Dakshin Gujarat

સંઘપ્રદેશ દીવ જવા માટે સુરત અને અમદાવાદથી વિમાન સેવાનો પ્રારંભ કરાયો

દમણ: (Daman) સંઘપ્રદેશ દીવ માટે સુરત અને અમદાવાદથી વિમાન (Plane) સેવાનો પ્રારંભ કરાયો છે. સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સુરત અને અમદાવાદથી દીવ (Diu) માટે વિમાન સેવાનો શુભારંભ કરાયો છે. કેન્દ્ર સરકારની ઉડાન 5.0 અંતર્ગત આ વિમાન સેવા શરૂ કરાઈ છે. આ માટે ઈન્ડિગો એરલાઇન્સ સેવા આપશે.

  • દીવ જવા માટે સુરત-અમદાવાદથી વિમાની સેવાનો પ્રારંભ
  • સુરતથી દીવ માટે ટિકિટ ભાડું રૂપિયા 2500 જ્યારે અમદાવાદથી દીવનું ટિકિટ ભાડું રૂપિયા 3100 ચૂકવવાનું રહેશે

એરલાઇનનું ટિકિટ ખર્ચ સુરતથી દીવ માટે 2500 રૂપિયા પ્રતિ ટિકિટ, જ્યારે અમદાવાદથી દીવ જવા માટે 3100 રૂપિયા નક્કી કરાયા છે. દરરોજ અમદાવાદથી બપોરે 12:55 એ ફલાઇટ ઉડાન ભરશે, જે બપોરે 2:10 કલાકે દીવ એરપોર્ટ પર લેન્ડ થશે. દીવથી બપોરે 2:30 કલાકે ફરી આ ફલાઇટ ટેકઓફ થઈને બપોરે 3:30 કલાકે સુરત લેન્ડ થશે. ત્યારબાદ ફરી 3:50 કલાકે સુરતથી ટેકઓફ થઈને સાંજે 4:40 કલાકે દીવ એરપોર્ટ પર લેન્ડ થશે. બાદમાં સાંજે 5 કલાકે દીવથી ટેકઓફ થઈને આ ફલાઇટ અમદાવાદ સાંજે 6:15 કલાકે લેન્ડ થશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા લાંબા સમયથી પર્યટન સ્થળ દીવ માટે સુરત અને અમદાવાદથી સીધી વિમાન સેવા શરૂ થાય એવી લોકો માંગ કરી રહ્યા હતા. જેના ફળ સ્વરૂપે પ્રથમ ચરણમાં ઇન્ડીગો એરલાઇનની વિમાન સેવા શરૂ કરવામાં આવી છે. જે બાદ આવનારા દિવસોમાં સ્પાઇસ જેટ અને ઘોડાવટ સમૂહના વિમાનોની પણ સેવા શરૂ કરવામાં આવશે. આ સેવાનો આરંભ થયા બાદ દીવથી સૌરાષ્ટ્ર માટે પણ વિમાન સેવા શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top