SURAT

સુરતમાં 24 કલાકમાં 4 યુવકના હાર્ટ એટેકથી મોત, બધાની ઉંમર 45 વર્ષથી ઓછી હતી

સુરત: (Surat) રાજ્ય તેમજ શહેરમાં હાર્ટ એટેકના (Heart Attack) બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરમાં 24 કલાકમાં 4 યુવકના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં છાપરાભાઠાના 23 વર્ષીય, ઉમરવાડાના 33 વર્ષીય, પાંડેસરાના 38 વર્ષીય અને વરાછાના 43 વર્ષીય યુવકનું મોત (Death) નિપજ્યું છે.

  • શહેરમાં 24 કલાકમાં 4 યુવકના હાર્ટ એટેકથી મોત
  • છાપરાભાઠાના 23 વર્ષીય, ઉમરવાડાના 33 વર્ષીય, પાંડેસરાના 38 વર્ષીય અને વરાછાના 43 વર્ષીય યુવકનું મોત
  • રાજ્ય તેમજ શહેરમાં સતત બનતા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક

મળેલી માહિતી મુજબ, અમરોલી છાપરાભાઠા ખાડી ફળિયું પાસે આવેલ હડપતિવાસમાં સાહિલ રાજેશ રાઠોડ (23 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. સાહિલ SMCના પાણી પુરવઠામાં વાલ ઓપરેટર તરીકે નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. રવિવારે મધરાત્રે સાહિલ પરિવાર સાથે જમ્યા બાદ વાતો કરતો હતો. વાત કરતા કરતા અચાનક સાહિલ નીચે પડી બેભાન થઈ ગયો હતો. જેથી પરિવારજનો સાહિલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સાહિલને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે સાહિલને મૃત જાહેર કર્યો હતો. સાહિલનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું તેના પિતા રાજેશે જણાવ્યું હતું. જોકે સાહિલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. સાહિલને એક મહિનાનું બાળક છે.

બીજા બનાવમાં, વરાછા ઉમરપાડા જૂની બોમ્બે માર્કેટ પાસે આવેલ મેજેસ્ટિક ટાવરમાં જયકુમાર દીપક અગ્રવાલ (33 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. જયકુમાર એક મોબાઈલ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. શનિવારે બપોરે 3 વાગ્યાના અરસામાં જયકુમારને છાતીમાં દુખાવો થતાં તે ઓફિસથી ઘરે આવી ગયો હતો. ઘરે આવ્યા બાદ જયકુમાર બેભાન થઇ જતાં પરિવાર તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જયકુમારને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં, મૂળ ઉત્તરપ્રદેશના વતની સંજય રામવૃક્ષ સહાની (38 વર્ષ) હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મીનગરમાં સાથી મિત્રો સાથે રહેતો હતો. સંજય કલરકામનું કામ કરી વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સંજયને રવિવારે મધરાત્રે અચાનક હિંચકી આવતા તબિયત બગડતાં તેને સારવાર માટે મિત્રો 108 એમ્બ્યૂલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો. સંજયનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.

અન્ય એક બનાવમાં, વરાછા શિવશક્તિ સોસાયટીમાં મહેશ રવજી ખંભાર (43 વર્ષ) પરિવાર સાથે રહેતો હતો. મહેશ કન્ટ્રક્શન સાઈડ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહેશને છાતીમાં દુખાવો થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મહેશને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top