Top News

More Posts

   The Latest

Most Popular

આચાર્ય રજનીશનાં પ્રવચનોનું એક પુસ્તક છે, નામ છે એનું – ‘ભારત કી જલતી સમસ્યા એ.’ એટલે ભારતના સળગતા પ્રશ્નો. આમાં ફાટફાટ થતો વસતીવધારો, ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ, કોમવાદ, ગરીબી, આવકની અસમાનતાઓ, કુપોષણ, બેકારી, ઓછું ઉત્પાદન વગેરે વગેરે ગણાવ્યા છે. આજે આપણો મત લઇ કોર્પોરેશન ધારાસભા અને લોકસભામાં જવા ઉત્સુકોને ઊભા રાખી પૂછો કે ભાઇ, દેશની સમસ્યાઓ શું છે? ભાજપવાળા મુસલમાનોનું નામ આપશે, કોંગ્રેસવાળા ભાજપનું જ નામ આપશે કે તે બધા પ્રશ્નો પેદા કરે છે. દક્ષિણ ભારતની પ્રજા ઘણી વાસ્તવવાદી છે. તેને સમસ્યાઓનો ખ્યાલ છે ખરો અને તેથી મતાધિકારનો ઉપયોગ અક્કલ, હોશિયારીથી કરે છે.

ધર્મની કે કોમની લાગણીમાં ખેંચાઇ જતા નથી. પરિણામે આજે દક્ષિણ ભારતમાં શિક્ષણ વધુ, ઉત્પાદન વધુ અને તોફાનો ઓછાં થાય છે. જ્યાં ધર્મ સામાજિક જીવનમાં પેસે છે, ત્યાંથી ધર્મનું તો બાષ્પીભવન થઇ જ જાય છે અને ક્ષુલ્લક બાબતો પર લડાઇ ઝઘડા, મારામારી, ખૂનખરાબા, આગ ચાલુ થઇ જાય છે. UPવાળાઓએ તો બુલડોઝરો વહેતાં મૂકી દીધાં અને જાણે કોઇ મોટી સિધ્ધિ મેળવી લીધી હોય એમ ત્યાંના પ્રધાનો મૂછ પર હાથ ફેરવે છે. આ જ રાજ્યમાં નદીકાંઠે સેંકડો લાશો અગ્નિદાહ વિના પડી રહેતી અને અનેક મૃતદેહો નદીમાં નાંખી દેવા પડતા એ વાત પર કોઇએ મૂછ પર હાથ ફેરવ્યો નથી. આજે હિંદુ, હિંદુ કહીને વર્ણવ્યવસ્થા મજબૂત કરવાના પ્રયત્નો ચાલે છે. તેમાં મરો તો OBC, દલિતો અને આદિવાસીઓનો થાય છે, છતાં સરકારી નિશાળો બંધ થાય છે અને મંદિરો બંધાતાં જાય છે.

અયોધ્યાનું મંદિર અને દિલ્હીમાં 21,000 કરોડને ખર્ચે સંસદભવન બની રહ્યાં છે, તે નાણાં નાના ઉદ્યોગો ઊભા કરી વાપર્યા હોત તો જનતાની હાલાકી, બેકારી, બરબાદી ઓછાં થાત. હજારો કરોડ રૂપિયા મોદીએ પૂતળાં બનાવવામાં વેડફ્યા તેની અગાઉ UPમાં માયાવતી નામની દલિત બાઇએ ગામ – ગામ હાથીના પૂતળા બનાવી હજારો કરોડ પાણીમાં નાંખ્યા હતા. આટલા નાણાંથી તો દેશમાં અનેક યુનિવર્સિટીઓ અને કારખાનાં નાંખી શકાત, પણ આપણા નેતાઓની અક્કલ છેલ્લાં 20 / 30 વર્ષથી હવામાં ઊડી ગઇ છે. તેમને દેશની સમસ્યાઓ શું છે તેની ખબર જ નથી અને નવી સમસ્યાઓ કોમવાદની ઊભી કરતા જાય છે. આ બધા બરબાદીના બાદશાહો છે.
સુરત     – ભરત પંડયા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top