Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં સુરતમાં મનીષભાઈ સોલંકીના પરિવારમાં બનેલ અત્યંત દુ:ખદ ઘટનાથી આપણે સૌ વાકેફ છીએ. આ ઘટના સંવેદનશીલ માણસને ઊંઘવા ન દે એવી છે. દરમિયાનમાં સ્વ. મનીષભાઈ સોલંકી અને એમના પરિવારના સભ્યોને અપમૃત્યુ માટે પ્રેરણા આપનાર એક આરોપીની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પણ આવ્યા છે. આ સમગ્ર દુર્ઘટના સંદર્ભે મને જાણીતા ફિલ્મ કલાકાર શાહરૂખ ખાને એમના પ્રવચનમાં કહ્યો હતો એ કિસ્સો ગુજરાતમિત્રના સૌ સુજ્ઞ વાચકો સુધી પહોંચાડવાનુંયોગ્ય લાગ્યું. એક વખત શાહરૂખ ખાન યેલ યુનિવર્સિટીમાં પ્રવચન આપવા ગયા હતા ત્યારે એમણે આ કિસ્સો કહ્યો હતો:

હોસ્પિટલમાં એક દર્દી છેલ્લા શ્વાસો ગણી રહ્યો હતો, ત્યારે એક પાદરી એમની ખબર લેવા ગયા. પાદરીના આગમન પછી પેલા પથારીવશ માણસના શ્વાસ રૂંધાવા લાગ્યા. દર્દીએ પોતાની તમામ તાકાત ભેગી કરીને પાદરીને એક ચીઠ્ઠી લખીને આપી. પાદરી વાંચ્યા વગર એ ચીઠ્ઠી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. થોડીક જ મિનિટો પછી પેલો માણસ મૃત્યુ પામ્યો. પાદરીએ મરનારની અંતિમવિધિ દરમિયાન પેલી ચીઠ્ઠી ખોલીને મૃત્યુ પામનારનો છેલ્લો સંદેશો વાંચ્યો. એમાં લખ્યું હતું કે આપ મને ઓક્સિજન પૂરી પાડતી ટ્યૂબ ઉપર પગ મૂકીને ઊભા છો. જરા એ ટ્યૂબ પરથી દૂર ખશો કે જેથી હું શ્વાસ લઈ શકું અને જીવી શકું.. આપણને મળેલી નાનકડી જિંદગીમાં કોઈની ઓક્સિજન ટ્યૂબ ઉપર ઊભા રહી જવું એ મોટું પાપ છે. નવા વર્ષમાં આપણા થકી કોઈની ઓક્સિજન ટ્યૂબ ઉપર આપણો પગ ન પડી જાય એવો સંકલ્પ કરીએ..
નવસારી – ઇન્તેખાબ અનસારી         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top