Gujarat

ગુજરાતમાં પ્રથમવાર 36મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે

ગાંધીનગર: ગુજરાત (Gujarat) પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવના (Sports) યજમાન બનવા જઈ રહ્યું છે. આગામી તા.ર૭ મી સપ્ટેમ્બરથી તા.૧૦મી ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં ૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. રાજ્યના ૬ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં આ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવની વિવિધ ૩૪ જેટલી રમતોનું (Games) આયોજન થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ખેલ-કૂદ, યુવા બાબતો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતે આ ૩૬માં રાષ્ટ્રીય રમતોત્સવની જવલંત સફળતા માટેની તૈયારીઓ-આયોજન સક્ષમતાપૂર્વક શરૂ કરી દીધા છે. રાષ્ટ્રીય રમતોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે કેમ કે આવા રમતોત્સવો તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા, અગાઉના કિર્તિમાન-રેકોર્ડ બ્રેક કરવા અને નવા સિદ્ધિ સિમાચિન્હો કિર્તિમાન સર કરવાનું સક્ષમ મંચ પ્રદાન કરે છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ પ્રકારનો રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે ર૦૧પમાં કેરળમાં યોજાયો હતો. કોરોના રોગચાળા સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવેલી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાત વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના યજમાન રાજ્ય બનવા ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશનને કરેલી દરખાસ્તનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો છે. જેના પરિણામ સ્વરૂપે ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન થવાનું છે. આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત ૩૪ જેટલી રમતોમાં દેશભરના સાત હજારથી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત ઝળકાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

ગુજરાતમાં ઓલિમ્પિકને આનુષાંગિક આવી રમતોના આયોજનથી વર્તમાન માળખાકીય સવલતો વધારવા સાથે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થશે. રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ આ ૩૬મી નેશનલ ગેઇમ્સના આયોજન અને સફળતામાં ગુજરાત કોઇ જ કસર છોડશે નહિં તેવો વિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત હવે સ્પોર્ટસ હબ બનવા ભણી આગળ વધી રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના ખેલમહાકુંભની સફળતાને પગલે સરિતા ગાયકવાડ, માના પટેલ, હરમીત દેસાઇ, મુરલી ગાવિંત જેવા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આપણને મળ્યા છે, એટલું જ નહિ, પેરા ઓલિમ્પિક્સમાં પણ ગુજરાતની દિકરીઓએ રાષ્ટ્ર-રાજ્યનું નામ રોશન કર્યુ છે.

Most Popular

To Top