Top News

More Posts

   The Latest

Most Popular

છેલ્લાં થોડાં વરસોમાં જગતમાં એક છાપ ઊપસી રહી હતી કે અમેરિકાની વૈશ્વિક તાકાત ક્ષીણ થઈ રહી છે. યુક્રેન યુધ્ધને અમેરિકા રોકી શક્યું નથી. ચીન અને રશિયા અમેરિકાથી ડરે છે છતાં એવો મિજાજ વારંવાર પ્રગટ કરી રહ્યા હતા કે તેઓ ડરતાં નથી. જો ચીન ડરીને, સમસમીને બેસી રહ્યું ન હોત તો તાઈવાન કબજે કરવાના ઈરાદાથી આક્રમણ કરી બેઠું હતું. પોતાની શક્તિની ચકાસણી પણ કરી લીધી હતી. પરંતુ આખરે તો ચીનને પોતાની વિકસેલી આર્થિક સત્તાને સત્તા તરીકે ચાલુ રાખવી છે. અમેરિકા કોવિડના દિવસોમાં એક મજબૂર દેશ તરીકે દુનિયા સમક્ષ રજૂ થયો હતો.

તેથી પણ અમેરિકા હવે અગાઉના અમેરિકા હવે અગાઉના અમેરિકા જેવું નથી રહ્યું એવી છાપ ઊપસી હતી. આ દિવસોમાં ચીને અમેરિકા સામે નહોર ભેરાવ્યા. પણ તેમાં ચીનની આર્થિક દશા કથળી ગઈ. ચીને અમેરિકા સામે બાયો ચડાવી તેમાં આ સ્થિતિ આવી પહોંચી છે. કોરોનાએ અમેરિકા, યુરોપ અને અન્ય વિકસિત રાષ્ટ્રોને એક ઈમ્પિટસ અથવા સ્પ્રિંગબળ પૂરૂં પાડ્યું હતું જેમાં ચીનમાંથી આવતો આધુનિક જગતનો લગભગ તમામ સામાન તો બંધ થઈ ગયો હતો. એ બહાનું, જેમાં વજૂદ પણ છે, તે આગળ ધરીને પશ્ચિમની કંપનીઓ એમ કહીને ચીનમાંથી બહાર નીકળવા માંડી કે દુનિયાએ કાચા-પાકા સામાન પર માત્ર ચીન પર આધાર રાખીને બેસી રહેવું ન જોઈએ. અન્યથા માત્ર એક ચીન બંધ પડવાથી દુનિયાને મળતો માલસામાન બંધ બડી જાય અને અન્ય દેશોમાં બેરોજગારી તેમ જ મંદીનું વાતાવરણ પણ ફેલાય.

એ આધારે અમેરિકા અને યુરોપની કંપનીઓ બહાર નીકળી ભારત અને અન્યત્ર દેશોમાં જવા લાગી. ચીનમાં એપલના ફોનનું નિર્માણ કરતી મૂળ તાઈવાનની ગંજાવર ફોક્સફોન કંપનીએ પણ ચીનમાંથી પ્રવૃત્તિઓ ઘટાડી. ભારતમાં મૂડી રોકાણનાં ગતિ અને પ્રમાણ વધાર્યા. આવાં અનેક કારણોસર ચીનની આર્થિક રફતાર ખૂબ મંદ પડી ગઈ છે. તેમાં વળી શી ઝિનપિંગનો બદમીજાજ અને ખોટી ગણતરીઓ, નીતિઓ અને નિર્ણયોએ અન્ય દેશોને ચીનના દુશ્મનો બનાવી દીધા છે.

શી ઝિનપિંગે ઘરઆંગણે ઉદ્યોગપતિઓને કનડવાનું, તેઓને આર્થિક નુકશાન પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું. ઉદ્યોગપતિ જેક મા એ ભાગીને લાંબો સમય માટે જપાન જતાં રહેવું પડ્યું હતું. મકાન-કાર્યાલયોના બાંધકામની બે મોટી કંપનીઓ ગ્રાન્ડી અને કન્ટ્રી ગાર્ડન બંનેનાં ઊઠમણાં થઈ ગયાં છે, અને એકના આજકાલમાં થશે. ચીનનો વિકાસ દર, જ્યાં વરસના ચૌદ ટકાની આસપાસ રહેતો હતો તે ચાલુ નાણાંકીય વર્ષમાં બે ટકાની આસપાસ રહેશે એવી ધારણા છે. કોમ્પ્યુટરોની ચીપ્સના નિર્માણમાં, સ્માર્ટફોન, કોમ્પ્યુટરો અને ડિજિટલ ગેઝેટ્સનાં નિર્માણમાં ચીનની વૈશ્વિક મોનોપોલી હતી તે હવે તૂટી ગઈ છે.

