SURAT

સુરતના બંધ મકાનમાંથી લાખોની કિંમતની ગણપતિની એન્ટીક મૂર્તિ ચોરાઈ

સુરત (Surat) : મહિધરપુરાના એક બંધ મકાનમાંથી સને-1960ની સાલની કિંમત મુજબ રૂા.34 હજારની કિંમતની એન્ટીક (Antic) ચીજવસ્તુઓની ચોરી (Theft) થઇ છે, જો કે આ તમામ એન્ટીક ચીજવસ્તુઓની હાલમાં લાખોની કિંમત આંકવામાં આવી રહી છે. ચોરાયેલી ચીજવસ્તુઓમાં હાથીના દાંતથી બનાવેલી ગણપતિજીની મૂર્તિ, 150 સાચા મોતી, ફોટોફ્રેમનો પણ સમાવેશ થાય છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • તમામ વસ્તુઓ 1960ના વર્ષની હતી, તે સમયની કિંમત 34 હજારની પણ હાલમાં કિંમત લાખોની
  • પાડોશીએ બંધ મકાનમાં લાઇટ શરૂ હોવાનું કહેતા મકાન માલિકે તપાસ કરી ત્યારે ચોરી થયાનું બહાર આવ્યું

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ પાલમાં આવેલ પાણીની ટાંકી પાસે સ્વસ્તિક વિલા એપાર્ટમેન્ટ માં રહેતા ૪૨ વર્ષીય પૂર્વીબેન દર્શનભાઇ કિનારીવાલા ઘરકામ કરે છે. તેઓની પરિવારની માલિકીનું એક મકાન મહિધરપુરાની ગલેમંડી ચાર રસ્તા પાસે વાણીયા શેરીમાં આવેલું છે. મહિને એકવાર તેઓ ઘરની સાફસફાઇ કરવા માટે આવતા હોય છે. મહિધરપૂરના જૂના મકાનમાં પૂર્વીબેનના પતિ તેમજ તેમના સસરાઓ અને વડવાઓએ ખરેદીલી જૂના જમાનાની એન્ટીક ચીજવસ્તુઓ મુકી રાખી હતી. બે દિવસ પહેલા મહિધરપુરા વિસ્તારમાંથી પૂર્વિબેનને ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારા ઘરની લાઇટ શરૂ છે..? તમે ચાલુ રાખીને ગયા છો.

આ દરમિયાન પૂર્વિબેનને મહિધરપુરામાં આવીને તપાસ કરતા ઘરનો સામાન વેર-વિખેર હાલતમાં હતો, તપાસ કરતા ઘરમાંથી જૂના જમાનાની અલગ અલગ 34 હજારની કિંમતની એન્ટીક ચીજવસ્તુઓની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગુનો નોંધતા સમયે તમામ ચીજવસ્તુઓની સને-1960ના અરસા પ્રમાણેની કિંમત રૂા.34 હજાર ગણી હતી. જો કે, હાલમાં આ ચીજવસ્તુઓનો ભાવ લાખ્ખોમાં આંકવામાં આવી રહ્યો છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને સોસાયટીમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

કઇ કઇ ચીજવસ્તુઓની ચોરી થઇ..?

  • એન્ટિક ફોટોફ્રેમ, ૧૫૦ નંગ સાચા મોતી,
  • સાચા હાથીના દાંતની બે ગણપતિની મુર્તિ
  • સત્યનારાયણની ચાંદીની મુર્તિ
  • ત્રણ પિત્તળના તપેલા, ૧૨ નંગ ચાંદીની થાળી
  • ૬ ચાંદીના લોટા, ૧૨ ચાંદીની ચમચી, ૧૨ ચાંદીના વાટકા
  • સોનાની રાખડીઓ, સાચા મોતીની તુટેલી છ માળાઓ
  • ચાંદીના નાના-નાના ટુકડા, ચાંદીના પગમાં પહેરવાના સાંકળા
  • ચાંદીનો કેડકંદોરો, ચાંદીના પોચા, ચાંદીના કાનસેર, હાથમાં પહેરવાનું ચાંદીનું કડુ
  • ચાંદીના અલગ-અલગ સાઇઝના ગ્લાસ, ચાંદીની વાટકીઓ, નાની ખંજરી
  • ચાંદીના કલ્લા, પિત્તળના વાસણો

Most Popular

To Top