Dakshin Gujarat

વલસાડ પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, 5 પૈકી 4 બેઠક કબ્જે કરી

વલસાડ: (Valsad) વલસાડ નગરપાલિકાના 4 વોર્ડની 5 બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના (By-election) મંગળવારે જાહેર થયેલા પરિણામના અંતે 4 બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો, જ્યારે વોર્ડ નં.2 માં અપક્ષ ઉમેદવાર પાલિકાના માજી પ્રમુખના પુત્રનો પણ વિજય થયો હતો. જોકે, કોંગ્રેસના બંને ઉમેદવારનો પરાજય થતા કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા. વિજેતા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી ખુશી મનાવી હતી.

વલસાડ પાલિકાની 5 બેઠક માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી મંગળવારે બાઈ આવાંબાઈ હાઈસ્કૂલમાં યોજાઈ હતી. પરિણામના અંતે વોર્ડ નં. 1 માં ભાજપના બંને ઉમેદવાર કિરણ ભીખુ પટેલ અને સતીશ બાલુ પટેલ, વોર્ડ નં.5 માં હિતેશ ઇશ્વર ભંડારી અને વોર્ડ નં.6 માં વિમલ સુમંતરાય ગજધરનો, જ્યારે વોર્ડ નં.2 માં અપક્ષ ઉમેદવાર વિકાસ રાજેશ પટેલનો વિજય થયો હતો. મત ગણતરી પૂર્ણ થતાં જ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, ધારાસભ્ય ભરત પટેલે સ્કૂલ પર ધસી આવી વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.

કોને કેટલા મત મળ્યા
વોર્ડ નં.1 માં ભાજપના કિરણ ભીખુ પટેલને 3062, સતીશ બાલુ પટેલને 2219, જ્યારે કોંગ્રેસના નવીન લક્ષ્મણ વાસ્ફોડાને 632 અને કિકુ છિબા રાઠોડને 1025 મત મળ્યા હતા. વોર્ડ નં. 2 માં અપક્ષ ઉમેદવાર વિકાસ રાજેશ પટેલને 2250, ભાજપના ભાવેશ પ્રવિણ પટેલને 1902 મત મળ્યા હતા. વોર્ડ નં.5 માં ભાજપના હિતેશ ભંડારીને 2257, અપક્ષ કિરણ વલ્લભ ભંડારીને 766, અપક્ષ ધર્મેશ ડાંગને 1883 મત મળ્યા હતા. વોર્ડ નં.6 માં ભાજપના વિમલ સુમંતરાય ગજધરને 2034, અપક્ષ ઉમેદવાર ઉર્વી યસેશ માલીને 1351 અને કોંગ્રેસના રમેશ નેન્સી શાહને 565 મત મળ્યા હતા.

વિજેતા ઉમેદવાર કોણ કોણ
નામ પક્ષ મળેલા મત
કિરણ ભીખુ પટેલ બીજેપી 3062
સતીશ બાલુ પટેલ બીજેપી 2219
વિમલ એસ ગજધર બીજેપી 2034
હિતેશ ભંડારી બીજેપી 2257
વિકાસ રાજેશ પટેલ અપક્ષ 2250

પેટાચૂંટણીમાં ભાજપે વિજય મેળવતાં ફટાકડા ફોડ્યા
વલસાડ પાલિકાની પેટાચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત તમામ પદાધિકારીઓ અને વિજેતા ઉમેદવારોની ઉપસ્થિતિ વચ્ચે મંગળવારે સાંજે આઝાદ ચોક ખાતે ફટાકડાઓ ફોડી વિજ્યોત્સવ મનાવાયો હતો. પ્રમુખ હેમંત કંસારાએ વિજય માટે પાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

વોર્ડ નં.2 માં બે ચેરમેન હોવા છતાં ભાજપ સીટ બચાવી ન શક્યું
વલસાડ પાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નં.2 માં પાલિકાના કારોબારી ચેરમેન છાયાબેન પટેલ અને રાણા આ બન્ને વોર્ડના ચેરમેન હોવા છતાં આ વોર્ડમાં ભાજપ પોતાની સીટ બચાવી શક્યું ન હતું. વોર્ડ નં. 2 માં પોતાનો ગઢ ગણાતા રાજુભાઈ મરચાંના પુત્ર વિકાસ પટેલનો વિજય થયો છે.

ડ્રેનેજ લાઈનનો મુદ્દો ભાજપને ભારે પડ્યો
વલસાડ પાલિકાના વોર્ડ નં. 2 અને 5માં ડ્રેનેજલાઈનને લઈને લોકોએ ભારે વિરોધ કર્યો હતો. વોર્ડમાં ભાજપને વોટ નહીં ના બેનર પણ લગાવ્યા હતા. જેને લઇને આ બંને વોર્ડમાં સાંસદ કે.સી પટેલ, ધારાસભ્ય ભરત પટેલ, જિલ્લા પ્રમુખ હેમંત કંસારા તથા જિલ્લાના ભાજપના તમામ સભ્યો વોર્ડમાં પ્રચાર કરવા માટે ઉતરી પડ્યા હતા. જેથી એક વોર્ડમાં ભાજપનું નાક કપાતા બચી ગયું હતું. જ્યારે વોર્ડ નં.2 માં રાજુ મરચાંના પુત્ર વિકાસનો વિજય થતાં અહિં ભાજપનું નાક કપાઈ ગયું હતું. વોર્ડ નં.5માં ભાજપના હિતેશ ભંડારીનો વિજય થતાં ભાજપ પોતાની થોડી ઘણી ઈજ્જત બચાવી શક્યું છે.

Most Popular

To Top