આજે દુનિયાનાં અનેક દેશોમાં ચીપ્સ વગેરેનાં કારખાનાં શરૂ થયાં છે. આ રીતે સમગ્રમાં જોઈએ તો ભલે કહેવાય કે ચીન અમેરિકાથી ડરતું નથી, છતાં ચીનની પાયમાીલ અમેરિકા સાથેની આડોડાઈનું પરિણામ છે. અફઘાનિસ્તાનમાંથી ઊતાવળે ઊતાવળે અમેરિકા એટલા માટે નીકળી ગયું હતું કે તે અમેરિકાના નંબર વન દુશ્મન ચીનની શાન ઠેકાણે લાવવાનો જ બાઈડન નિર્ણય લઈ ચૂક્યા હતા. તેમાં એ સફળ થઈ રહ્યાં છે. લાકડીનો અવાજ આવ્યો નથી કે ચીને રીતસરનો ઉંહકાર કર્યો નથી તો પણ ચીનની રાડ ફાટી ગઈ છે. એ અર્થમાં બાયડનની વ્યુહરચનાઓ રંગ લાવી છે. તેમાં વળી હાલમાં ગાઝા-ઇઝરાયલ વચ્ચેનાં યુદ્ધે અમેરિકાને બળપ્રદર્શનની, શક્તિપ્રદર્શનની વધુ તકો પૂરી પાડી છે. હાલમાં અમેરિકા કોઈ શરત વગર જગતના હવાલદારના રૂપમાં ફરી પ્રસ્થાપિત થયું છે.

બે લાખ ટનના બે મોટાં અમેરિકી નૌકા જહાજો બાયડનશ્રીએ ભૂમધ્ય સમુદ્રમાં ઇઝરાયલના દરિયા કિનારે લાંગરી દીધાં છે. ઈરાનના પોષિત હિઝબુલ્લાના ત્રાસવાદીઓ પેલેસ્ટાઈનના મોરચે ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કરતા પહેલા અટકી જાય તે ઈરાદાથી આ જહાજો ગોઠવી દેવાયાં છે. હિઝબોલ્લાહ એક બળવાન જૂથ બની ગયું છે તેથી તેને મોટી સૈન્ય તાકાત વડે ડરાવવું જરૂરી બન્યું છે. અમેરિકાએ ઈરાન અને હિજબોલ્લાહને યુદ્ધ કરવાથી દૂર રહેવાની સખત ચેતવણી સાદા શબ્દોમાં કટોકટીના પ્રથમ દિવસથી જ આપી દીધી છે.

હમાસ અને ઇઝરાયલ વચ્ચેના ઘર્ષણને બાયડને માર્ગ પરનો એક નવો મોડ, નવો વળાંક ગણાવ્યો છે. આ ઘટનાના પક્ષકારોના સ્ટેક્સ અર્થાત હિતો ખૂબ મજબૂત છે તેથી હાર ન સ્વીકારવા અને જીત મેળવવા બંને છાવણીઓ અણુયુદ્ધની સ્થિતિ પર પહોંચી શકે છે. પાકિસ્તાન ઈચ્છતું હશે કે અણુ યુદ્ધ થાય. કારણ કે પાકિસ્તાનનો ભાવ પૂછાય એવી બીજી કોઈ ચીજ હવે પાકિસ્તાન પાસે બચી નથી. છતાં પાકિસ્તાનના અણુ બોમ્બ મથકને નિશાન બનાવાય તો પાકિસ્તાન લગભગ ખતમ થઈ જાય. આ ડર તેઓને સતાવતો જ હશે તેથી યુદ્ધમાં હુશો હુશો કરશે પણ ભાગ નહીં લે.

