Business

હમાસના હુમલાએ દ.કોરિયાની ચિંતાઓ પણ વધારી દીધી છે

હમાસ દ્વારા ઇઝરાયેલ પર વિનાશક હુમલાએ દક્ષિણ કોરિયાની ચિંતામાં વધારો કર્યો છે. તેને ઉત્તર કોરિયા તરફથી આવા જ હુમલાની આશંકા છે. તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન શિન વોન-શીકે જણાવ્યું હતું કે તેઓ ઉત્તર કોરિયા સાથેના ૨૦૧૮ના આંતર-કોરિયન લશ્કરી કરારને સ્થગિત કરવા અને ફ્રન્ટલાઈન સર્વેલન્સ ફરી શરૂ કરવાના પક્ષમાં છે. દક્ષિણ કોરિયાના ઉદારવાદી ભૂતપૂર્વ પ્રમુખ મૂન જે-ઈન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે ડિપ્લોમસીના ભાગરૂપે થયેલા કરારમાં અથડામણને રોકવા માટે જમીન અને દરિયાઈ સીમાઓ સાથે બફર ઝોન અને સરહદની ઉપર નો-ફ્લાય ઝોન બનાવવામાં આવ્યા હતા. સિયોલમાં પત્રકારો સાથે વાત કરતા શિને ઉત્તર કોરિયા પર સર્વેલન્સ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં હમાસ દ્વારા કરાયેલા હુમલાને ટાંક્યો હતો. શિને આંતર-કોરિયન કરારના નો-ફ્લાય ઝોનની ટીકા કરતાં કહ્યું હતું કે ઉત્તર કોરિયાનાં પરમાણુ જોખમો વધી રહ્યાં છે ત્યારે દક્ષિણ કોરિયાને તેની હવાઈ સર્વેલન્સ શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે.

૨૦૧૯માં ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ અંગેની વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચેની વાટાઘાટો પડી ભાંગ્યા પછી ઉત્તર-દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધો વણસી ગયા છે. ઉત્તર કોરિયા રેકોર્ડ ગતિએ મિસાઇલ પરીક્ષણો હાથ ધરી રહ્યું છે અને ૨૦૧૮ના કરારને તોડવાની ધમકી આપે છે, જે સામે દક્ષિણ કોરિયાએ પણ સખત પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. જો કે કરારને તોડવા માટે દક્ષિણ કોરિયાને એક જટિલ કાનૂની પ્રક્રિયા કરવી પડશે, જ્યારે કરારને સ્થગિત કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લઈ શકાશે.

હમાસના ઇઝરાયેલ પરના હુમલાને લઈને કોરિયા પ્રજાસત્તાક પણ ખતરામાં છે એવું કહેતાં શિને ઉમેર્યું કે ઉત્તર કોરિયાની લશ્કરી હિલચાલ પર નજર રાખવાની ખાસ જરૂર છે. જો ઇઝરાયલે દેખરેખ માટે એરક્રાફ્ટ અને ડ્રોનનો ઉપયોગ કર્યો હોત, તો કદાચ તેને આવો ગંભીર ફટકો પડ્યો ન હોત. શિનની ટિપ્પણીઓ સામે દક્ષિણ કોરિયાના ઉદારવાદીઓ વિરોધ કરે એવી શક્યતા છે, કેમકે ઉદારવાદીઓ કરારને બંને કોરિયા વચ્ચેના સલામતી વાલ્વ તરીકે જુએ છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં સમજૂતી થઈ ત્યારથી બંને કોરિયા વચ્ચે કોઈ મોટી અથડામણ થઈ નથી. જો કે ગયા નવેમ્બરમાં ઉત્તર કોરિયાએ તેની દરિયાઈ સરહદ નજીકના વસતી ધરાવતા દક્ષિણ કોરિયન ટાપુ નજીક મિસાઈલ છોડ્યું હતું.

કોરિયન દ્વીપકલ્પ પર અત્યારે તણાવ સર્વોચ્ચ બિંદુએ છે. ઉત્તર કોરિયાના શસ્ત્ર પ્રદર્શન અને અમેરિકાની દક્ષિણ કોરિયા અને જાપાન સાથે સંયુક્ત લશ્કરી કવાયત બંનેમાં મોટો વધારો થયો છે. કિમ મોસ્કો અને બેઇજિંગ સાથેની તેમની ભાગીદારીને વેગ આપી રહ્યા છે. તેઓ ઉત્તર કોરિયાને અમેરિકા સામેના સંયુક્ત મોરચામાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક અહેવાલો મુજબ ઉત્તર કોરિયા-રશિયા સરહદ પર રેલ ટ્રાફિકમાં વધારો થયો છે, જે સૂચવે છે કે ઉત્તર કોરિયા રશિયાને યુક્રેન સામેના યુદ્ધ માટે યુદ્ધસામગ્રી સપ્લાય કરી રહ્યું છે. તાજેતરની કિમ-પુતિન મુલાકાતે આ વાતને બળ પૂરું પાડ્યું છે.

ઉત્તર કોરિયા સતત નિષ્ફળતાઓ બાદ આ મહિને લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાનો તેનો ત્રીજો પ્રયાસ કરે તેવી અપેક્ષા છે, જે થકી કિમ યુએસ અને દક્ષિણ કોરિયાનું સૈન્ય હિલચાલ પર દેખરેખ રાખવા માંગે છે. દક્ષિણ કોરિયાના જોંગઆંગ ઇલ્બો અખબારે તાજેતરના તંત્રીલેખમાં દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના સંભવિત આક્રમણ સામે તેની તૈયારીને મજબૂત બનાવતા હમાસના હુમલાને રોકવાની ઇઝરાયેલની નિષ્ફળતામાંથી પાઠ લેવા હાકલ કરી છે. મોસાદ હુમલાના સંકેતો શોધવામાં નિષ્ફળ ગયું અને ઇઝરાયેલની સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમ પણ નાકામ રહી. અખબારે લખ્યું હતું કે અત્યારે અમેરિકા અને અન્ય દેશો મધ્ય-પૂર્વ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની સંભવિત લશ્કરી ઉશ્કેરણી માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top