Sports

World Cup 2023: ભારતને હરાવી છઠ્ઠીવાર વિશ્વ વિજેતા બન્યું ઓસ્ટ્રેલિયા, કરોડો ભારતીયોની આંખો ભીંજાઈ

ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવી વિશ્વ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વિશ્વ વિજેતા બન્યું છે. તેણે ભારતને પોતાની ધરતી પર હરાવ્યું હતું. ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે હતો. ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી જોકે ભારતની હારથી કરોડો ભારતીયોની આંખો ભીની થઈ ગઈ હતી. પાંચ વાર વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમે છઠ્ઠીવાર વિશ્વ વિજેતાનો ખિતાબ જીતી લીધો હતો. ખૂબજ સારી બોલિંગ બાદ ઓસ્ટ્રેલિયાની બેટિંગ પણ લાજવાબ રહી હતી. ટ્રેવિસ હેડએ પોતાની ટીમ માટે શાનદાર પારી રમી 137 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન પુરૂષ ક્રિકેટ ટીમે અગાઉ પાંચ ODI ક્રિકેટ વર્લ્ડ કપ 1987, 1999, 2003, 2007 અને 2015માં જીત્યા છે. તેઓએ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2021માં અને ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 પણ જીતી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India And Australia) વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) ફાઈનલ (Final) મેચ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમો શાનદાર ફોર્મમાં હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 50 ઓવરના અંતે 10 વિકેટ ગુમાવી 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ઓસ્ટ્રેલિયાએ ખૂબજ આસાનીથી પૂરો કર્યો હતો. ટ્રેવિસ હેડએ ફોર અને સિક્સર સાથે 120 બોલમાં શાનદાર 137 રન બનાવ્યા હતા. બીજી તરફ લાબુશેને અર્ધસદી બનાવી હતી. તેણે બોલમાં 110 બોલમાં 58 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે છેલ્લા 2 વિનિંગ રન બનાવ્યા હતા.

ભારતની બોલિંગની શરૂઆત પણ ખૂબજ સારી રહી હતી. 16 રનના સ્કોર પર મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરની વિકેટ લીધી હતી. વોર્નર ફક્ત 7 બનાવી પેવેલિયન પહોંચી ગયા હતા. જોકે ભારતે પ્રથમ ઓવરમાં જ સ્લિપમાં તક છોડી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ 4.3 ઓવરમાં પડી હતી જ્યારે તેનો સ્કોર 41 રન હતો. મિચેલ માર્શ 15 રન બનાવીને આઉટ થયા હતા. જોકે શરૂઆતમાં ભારતનું પ્રદર્શન સારૂં રહ્યું હતું પરંતુ ત્યારબાદ ભારતના હાથમાંથી બાજી સરકી ગઈ હતી. ટ્રેવિસ હેડ અને લાબુશેંગની જોડીએ ઇનિંગ સાચવી લીધી હતી અને 36 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200 રનને પાર પહોંચાડી દીધો હતો.

પહેલા બેટિંગ કરવા ઉતરેલા ભારતની શરૂઆત સારી રહી ન હતી. 30 રનના સ્કોર પર ભારતે શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. જોકે તે અર્ધસદી ચુકી ગયો હતો. 31 બોલમાં 47 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ફક્ત 4 રન બનાવી ગાઉટ થઈ ગયા હતા. વિરાટ કોહલીએ 54 અને કે.એલ.રાહુલે 66 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા ફક્ત 9 રન બનાવી આઉટ થયા હતા. સુર્યકુમાર યાદવે 18 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા તરફે મિશેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ 2-2 વિકેટ લીધી હતી જ્યારે ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાએ એક એક વિકેટ લીધી હતી. શરૂઆતની 10 ઓવરમાં ભારતની ઇનિંગ સારી રહી હતી પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બોલર ભારતના ખેલાડીઓ પર હાવી થયા હતા.

વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, “ટીમ ઈન્ડિયાને શુભકામના. 140 કરોડ ભારતીયો તમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમે ચમકો, સારું રમો છો અને રમતની ભાવના જાળવી રાખો.

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ આજે યજમાન ભારત અને પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી હતી. જણાવી દઈએ કે 20 વર્ષ પહેલા 2003માં બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ પણ રમાઈ હતી. તેમાં પણ ઓસ્ટ્રેલિયા વિજેતા બની હતી. ભારતે આ વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ તે અંતિમ મેચ હારી ગઈ હતી. ભારતની આ હારને કારણે કરોડો ભારતીયોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટ કીપર), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

Most Popular

To Top