National

કેરળ બોમ્બ વિસ્ફોટ: એકનું મોત 52 ઘાયલ, આરોપીએ આત્મસમર્પણ કર્યું, દેશમાં હાઈ એલર્ટ

કેરળના (Kerala) કોચી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં વિસ્ફોટ (Blast) થયો છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. પોલીસના (Police) જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટોમાં અત્યાર સુધીમાં 52 લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ 18 લોકો ICUમાં છે. જેમાંથી છની હાલત નાજુક છે. કેરળમાં થયેલા બ્લાસ્ટ બાદ NIAની ટીમને બ્લાસ્ટની તપાસ માટે સ્થળ પર મોકલવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં પોલીસને સ્થળ પરથી IED બ્લાસ્ટના પુરાવા મળ્યા છે. દરમિયાન મુંબઈ, દિલ્હી અને યુપીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં ક્રિકેટ વર્લ્ડ કપ મેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

દરમિયાન કેરળના ત્રિશૂર જિલ્લાના કોડાગઢ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું છે અને વિસ્ફોટની જવાબદારી લીધી છે. પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને તેના દાવાની તપાસ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિનું નામ ડોમેટિક માર્ટિન છે. પોલીસના જણાવ્યા અનુસાર તે યહોવા કોમ્યુનિટીનો છે. પોલીસ તેની ગંભીરતાથી પૂછપરછ કરી રહી છે.

કેરળના એર્નાકુલમમાં રવિવારે સવારે એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ઓછામાં ઓછા એક વ્યક્તિના મોતના સમાચાર છે. અનેક લોકો ઘાયલ થયા છે. કલામસેરી પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લગભગ 2000 લોકો કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના સભા માટે એકઠા થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પહેલો બ્લાસ્ટ સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યારપછીની થોડી મિનિટોમાં એક પછી એક બે વિસ્ફોટ થયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે NIA અને NSGની ટીમ ઘટનાની તપાસ માટે કેરળ જવા રવાના થઈ ગઈ છે.

કન્વેન્શન સેન્ટરમાં હાજર એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે પહેલો બ્લાસ્ટ પ્રાર્થના દરમિયાન થયો હતો. જે બાદ અમે વધુ બે વિસ્ફોટો સાંભળ્યા. સમગ્ર સભાગૃહમાં અરાજકતાનો માહોલ હતો. પ્રાર્થના પૂરી થયાની થોડી જ સેકન્ડોમાં બ્લાસ્ટ થયા હતા. પહેલો બ્લાસ્ટ હોલની વચ્ચે થયો હતો. થોડીક સેકન્ડો પછી હોલની બંને બાજુએ વધુ બે વિસ્ફોટ થયા હતા. જણાવી દઈએ કે અર્નાકુલમમાં જે વિસ્તારમાં આ વિસ્ફોટ થયા છે તેની આસપાસ મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો વસવાટ કરે છે.

કેરળમાં થયેલા વિસ્ફોટ બાદ દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે. ભીડભાડવાળા વિસ્તારો અને ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેરળ બોમ્બ વિસ્ફોટો બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સાથે વાત કરી અને રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે NIA અને NSGને ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બોમ્બ બ્લાસ્ટ બાદ સીએમ વિજયન પણ દિલ્હીથી કોચી જવા રવાના થઈ ગયા છે.

વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચને લઈ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા સઘન
વર્લ્ડકપની મેચ 2જી નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. કેરળ વિસ્ફોટને ધ્યાનમાં રાખીને, વર્લ્ડ કપ મેચ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે અને સ્ટેડિયમની આસપાસ દેખરેખ વધારવામાં આવી રહી છે. તેમજ તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને મહત્વના સ્થાપનોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કેરળમાં એક પછી એક 3 બ્લાસ્ટ જોવા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટ માંટિફિન બોમ્બનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ પહેલા એક કાર કન્વેન્શન સેન્ટરની બહારથી પસાર થતી જોવા મળી હતી જેની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top