ્રમાણે જે મુસ્લિમો નિર્દોષ હોય તેમને પણ રંજાડવા કે સંતાપવા નહીં જોઇએ પરંતુ ગાળો ભાંડવાથી વૈમનસ્ય વધે છે.

હવે અગાઉના જેવો સમય નથી રહ્યો. યુધ્ધ જલ્દી થતાં નથી અને થાય તો ખાનાખરાબી કરે. ઘણા અતિ આદર્શવાદી અને કમ બુધ્ધિશાળી લોકો વારંવાર દલીલો કરતા રહે છે કે લશ્કરની કોઇ જરૂર નથી. જગત શસ્ત્રસરંજામ પાછળ ગંજાવર ખર્ચ કરે છે. શું જરૂર છે? અમારા એક મિત્ર આવી મોટી મોટી હાંકે. એક દિવસ એમની સોસાયટીનો દ્વારપાળ કયાંક જતો રહ્યો અને ગોપાળની ગાયો સોસાયટીમાં રાત્રે ઘૂસી ગઇ. ગૌમૂત્ર અને છાણથી વાતાવરણ પવિત્ર બનાવ્યું પણ મિત્રે બીજા દિવસે ચોકીદાર પર ગુસ્સો કાઢયો. મિત્રને મેં પૂછયું, કે શું સરહદ પર સેનાની જરૂર છે? ભડવીર અહીં પણ પોતાના ઝનૂનને વળગી રહ્યો અને કહે કે સરહદ પર સેનાની બિલકુલ જરૂર નથી. શું એને ભણાવવા માટે યુધ્ધ કરવાનું? તો આજના યુધ્ધનું એવું છે કે ભાગ્યે થાય અને થાય તો થોડા દિવસોમાં જ એક દેશને મરણતોલ ફટકો લાગે કે વરસો સુધી ઊભો જ ન રહી શકે પણ આદર્શવાદી કે Youtube પર સરફરોશીની તમન્ના વ્યકત કરતા લોકોએ નજીકનો IS (ઇસ્લામિક સ્ટેટ)નો ભૂતકાળ ભૂલી જવાની જરૂર નથી. થોડાં વરસમાં ફેલાયા અને હતા ન હતા થઇ ગયા. આજે જે મહિલાઓ બચી છે તે દુનિયાભરની જિલ્લતો સહન કરે છે. આજે પાકિસ્તાનના નાગરિકને દુનિયાનો કોઇ દેશ વિઝા આપતો નથી.

યુધ્ધ થવું ન જોઇએ તે લગભગ દરેક સ્વીકારે છે. જેઓ પોતાની હેસિયત ન સમજે તેવા લોકો, જેમ કે ઉત્તર કોરિયાનો કિમ જો યંગ, તાલીબાન વગેરે સાથે યુધ્ધ અનિવાર્ય બને છે. છતાં એક પક્ષની ઇચ્છા હોય તો બન્ને પક્ષને યુધ્ધ કરવું પડે છે. આ કારણથી કદાચ યુધ્ધ અનિવાર્ય ન હોય તો સૈન્ય રાખવું ફરજિયાત છે. આ દુનિયામાં આઠ અબજ જેટલા માનવીમાં નોખાં નોખાં આઠ અબજ મગજ છે. અમુક એવા છે કે થોડા શકિતશાળી બને એટલે તેઓને લડાઇની દિવાનગી ચડે. હમણાં પુતીનને ચડી છે એટલે યુક્રેઇને પણ તૈયાર રહેવું પડે. કદાચ લડવું પણ પડશે. શાંતિ જોઇતી હોય તો પણ યુધ્ધમાં ઊતરવું પડે. હંમેશાં આપણા હાથની વાત નથી.

સેના રાખવાના ફાયદા પણ છે. તેનાથી શાંતિ જળવાઇ રહી છે. શાંતિ માટે ચૂકવવી પડતી આ એક કિંમત છે. થાય તો જાનમાલની મોટી ખુવારી થાય પણ સમોવડી સેનાઓને કારણે બહુધા યુધ્ધો થતાં નથી તેથી ખૂબ મોટી ખુવારી અટકી જાય છે. 150-200 વરસ અગાઉ ભારત, મધ્ય એશિયા, અખાત અને યુરોપના દેશોનાં નાનાં નાનાં રજવાડાં આપસમાં ખૂબ લડતાં હતાં. ગઇ સદીમાં હિટલર લડયો હતો પણ હવે એવાં યુધ્ધો થતાં નથી. તેમાં જે જીવન બચ્યાં હશે તેની ગણતરી ખૂબ મોટી હશે.

માત્ર યુધ્ધથી જ શાંતિ આવે એવું નથી. દુનિયા સમજદાર બનતી જાય છે તેમ સામ, દામ, દંડથી સુલેહ થઇ જાય છે. નાની નાની બાબતોને લક્ષમાં લેવાની નથી. લોકશાહીઓના વિકાસ સાથે નેતાઓએ પણ જવાબદાર બનવું પડયું છે. જાત, ધર્મ, રંગ, રાષ્ટ્રવાદના વિખવાદો કયારેક પેદા થાય છે પણ અમુક હદથી આગળ વધવા દેવાતા નથી. આ નવા માર્ગમાં સાઉદીના રાજકુમાર જોડાઇ ગયા છે પણ ઇસ્લામના મૌલવીઓ જોડાતા નથી તેથી દુનિયાને મુસ્લિમો સાથે વધુ સંઘર્ષ થાય છે. એકવીસમી સદીમાં એક તરફ મુસ્લિમો હશે અને બીજી તરફ દુનિયાના બીજા ધર્મો હશે એવી આગાહી અમેરિકન રાજકીય વિજ્ઞાની વિચારક સેમ્યુઅલ હટીંનટને ગઇ સદીમાં કરી હતી તે આજે સાચી પડતી જણાય છે. જગતનો એક પ્રબુધ્ધ વર્ગ તેની ચિંતામાં પડયો છે.