બાકી આતંકીઓ છે તેઓ. તેઓનું ભલૂં પૂછવું. પણ જો પાકિસ્તાન એમ માને છે કે ઇઝરાયલમાં કે આસપાસ અણુ વિસ્ફોટ થશે અને પાકિસ્તાનને કશી આંચ નહીં આવે તો તે તેની મરણતોલ ભૂલ હશે. સ્થિતિ સ્પષ્ટ થતાં થોડાં મહિનાઓ લાગી જશે. યુક્રેનને રેઢું મૂકી દેવામાં આવ્યું છે તે બાબત માટે પણ પશ્ચિમના દેશોની ટીકાઓ થઈ રહી છે. આજે પણ પ્રમુખ બાયડને યુક્રેનમાં રશિયાનો અને તાઈવાનમાં ચીનને વધુ ઘૂસતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જ પડે છે. એ ડર સાવ ઓછો થયો નથી. આ તરફ ઈરાને ગલ્ફના અને મધ્ય પૂર્વના દેશોમાં ઊથલપાથલ મચાવી છે.

ઈરાન પોતે સમૃદ્ધ યુરેનિયમ તૈયાર કરવામાં અને પોતાની રીતે અણુ બોમ્બ તૈયાર કરવાની દિશામાં સફળ થઈ રહ્યું છે. અમેરિકા અને દુનિયાના આર્થિક પ્રતિબંધો પણ અકસીર પુરવાર થયા નથી. આ બધાને કારણ અમેરિકાનાં નાણાં વિભાગમાં શસ્ત્ર વિભાગમાં અને રાજકીય ક્ષેત્રમાં પણ અમેરિકાની સરાકર પર પ્રેશર આવી રહ્યું છે. અને જો રશિયા યુક્રેનમાં વધુ આગળ વધે, તો યુરોપ પર તેની અસર વર્તાશે અને યુરોપ-અમેરિકા બંનેએ બધુ ખુંવાર થવું પડશે. જો ગલ્ફ અને મધ્ય પૂર્વમાં ખૂન્નસ અને નુકશાન વધે તો આરબ પ્રજા પોતપોતાના દેશોની સરકારો સામે બળવો પોકારે તેવી શક્યતા પણ રહે છે. અમેરિકાએ પોતાએ યુદ્ધખોરીને વૈશ્વિક પ્રોત્સાહન આપવનાં જૂનાં આક્ષેપોનો નવેસરથી સામનો કરવાનો વખત આવે. આવી સંભાવિત સ્થિતિઓ વિશ્વની હાલની રાજકીય વ્યવસ્થાને કથળાવી મૂકશે.

હાલની પરિસ્થિતિમાં જગતના મિડિયાના એક વર્ગને લાગી રહ્યું છે કે સાઉદી અરેબિયા અને ભારત બંને પોતપોતાની સ્થાયી હિતોને કૂનેહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. પરંતુ પશ્ચિમ અને ગોરું વિશ્વ આ કામ સદીઓથી એકધારૂં કરતું આવ્યું છે તે હકીકતો પ્રત્યે પશ્ચિમના મિડિયા જગતની આંખો વીંછાઈ જાય છે. પશ્ચિમના નિષ્ણાતોને લાગી રહ્યું છે કે ભલે આ બંને દેશો યુદ્ધની સ્થિતિ ભડકે એવું નહીં ઈચ્છે. તેઓ આગમાં ઘી રેડવાનું કામ નહીં કરે, પણ જો કટોકટીની સ્થિતિ આવી તો ભારત અને સાઉદી અરેબિયા બંને અમેરિકાની આજ્ઞા પ્રમાણે વર્તવાનું સ્વીકારશે નહીં.

