SURAT

પાંડેસરા જીઆઇડીસી ખાતે કેટલીક મિલો બેફામ પ્રદૂષણ ઓકી રહી છે: શહેરમાં ઓછી વિઝિબિલિટી

સુરત: હાલ સુરત (Surat) હોય કે ગુજરાત (Gujarat), ભારત (India) કે પછી વિશ્વમાં સૌથી મોટી સમસ્યા પ્રદૂષણ (Pollution)ને કાબૂમાં લેવાની છે. સરકાર એક તરફ પ્રદૂષણને કાબૂમાં લેવા અથાક પ્રયાસો કરી રહી છે. તો બીજી બાજુ સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી (Pandesara gidc) ખાતે કેટલીક મિલો (Mills) બેફામ પ્રદૂષણ ઓકી રહી છે. શહેરના વાતાવરણને સંપૂર્ણપણે આ મિલોએ સસ્તી ચીંધી અને પ્લાસ્ટિક બાળી ઉપયોગ કરી પ્રદૂષણ ફેલાવી રહી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પાંડેસરા વિસ્તારની ચારેક મિલની ચીમની આખા આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છોડી રહી છે.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફરી પ્રદૂષણનું પ્રમાણ વધતું હવામાં વહેલી સવારે અને સાંજે જોઈ શકાય છે. શહેરના પાંડેસરા જીઆઇડીસી કે સચિન જીઆઇડીસી ખાતે જાઓ તો વિઝિબિલિટી ઘણી ઓછી જોવા મળી રહી છે. જેની પાછળ મુખ્ય કારણ લોકડાઉન બાદ ફરી શરૂ થયેલા ધંધાર્થીઓ પૈકી કેટલાકે સર્વાઈવ કરવા બેફામ પ્રદૂષણ ફેલાવવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા જીઆઇડીસી ખાતે કેટલીક મિલો સર્વાઇવ કરવા માટે પ્લાસ્ટિક અને ચીંધીને બાળી તેનો ઉપયોગ કરી રહી છે. જેને કારણે ચીમનીઓમાંથી ભયંકર કાળો ધુમાડો હવામાં ભળી રહ્યો છે. અને જે લોકોના શરીર માટે ખૂબ જ ઘાતક સાબિત થશે. આ કાળો ધુમાડો જોયા પછી પણ જીપીસીબી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યાં નથી. જાણે જીપીસીબી જ આ મિલોને બળ પૂરું પાડતી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, વિતેલા કેટલાય મહિનાઓથી જીપીસીબી કચેરી ઘોરતી હોય તેવું દેખાઇ રહ્યું છે. જીપીસીબી કચેરી તરફથી વિતેલા કેટલાક મહિનાથી કોઇ વિસ્તારની કોઇ મિલની કે કોઇ એકમોની પણ તપાસ થઇ છે કે કેમ એ તપાસનો વિષય છે. જીપીસીબીએ પણ આંખે પાટા બાંધી લઇ સુરતવાસીઓને ભગવાન ભરોસે છોડી દીધા છે.

આસપાસની સોસાયટીના રહીશો કાળી મેશથી પરેશાન

મિલોમાંથી ઊડતા કાળા ધુમાડાને કારણે પાંડેસરા જીઆઇડીસીની આસપાસ આવેલી એકથી બે કિલોમીટરના વિસ્તારની તમામ સોસાયટીઓના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. આ રહીશોનાં મકાનોમાં કાળી મેશ ઊડી રહી છે. હવે જો મકાનોમાં આટલી મેશ ઊડતી હોય તો તેમના ફેંફસામાં કઈ હદ સુધી આ કાળી મેશ જતી હશે એ વિચારી શકાય છે.

ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સાથે પણ ચેડાંની સંભાવના

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીપીસીબી દ્વારા મિલોની ચીમની ઉપર કેમેરા ગોઠવી ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરી હતી. જેથી ચીમનીમાંથી કેટલો અને કેવા પ્રકારનો ધુમાડો નીકળે છે તે જોઈ ત્વરિત કાર્યવાહી કરી શકાય. પરંતુ પાંડેસરા જીઆઇડીસીમાં કેટલીક મિલો બેફામ કાળા ધુમાડાના ગોટા હવામાં ભેળવી પ્રદૂષણ કરી રહ્યા છે. તેમ છતાં જીપીસીબી દ્વારા આવી એકપણ મિલો સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સાથે ટેક્નિકલ રીતે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવાની પણ ચર્ચા ઊઠી છે.

મહિના પહેલાં ગાંધીનગર વિજિલન્સ પણ તપાસ કરી ગઈ

મળતી માહિતી મુજબ કેટલીક સ્થાનિક સંસ્થાઓ દ્વારા જી.પી.સી.બી.ને પ્રદૂષણ બાબતે ફરિયાદ કરાઇ હતી. પરંતુ સ્થાનિક જીપીસીબી આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. જેના કારણે ગાંધીનગરમાં આ અંગેની ફરિયાદ થતાં ગાંધીનગર વિજિલન્સ દ્વારા એકાદ મહિના પહેલાં પાંડેસરા જીઆઇડીસીમાં તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ વિભીષણ સુરત વિજિલન્સ ટીમ આવે એ પહેલાં જ મિલમાલિકોને જાણ કરી દેતો હોવાથી મિલોમાંથી આ ચીંધી ભરેલી ટ્રકો રાતોરાત ગાયબ કરી દેવામાં આવે છે.

Most Popular

To Top