SURAT

સુરતના આ પરિવારોને દિવાળી પહેલાં મળ્યો ઉજવણીનો અવસર, આખરે ઘરનું સપનું સાકાર થયું

સુરત: આજે સુરતના 1060 ગરીબ, મધ્યવર્ગીય પરિવારોના ઘરનું સપનું સાકાર થયું છે. સુરત મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 73.18 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ઈડબ્લ્યુએસ-2 ટાઈપની 3 સ્કીમ હેઠળના 1060 મકાનોનું આજે લોકાર્પણ કરાયું હતું, જ્યારે અન્ય 1498 ઈડબ્લ્યુએસ આવાસના કમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો કરાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત 78.714 કરોડના ખર્ચે સાકારિત કુલ 1060 EWS-II ટાઇપના આવાસોના લોકાર્પણ તથા અંદાજિત 73.18 કરોડના ખર્ચે સાકારિત કુલ 1498 EWS-II ટાઇપની 3 સાઇટ સ્કીમ કોડ નં. 40, 53, 55 આવાસોનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો અન્વયેનો કાર્યક્રમ ટી.પી.નં. 24 , એફ.પી.નં. 184 , એસ.એમ.સી.પાર્ટી પ્લોટ , એબીસી સર્કલ પાસે , સર્જન બંગ્લોઝ સામે , મોટાવરાછા , સુરત ખાતે આયોજિત કરાયો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતમાં સુરત શહેર અન્ય રાજયોની સરખામણીમાં સૌથી આગળ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા 29876 જેટલા આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 24482 આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અન્ય આવાસોની કામગીરી પ્રગતિ હેઠળ છે.

નાણાં , ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના વરદહસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાકારિત થયેલ આવાસની ડીજીટલ તકતીની અનાવરણવિધિ , કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સાકારિત થયેલ આવાસોની ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત રાજયના માન. મંત્રી નાણાં , ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ કનુભાઇ દેસાઇએ તેમના ઉદબોઘનમાં જણાવ્યું કે સુરત દુનિયાનું સૌથી વિકસતુ શહેર છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ અને વિવિધ ઉધોગ ક્ષેત્રે સુરત અગ્રેસર છે. આ ઉદ્યોગોમાં રોજગારી અર્થે દેશના વિવિધ રાજયો અને શહેરમાંથી લોકો આવે છે.

આ પરપ્રાંતિયો અને ગુજરાતના સ્લમ વિસ્તારના લોકોનો રહેઠાંણ મળી રહે તે અર્થે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અમલમાં મુકવામાં આવી છે. દિવાળી પહેલા જે લોકોને આ આવાસોનો લાભ મળી રહ્યો છે , તે તમામને અભિનંદન પાઠવ્યા તેમજ આ યોજનાના કારણે શહેરમાં સ્લમ વિસ્તારનું પ્રમાણ ઘટી રહ્યું છે એમ જણાવ્યું હતું.

લાભાર્થીઓને મોબાઈલ પર મેસેજથી કમ્પ્યૂટર ડ્રોના પરિણામો મોકલાશે
પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-૬) ના કોમ્પ્યુટરાઇઝડ ડ્રોનું પરિણામ લાભાર્થીના રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર તા.28 ઓક્ટોબરના રોજ એસ.એમ.એસ. ઘ્વારા જણાવવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-6) ના પરિણામ જાણવા તા.30 ઓક્ટોબરની બપોરે 12 વાગ્યા પછી સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ-6) નો આઇકોન આવશે જયાં કિલક કરી અરજી ફોર્મ નંબર લખી લાભાર્થી પોતાનું પરિણામ જાણી શકશે. તેમજ તે જ લીંક પરથી કોમ્પ્યુટરાઇઝડ ડ્રોમાં સફળ થયેલ લાભાર્થીઓ તા.1 નવેમ્બરના રોજથી ફાળવણી પત્ર ઓળખકાર્ડ તથા સ્વ ઘોષણા પત્ર (ત્રણ પાના) ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી શકશે અથવા એફોર્ડેબલ હાઉસીંગ સેલની કચેરી વરિયાવી બજાર પોલીસ ચોકની સામેની ગલી , ધાસ્તીપુરા , સુરત ખાતેથી મેળવી શકાશે.

Most Popular

To Top