Comments

યુક્રેન અને ઇઝરાયલ યુદ્ધ પછી અમેરિકાનાં બેવડાં ધોરણો છતાં થઈ રહ્યાં છે

એક બાજુ ગાઝાપટ્ટીમાં તેમજ હવે વેસ્ટ બૅન્કમાં પણ ઇઝરાયલની સેના હજારો નિર્દોષ માણસોનો ભોગ લઈ રહી છે. યુદ્ધના નિયમોને નેવે મૂકીને ઇઝરાયલ સ્કૂલ, હૉસ્પિટલ અને રહેણાંકના વિસ્તારો ઉપર નિર્દયી હુમલા કરી રહ્યું છે. યુદ્ધના નિયમોને ઇઝરાયલ નથી ગાંઠતું અને અમેરિકા જે પોતાને માનવ અધિકારોનો પહેરેગીર ગણાવે છે તે આંખમિચોણાં કરી રહ્યું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ યુનાઈટેડ નેશન્સની રચના આવાં યુદ્ધોને રોકવા માટે તેમજ વિશ્વશાંતિના ચોકીદાર તરીકે થઈ હતી. આજે યુનાઈટેડ નેશન્સ જાણે કે શોભાના ગાંઠિયા જેવું બની ગયું છે. યુક્રેન-રશિયા યુદ્ધ હોય, ઇઝરાયલ-હમાસ યુદ્ધ હોય કે પછી સુદાનમાં થતી વંશીય હત્યાઓ હોય ક્યાંય એનું કોઈ વજન નથી પડતું. કેટલાક દેશોએ ઇઝરાયલ જે રીતે ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે, તેને કારણે એમના રાજકીય સંબંધો ખતમ કર્યા છે ત્યારે ઇઝરાયલને ટેકો આપનાર યુરોપિયન દેશો પણ આ બાબતમાં પુનર્વિચારણા કરી રહ્યા છે.

ગાઝામાં ૧૦૦૦૦ કરતાં વધુ પેલેસ્ટાઇનનાં નાગરિકો માર્યા ગયાં છે, જેમાં ૭૦ ટકા કરતાં વધુ સ્ત્રીઓ અને બાળકો છે. ગાઝાપટ્ટીમાં જમીનનો મોટો વિસ્તાર બેફામ બૉમ્બમારાને કારણે કાટમાળથી છવાયેલો સૂમસામ વિસ્તાર બન્યો છે. અમેરિકા જેવા દેશમાં પણ ઇઝરાયલ માટે શસ્ત્રો લઈ જતાં જહાજને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ વિરોધ દર્શાવવા ઇઝરાયલમાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. એ જ રીતે બોલીવિયાએ પણ ઇઝરાયલ સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે ઇઝરાયલમાં ઘરઆંગણે પણ સરકાર સામે દેખાવો થવા માંડ્યા છે. નાગરિકો માટેની આંતરમાળખાકીય સવલતો ઉપર ઇઝરાયલ બેરોકટોક ગોલાબારી કરી રહ્યું છે. ઇઝરાયલના આ અત્યાચારોને સાથ આપી રહેલું અમેરિકા કહે છે, ‘ઇઝરાયલ ચાર કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયું છે, જેથી પેલેસ્ટીનિયનો ઉત્તર ગાઝા છોડીને જઈ શકે.’

ગાઝામાં એક અંદાજ મુજબ લગભગ ૩૫ જેટલા જર્નાલિસ્ટ ઇઝરાયલના હુમલા માર્યા ગયા છે અને આ આંકડો પણ અંતિમ નથી. પશ્ચિમનું પ્રેસ પણ ઇઝરાયલ તરફી વલણ દાખવીને વાસ્તવિક હકીકતો નથી છાપતું. યુનાઇટેડ નેશન્સના વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે પેલેસ્ટાઈનનાં લોકો નરસંહારના અત્યંત ગંભીર જોખમનો સામનો કરી રહ્યા છે. આમ છતાંય પશ્ચિમનું પ્રેસ હજુ પણ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા અત્યાચારની વિગતો છાપવામાં ઠાગાઠૈયા કરે છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં ઇરાનના વિદેશમંત્રીએ કહ્યું છે કે જે પ્રકારે ગાઝામાં ઇઝરાયલ નરસંહાર કરી રહ્યું છે તે જોતાં આ યુદ્ધ બીજે પણ વિસ્તરશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આમ, ઇઝરાયલ હમાસના એક હુમલાના જવાબમાં યુદ્ધના અને માનવ અધિકારોના નિયમોને અભરાઈએ ચઢાવીને જે પ્રકારની નિર્લજ્જ નરસંહારની કાર્યવાહી કરી રહ્યું છે, તે સામે આવનાર સમયમાં કોઈ બીજા દેશોમાં પણ એના પડઘા પડતા દેખાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.

યુનાઈટેડ નેશન્સ લગભગ નિષ્ફળ ગયું છે. કાગળનો વાઘ બનીને રહી ગયેલું યુનાઈટેડ નેશન્સ બધાં જ દાંત પડી ગયા હોય એવા ‘બોખા વાઘ’જેવું છે. અમેરિકાના પ્રમુખ બાઈડેન અને વિદેશમંત્રી બ્લીન્કેન આ વિસ્તારમાં આંટો મારી ગયા છે છતાંય ઇઝરાયલ જેવો ટચૂકડો દેશ જે અમેરિકન સહાય અને યુદ્ધ સામગ્રી પર આધારિત છે તેને યુદ્ધવિરામ કરવાનું કહેવામાં અમેરિકા આંખમીંચામણાં કરી રહ્યું છે. જો કે, વિયેતનામ અને ઇરાક જેવા દેશોમાં બેશરમ રીતે નરસંહાર કરનાર અમેરિકા પાસે ઇઝરાયલને કહેવા માટે કોઈ નૈતિક બળ નથી. દુનિયામાં ઘણી જગ્યાએ માનવઅધિકારના જમાદાર તરીકે ટીકા કરતા અમેરિકાનું વરવું સ્વરૂપ યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં છતું થયું છે. અમેરિકન પ્રમુખનું ઇલેક્શન હવે એકાદ વર્ષમાં થવાનું છે ત્યારે બાઈડેન ખુદ બઘવાઈ ગયા હોય એવું એમનું વર્તન, એમની ઘટતી લોકપ્રિયતા સામે યેનકેન પ્રકારેણ કોઈ દાવ ખેલીને પ્રમુખપદની ગાદી ટકાવી રાખવાનું છે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top