તેઓ અમેરિકાની આમાન્યા રાખે તે માટેનાં કોઈ ખાસ કારણો પણ નથી. જોકે અગાઉના પાકિસ્તાન સાથે યુદ્ધો અને આતંકવાદી મુઠભેડોમાં ત્રાસવાદી સમુહોનો નાશ કરવામાં ઇઝરાયલે ભારતને કરેલી મૌન સહાય આઝાદ ભારત માટે બેમિસાલ છે. બીજા કોઈ દેશોએ મદદ કરવાની ભાવના સાથે ઇઝરાયલ જેટલી મદદ કરી નથી. માટે ભારતને આત્યંતિક સ્થિતિમાં આંખની શરમ નડે તેવું થાય. માટે ભારતનો પ્રયત્ન હશે કે યુદ્ધ વકરે નહીં. જો કે ઇઝરાય અને હરસંભવ મદદ આપવાનો કોલ ભારતે આપી દીધો છે અને તેનાં મીઠાં ફળ તરીકે કતર દેશો ભારતના પૂર્વ આઈ નૌસૈનિકોને ફાંસીની સજા ફરમાવી છે.

હમાસના નેતા કતરમાં જ બેસીને હમાસની દોરવણી કરી રહ્યા છે. ચીન, રશિયા, ઇરાન, હમાસ, હિજબોલ્લાહ, કતર જેવા દેશો અને સંગઠનો મળીને અમેરિકા સામે પડકાર ઊભો કરી રહ્યાં છે. ઈરાન દ્વારા રશિયાને ડ્રોન વિમાનો અને ચીનને તેલ પૂરાં પાડવામાં આવી રહ્યાં છે. તે સામે ચીન બહિષ્કારની પરવા કર્યા વગર ઈરાનને જોઈતાં માલસામાન પૂરાં પાડે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રશિયા અને ચીન મળીને ઈરાનના ગોઠિયા હમાસને રક્ષણ પૂરૂં પાડે છે.

ઘર આંગણે અમેરિકન રાજકારણમાં રિપબ્લિકન પક્ષ ફરીથી એ ચિપિયો પછાડી રહ્યો છે કે અમેરિકાએ જઈને બીજા દેશોમાં મોટા ભાઈ બનવાની જરૂર નથી, પરંતુ ઘર આંગણે રહીને ઘરની આર્થિક, અને વિદેશી નીતિઓ અમેરિકાના હિતમાં નીવડે એ રીતે ઘડવાની જરૂર છે. હાલમાં જો બાયડેનનો ડેમોક્રેટિક પક્ષ સત્તા પર છે, પણ જ્યારે રિપબ્લિકન પ્રમુખ ટ્રમ્પ સત્તા પર હતા ત્યારે એમણે અમેરિકાની વિદેશોમાંથી રાજકીય, લશ્કરી પ્રવૃત્તિઓ સંકેલવાની શરૂઆત કરી દીધી હતી. એ કહેતા કે અમેરિકાએ સુપરપાવર તરીકે વિશ્વની જવાબદારીઓ પોતાના શિરે લેવાની જરૂર નથી. પણ જો બાયડન આવ્યા પછી એમણે યુક્રેન, તાઈવાન, ઇઝરાયલ, ઈરાન વગેરેમાં ખાસ્સી દખલ એટલા માટે દીધી છે કે અમેરિકા સુપરપાવર બની રહે.

હવે આવતા વરસે ચૂંટણીઓ યોજાશે. જો બાયડનને જીન મળશે તો સમજવું કે અમેરિકન પ્રજા પણ ઇચ્છે છે કે અમેરિકા જગતમાં સુપરપાવર બની રહેશે. જો બાયડનની લોકપ્રિયતા હાલમાં ઘટી નથી તેથી બાયડનને પણ નવું પ્રોત્સાહન મળી રહેતું હશે, છતાં અમેરિકા હાલમાં ક્યાં સ્થાને છે? એની કેટલી આણ પ્રવર્તે છે? તે નક્કી કરવા માટે હજી વરસો નહીં તો મહિનાઓ રાહ જોવી પડશે. બંનેને યુદ્ધ જહાજોને કારણે મુસ્લિમ દેશો ઇત્યાદિ ચૂપ બેઠા છે. કોઈ બીજા દેશ પાસે એવડી તાકાત નથી કે ભૂમધ્યમાં ઈઝરાયલના દરિયા કાંઠે બે તોતિંગ યુદ્ધ જહાજો ગોઠવી દે. માત્ર અમેરિકા જ તે કરી શકે. પણ હવે એ સર્વોપરિતા ટકી રહેશે તે માટે મહિનાઓ અને કદાચ વરસની રાહ જોવી પડશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top