Feature Stories

સુરતી પરિજન બન્યા ગુરુજન: પ્રેક્ટિકલ અને હોમ-સ્કિલ્સ શીખવી રહ્યા છે

આપણા દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. પ્રાચીન કાળમાં ગુરૂકુળમાં જઇ શિક્ષણ લેવાતું હતું. વખત જતા જમાનો બદલાતા શાળાઓનું નિર્માણ થયું. કહેવાય છે કે ગુરૂ વિનાનું જ્ઞાન અધૂરું. બાળક દિવસનો ઘણો ભાગ પોતાના શિક્ષકો સાથે શાળામાં વિતાવે છે જ્યાંથી એમનું ઘડતર થાય છે. ટીચર્સને માન-સમ્માન આપવા માટે ટીચર્સ ડે ઉજવાય છે. શિક્ષક એટલે માત્ર પુસ્તકીયું જ્ઞાન આપે તે જ નહીં પણ જીવનની નવી દિશા બતાવનાર પણ ટીચર્સ જ છે. શિક્ષક શાળામાં જ હોવા જરૂરી નથી. તમને કોઇ વ્યક્તિ પાસેથી કશું શીખવા મળે જેનાંથી તમારું જીવન સુધરે પછી ભલે એ પરિવારજન હોય, મિત્ર હોય કે કોઇપણ, તે વ્યક્તિ શિક્ષક જ ગણાય છે. કોઈ સાસુ તેની વહુને રસોઈ બનાવતા શીખવાડે કે પિતા બાળકને સાયકલ ચલાતા શીખવાડે તે પણ ગુરુ જ હોય છે. ચાલો આપણે જાણીએ કે સુરતીઓ કોને પોતાના ગુરુ માને છે તે તેમના જ શબ્દોમાં જાણીએ…..

મારા હસબન્ડે ગુરુ બની મને કાર ચલાવતા શીખવાડી: વિધી મહેતા
પાલ-ભાઠા વિસ્તારમાં રહેતી વિધીબેન મહેતાએ જણાવ્યું કે મેરેજ પહેલાં મને સાઇકલ ચલાવતા પણ આવડતી ન હતી. મેં જીગ્નેશ મહેતા સાથે લવ મેરેજ કર્યા હતાં. મેરેજ બાદ હું સાસરે આવી ત્યારે મારે ઘર બહાર કોઈ અગત્યનું કામ હોય ત્યારે હું ઓટોમાં જતી ત્યારે ક્યારેક ઓટો રીક્ષા મળવામાં અગવડ પડતી એટલે મારા કામ ડીલે થતા હું કપડાના બિઝનેસ સાથે જોડાયેલી હતી તેમાં પણ ગાડી ચલાવતાં નહીં આવડતી હોવાથી અગવડ પડતી. મને પડતી મુશ્કેલી ના નિવારણ માટે મારા હસબન્ડ મને કાર ચલાવવાનું શીખવાડવા લાગ્યાં. વહેલી સવારે રસ્તા પર ટ્રાફિક સાવ ઓછો હોય ત્યારે તે મને એક કલાક કાર ચલાવતાં શીખવાડતા અને રાત્રે પણ મને કાર શીખવાડવા માટે સમય કાઢતા. તે બિઝનેસના કામ પરવારીને ઘરે આવતા ત્યારે થાકી ગયા હોય છતાં મને મારા ગુરુ બનીને ગાડી ચલાવતા શીખવાડતા જેને કારણે હું એક મહિનામાં કાર ચલાવતાં શીખી ગઈ. મારા હસબન્ડે પહેલાં મને મારી બર્થડે પર આઈ-10 કાર ગિફ્ટમાં આપી અને ત્યાર બાદ મને કાર ચલાવતાં શિખવાડ્યું. હું ગાડી ચલાવતા શીખી એને કારણે મને મારા બિઝનેસના કામમાં ઘણી સરળતા થઈ. મારા હસબન્ડ જ મારા ગુરુ છે.