વધુ ચિંતા એ છે કે એક તરફ ભૂખમરો અને રોગચાળો ફેલાઇ રહ્યો છે અને બીજી તરફ દુનિયાના તાકતવર દેશો સૈન્ય અને શસ્ત્રોના વિકાસ અને ખરીદી પાછળ દર વરસે લગભગ બે ટ્રિલિયન (બે હજાર અબજ) ડોલરનો ખર્ચ કરી રહ્યા છે. જગતનાં પચાસથી વધુ નોબેલ પારિતોષિક વિજેતાઓએ દુનિયાના દેશોને એક જાહેર પત્ર લખ્યો છે. એ દેશોને વિનંતી કરવામાં આવી છે કે તમે દર વરસે સુરક્ષા માટે જે નાણાં ફાળવો છો તેમાં 2%નો કાપ મૂકી એ બચાવેલા નાણાંનું એક આંતરરાષ્ટ્રીય ભંડોળ સ્થાપવામાં આવે. પાંચ વરસ આ રીતે નાણાં બચાવાય તેનો ઉપયોગ રોગચાળા, ભૂમખરો, દારૂણ ગરીબી અને હવામાન પરિવર્તનો સામે લડવા માટે કરવામાં આવે. આ ફંડનું સંચાલન UNO કરે.

આ નોબેલ વિજેતા લોકોના સંઘની આગેવાની ઇટાલીના ભૌતિક વિજ્ઞાની કાર્લો રોવેલીએ લીધી છે. આ પત્રમાં દલાઇ લામા, કેમ્બ્રિજ યુનિવર્સિટીના જીવવિજ્ઞાની સર વેંકી રામકૃષ્ણન, ઉપરાંત ગણિતશાસ્ત્રી સર રોજર પેમરોઝ અને બીજા અનેક વિજ્ઞાનીઓ તેમ જ અન્ય ક્ષેત્રના નોબેલ માંધાતાઓએ સહીઓ કરી છે. જગતમાં હાલમાં તણાવનું વાતાવરણ વધ્યું છે. મધ્ય પૂર્વ, અફઘાનિસ્તાન, યુક્રેઇન, નોર્થ કોરિયા અને દક્ષિણ ચીની સમુદ્ર કાંઠાના દેશો  તાઇવાન હોટસ્પોટ છે. આવી પરિસ્થિતને કારણે લગભગ લાગતાવળગતા દેશોએ પોતાના રક્ષા બજેટમાં વધારો કર્યો છે. એક દેશ વધુ ખર્ચ કરે એટલે તેના દુશ્મન દેશે પણ કરવો પડે. બૌધ્ધિકોએ આ જે નવું અભિયાન શરૂ કર્યું છે તેને ‘પીસ ડિવિડન્ડ’ નામ આપ્યું છે.

તેઓ કહે છે કે નાણાંકીય સ્ત્રોત અને સાધનોનો જે પ્રચંડ બગાડ થાય છે તેનો બીજી જગ્યાએ સદુપયોગ થઇ શકે. તેઓનું કહેવું છે આ પીસ ડિવિડન્ડ યોજના માનવજાત માટે એક સરળ અને નક્કર યોજના છે તેમ પ્રબુધ્ધોનું કહેવું છે. હવે આ વિનંતી અથવા દરખાસ્તને દુનિયાના દેશો કેવો પ્રતિસાદ આપે છે તે જોવાનું રહે છે. ગયા વરસે જગતે સેવા અથવા સુરક્ષા માટે 1981 અબજ ડોલર વાપર્યા હતા. અગાઉના વરસ કરતાં પ્રમાણમાં  2.6%નો વધારો અર્થાત બે રૂપિયા સાઠ પૈસા ટકાનો વધારો થયો હતો. સ્ટોકહોમ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા આ આંકડા અપાયા છે. સૌથી વધુ 778 અબજ ડોલરની રકમ અમેરિકાએ, બીજા ક્રમે ચીને 252  અબજ ડોલર, ત્રીજા ક્રમે ભારતે 73  અબજ ડોલર, રશિયાએ 62 અબજ ડોલરથી થોડા ઓછા અને UKએ 59  અબજ ડોલરથી વધુ વાપર્યા હતા. પરંતુ 2020ના વરસમાં તમામે બજેટ વધાર્યું હતું.

જો દુનિયા અને ભારત સહમત થાય તો લગભગ એકસો અબજ રૂપિયા જેવી રકમ ભારતે ફાળવવી પડે. પ્રબુધ્ધોની ગણતરી છે કે આ રીતે જગતના દેશો પાસેથી શસ્ત્ર ખરીદી, વિકાસમાં કાપ મુકાવીને જે રકમ એકઠી થશે તે 2030 સુધીમાં લગભગ એક ટ્રિલિયન ડોલર (એક હજાર અબજ) જેટલી થશે. એવું પણ બને કે ચીન કે રશિયા રકમ આપવાની ના પાડે અને વૈમનસ્ય અને ઝગડા થાય અને આર્થિક બહિષ્કાર અને પછી યુધ્ધ પણ થાય. આ નરી કલ્પના છે પણ યુધ્ધ ન કરવા બાબતે પણ યુધ્ધો થઇ જતાં હોય છે.

Most Popular

To Top