SURAT

ચાર કામદારોના મોત મામલે પલસાણાની કિરણ ઇન્ડસ્ટ્રીઝને GPCB દ્વારા 50 લાખનો દંડ અને નોટિસ

સુરત: (Surat) સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વરની કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં (Kiran Industries) નવા વર્ષે ચાર કામદારોનાં મોતની ઘટનામાં જીપીસીબી (GPCB) દ્વારા કલોઝર નોટિસ ઉપરાંત 50 લાખ રૂપિયાનાં દંડનો હુકમ કરવામાં આવ્યો છે.

  • પલસાણાની કિરણ ઇન્ડસ્ટ્રીઝને પચાસ લાખનો જંગી દંડ અને કલોઝર
  • નવા વર્ષે ઇએફટી પ્લાન્ટમાં બનેલી ઘટના બાદ જીપીસીબીએ આળસ મરડી

પલસાણા તાલુકાના બલેશ્વર ગામ ખાતે બ્લોક નં. ૩૧૪ ના પ્લોટ નં. ૨૧૪ થી ૨૨૬ માં કિરણ ઈન્ડસ્ટ્રીઝમાં નવા વર્ષનાં િદવસે જ વેસ્ટ વોટરનાં નિકાલ માટે બનાવવામાં આવેલી ઇએફટી પ્લાન્ટની ટાંકીની સાફ-સફાઇ કરવા માટે ઉતારવામાં આવેલા ૪ કામદારોનાં કરુણ મોત નિપજયા હતા. આ ઘટનામાં જીપીસીબી ગાંધીનગરે કંપની દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને પર્યાવરણને નુકશાન પહોંચાડવા બદલની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જીપીસીબી દ્વારા કંપનીને કલોઝર નોટિસ આપી કંપનીનું ઉત્પાદન કાર્ય બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે આ ઉપરાંત કંપની દ્વારા પ્રદુષણ ફેલાવવા સહિત પર્યાવરણની જાળવણી માટેનાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાથી 50 લાખ રૂપિયાની પેનલ્ટીનો હુકમ પણ જીપીસીબીનાં સુરત યુનિટ હેડ સુરેશ અગ્રાવત દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે સુરતનાં રિજીયોનલ ઓફિસર જીજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતુ કે કિરણ ઇન્ડસ્ટ્રીઝમાં કલોઝર ઉપરાંત 50 લાખનાં દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે જ કંપનીનું વીજ કનેકશન અને ઇન્ડસ્ટ્રિયલ સેફટીનાં રિપોર્ટને અનુસરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

Most Popular

To Top