મારા ડેડીને કારણે જ હું એક્ટિવા ચલાવતાં શીખી: પીનલ વરસાણી
બોમ્બે માર્કેટ રોડ વિસ્તારમાં રહેતી પીનલ વરસાણીએ જણાવ્યું કે હું નાની હતી ત્યારથી જ મને સાઇકલ અને ટૂ વહીલર પર થી પડી જવાની બીક લાગતી એટલે હું સાઇકલ અને એક્ટિવા ચલાવતા નહીં શીખી શકી. પપ્પા જમનભાઇ મને બાળપણથી જ કહેતા કે હું તને સાઇકલ અને ગાડી ચલાવતા શીખવાડીશ પણ હું બહુ ડરતી હોવાથી હું ગાડી ચલાવતા નહીં શીખી શકી. પણ હું કોલેજમાં જતી થઈ ત્યારે મારી બધી જ ફ્રેન્ડ્સ ને ટૂ વહીલર ચલાવતાં જોતી ત્યારે મને ગાડી ચલાવવાનું મન થતું. મેં આ વાત જ્યારે ડેડીને કહી ત્યારે એમણે મને કીધું કે નિરાશ થવાની અપસેટ થવાની કોઈ જરૂર નથી હું તને એક્ટિવા ચલાવતાં શીખવાડીશ. મારા ડેડી સવારે 6થી 7 વાગ્યાં સુધી એક કલાક અને રાત્રે 10થી 11 વાગ્યાં સુધી એક કલાક મને એક્ટિવા શીખવાડતા પણ મને એક્સેલેટર આપતાં પણ નહીં આવડતું એજ શીખતાં મને દસ દિવસ લાગ્યા પણ મારા ડેડીનો એક જ મંત્ર બેટા પ્રયત્ન ચાલુ રાખ શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી. દસ દિવસ માં હું ગાડી ચલાવતાં થોડું ગણું શીખી પછી હું એકલીજ શીખવા લાગી આજે મારા માટે ઓફિસમાં સમયસર પહોચવાનું સરળ બની ગયું હવે મારે બસ કે ઓટો રીક્ષા ની રાહ જોવાની જરૂર નથી રહેતી. મારા ડેડી બેસ્ટ ફાધર છે અને મારા ગુરુ પણ છે.

કોમ્પ્યુટર અને લેપટોપ ચલાવતા પતિએ શિખવાડ્યું: કીર્તિ મહેતા
હનીપાર્ક રોડ વિસ્તારમાં રહેતી કીર્તિબેન મહેતાએ જણાવ્યું કે મારા ગુરુ મારા હસબન્ડ જ છે. મેં પ્રાઇમરી સ્કૂલમાં ટીચરની જોબ કરી હતી. પણ મને એ સમયે કોમ્પ્યુટર કે લેપ્ટોપનું જ્ઞાન લેવાની જરૂર નહીં લાગતી હતી. પણ અત્યારે તો લોકો કોમ્પ્યુટર અને લાપટોપના માસ્ટર બની ગયાં છે. હું લોકોને ઓનલાઇન પેમેન્ટ કરતા કે ઓનલાઇન શોપિંગ કરતા જોતી ત્યારે મને પણ કોમ્પ્યુટરનું જ્ઞાન કેટલું જરૂરી છે તે સમજાયું. એટલે મને પણ આંગળીના ટેરવે કોમ્પ્યુટર, લપટોપ પર ગૂગલ મેપ સર્ચ કરતાં અને અન્ય જ્ઞાન મેળવવાની તાલાવેલી લાગી. એટલે મેં આ વાત મારા હસબન્ડ કિરીટ મહેતાને જણાવી. તેમની પાસે કામમાંથી પૂરતો સમય નહીં હોવા છતાં તેમને રોજ રાતના મને 10-15 મિનિટ ફળવીને કોમ્પ્યુટર, લેપટોપનું માઉસ પકડતા અને ટાઈપ કરતાં શિખવાડ્યું. ગુગલ પર જઈને અડ્રેસ સર્ચ કરતા અને ઓનલાઇન પેમેન્ટ કરતાં શિખવાડ્યું. પતિએ આપેલા આ નોલેજ ને કારણે જ હું ઘરના વીજળી બીલ, ગેસ બીલ ઓનલાઇન ભરતા શીખી છું. હું ઘરનું કરિયાણું લેવા જાઉં ત્યાપણ આસાનીથી પેમેન્ટ કરું છું. આના કારણે મારા સમયની અને પેટ્રોલની બચત થાય છે. આજે મારી ફ્રેન્ડ્સ મારી પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરતા શીખે છે. હું હવે કોમ્પ્યુટર ચલાવવામાં માસ્ટર બની ગઈ છું. હું પોતે સ્કૂલના બાળકોની ટીચર છું પરંતુ મારા ટીચર મારા ગુરુ મારા હસબન્ડ છે.

