Dakshin Gujarat

બલેશ્વરનું તળાવ કોલસાની રજકણોથી ભરાઈ જતાં ગામલોકોએ તળાવના પાણીનો વપરાશ બંધ કર્યો

પલસાણા: (Palsana) પલસાણામાં ફરી કોલસાની રજકણો બલેશ્વર, પલસાણા ગામમાં આવતા ગામલોકોને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને પ્રદૂષણ (Pollution) ઓકતી મિલો સામે રોષ જોવાઇ રહ્યો છે. બલેશ્વરનું તળાવ (Baleshwar Lake) કોલસાની રજકણોથી ભરાઇ જતાં ગામલોકોએ તળાવના પાણીનો વપરાશ પણ બંધ કરી દીધો છે. અને ફરી ગામલોકો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે.

  • પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પ્રદૂષણ ઓકતી મિલો સામે રોષ
  • બે વર્ષ અગાઉ પલસાણા તેમજ બલેશ્વરના ગ્રામજનોએ પ્રદૂષણ મુદ્દે લડત ઉપાડી હતી
  • લોકોના આરોગ્ય સામે ખતરો મંડાઇ રહ્યો છે

પલસાણા પંથકમાં બે વર્ષ અગાઉ પલસાણા તેમજ બલેશ્વરના ગ્રામજનોએ પોલ્યુશનને મુદ્દે લડત ઉપાડી હતી. અને સુરત કલેક્ટરથી લઇ ગાંધીનગર સુધી રજૂઆતો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તે સમયે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લાલ આંખ કરતા કોલસાની રજકણો બલેશ્વરમાં ઊડવાની બંધ થઇ હતી. પરંતુ હાલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી નીતિ અને કોલસાના ભાવ વધવાથી પલસાણામાં મોટા ભાગની મિલોમાં લાકડાં અને કપડાંની ચીન્ધીઓ તેમજ બગાસ જેવો ઘનકચરો બોઇલરમાં બાળવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેને કારણે બલેશ્વર અને પલસાણામાં ફરી કોલસાની રજકણનો ભરાવો જોવા મળી રહ્યો છે. અને લોકોના આરોગ્ય સામે પણ ખતરો મંડાઇ રહ્યો છે.

હાલમાં જ બલેશ્વર ખાતે આવેલા તળાવમાં કોલસાની ૨જકણો પાણીમાં તરતી જોવા મળી રહી છે. અને જેના કારણે આ તળાવનું પાણી પીવા કે અન્ય વપરાશલાયક રહ્યું નથી. જેથી ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને ફરી ગામલોકો કોલસાની રજકણો બાબતે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બલેશ્વર અને પલસાણાની મુલાકાત લઇ પોલ્યુશન ઓકતી મિલો સામે લાલ આંખ કરે એ જરૂરી છે.

Most Popular

To Top