મારા પિતા જ મારા ગુરુ, મને શીખવાડ્યું ક્રિકેટ: પ્રીયાંશ ગાંધી
પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતાં પ્રીયાંશ ગાંધી B.tech. ફર્સ્ટ ઈયર માં છે. પ્રીયાંશે જણાવ્યું કે, મારા ગુરુ મારા ડેડી દિવ્યેશ ગાંધી છે. હું જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે હું મારા મિત્રોને ક્રિકેટ રમતા જોતો અને T.V. માં પણ ક્રિકેટ જોતો એટલે મને પણ ક્રિકેટ રમવાનો શોખ જાગ્યો હતો પણ મને તો બેટ કઈ રીતે પકડવું અને બોલ કઈ રીતે નાંખવો એ બધું કાંઈ જ નહીં આવડતું. પછી એક દિવસ મેં મારા ડેડીને કહ્યું કે મને ક્રિકેટ રમતા શીખવું છે. તો મારા ડેડી એ કીધું કે દીકરા હું તને ક્રિકેટ રમતા શીખવાડીશ અને એ દિવસથી મારા ડેડી મારા કોચ બની ગયા. મારા ડેડીનું લૂમ્સનું કારખાનું છે. તેઓ સાંજે 5 વાગ્યાં પહેલાં ઘરે આવી જતાં અને મને 5થી 7 વાગ્યાં સુધી બે કલાક ક્રિકેટ રમતા શીખવાડતા. મને પહેલાં તો બેટિંગ ગમતું પણ ધીરે-ધીરે મને બોલિંગમાં ઇન્ટરસ્ટ જાગ્યો. રવિવારનો દિવસ હોય ત્યારે ડેડી જ્યારે પણ ફ્રી થાય ત્યારે મને ક્રિકેટ શીખવાડતા. આજે હું બોલિંગમાં મારા ડેડીના પ્રતાપે મહારથી બની ગયો છું. મારા સમાજ હિન્દૂ મૂળ ઘાંચી સમાજની વર્ષમાં એકવાર ક્રિકેટ ટુર્નામેંટ યોજાતી હોય છે. મેં ગયા વર્ષે સમાજની મેચમાં અપોઝીટ ટીમને વધારે રન કરવા નહીં દીધા. એ રીતે જીત હાંસિલ કરી હતી. હું સ્કૂલમાં પણ ક્રિકેટ મેચમાં પાર્ટીસીપેટ કરતો. એક વખત સ્કૂલની મેચમાં હું ફાઇનલ સુધી પહોંચતા મને મેડલ મળ્યો હતો. જો મારા ડેડી એ મને ક્રિકેટ શિખવાડ્યું નહોત તો હું ક્રિકેટમાં ઝીરો હોત.

મારા કરાટેના ગુરુને કારણે આજે હું પણ કરાટે શિક્ષક બન્યો છુ: સુનિલ બીસ્વાલ
ભેંસાણ રોડ પર રહેતા સુનિલ બીસ્વાલ સુરતની એક સ્કૂલમાં કરાટેના શિક્ષક છે. તેમણે જણાવ્યું કે મારા પપ્યા પરિવારને લઈને ઓરિસ્સાથી સુરત રોજીરોટીની તલાશમાં આવ્યા હતાં. સુરતમાં પાલનપુર પાટીયાની એક સ્કૂલમાં મારા પપ્પા દીપકભાઈ બીસ્વાલ પીયૂનની નૌકરી કરવા લાગ્યાં હતાં. અને સ્કૂલના કમ્પાઉન્ડમાં જ અમે રહેતાં હતાં. અહીં સ્કૂલના બાળકોને પરેશભાઈ ભટ્ટ સર કરાટે અને યોગ શીખવાડતા હતાં. જે હું રોજ જોતો અને મને પણ કરાટે શીખવાનું મન થતું એટલે મેં મારા પપ્પાને કહ્યું કે મારે પણ કરાટે શીખવું છે ત્યારે હું પાંચમા ધોરણમાં ભણતો હતો. મારા પપ્પાએ પરેશભાઈ સરને આ વાત કરી અને ત્યારબાદ બીજા જ દીવસથી પરેશભાઈ સર મને નિઃશુલ્ક કરાટે શીખવાડવા લાગ્યાં. તેમણે મને સાડા પાંચ વર્ષ કરાટેનું પ્રશિક્ષણ આપ્યું. અમારી આર્થિક સ્થિતિ સારી નહીં હતી એટલે સર મારા પરિવારને આર્થિક સપોર્ટ પણ કરતા. 2006ના પુરમાં મારા આ સરે મારા પરિવારને મદદ કરી હતી. સાડા પાંચ વર્ષ તેમણે મને કરાટેનું પ્રશિક્ષણ આપ્યું ત્યારબાદ તેમણે મને યોગનું પ્રશિક્ષણ પણ આપ્યું. પરેશભાઈ સર મારા ગુરુ છે. તેમના નકશેકદમ પર ચાલતા આજે હું પણ કરાટેનો શિક્ષક બન્યો છું. હું એક સ્કૂલમાં કરાટેનો શિક્ષક છું. મારા પરેશભાઈ સરએ મને નેશનલ લેવલ ની કરાટેની સ્પર્ધામાં ભાગ લેવા જવા માટે પણ ફાયનાન્શયલ સપોર્ટ કર્યો છે. મને યોગનું શિક્ષણ પણ પરેશભાઈ સરે નિઃશુલ્ક પ્રશિક્ષણ આપ્યું છે.હું પણ બે બાળકોને નિઃશુલ્ક કરાટેનું પ્રશિક્ષણ આપું છું. મેં ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી કરાટે ચેમ્પિયનશીપ ચેન્નાઇ અને હરિયાણાના કુરૂક્ષેત્રમાં પાર્ટીસીપેટ કર્યું હતું. ઇન્ટર કોલેજ કરાટે ચેમ્પિયનશીપમાં બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મારે હજી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર મેડલ મેળવવાની ઈચ્છા છે. મારા કરાટેના ગુરુ પરેશ સરને કારણે જ આજે હું કરાટેમાં નિષ્ણાત બન્યો છું.

Most Popular

To Top