Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવો (Lake) ખાતે ગણેશ વિસર્જન સમયે ગણેશજીની પ્રતિમાની સાથે તેઓને પહેરાવવામાં આવેલા આભૂષણો, વાઘાઓ વગેરેના રીયુઝ કરી પર્યાવરણના સંરક્ષણ તથા જરૂરિયાતમંદ મહિલાઓને રોજગારી આપવાના હેતુસર સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા અમલીકૃત દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથના બહેનો દ્વારા કૃત્રિમ તળાવ/ઓવારા પર મૂર્તિ સાથેના આભૂષણો, વાઘાઓ વગેરેને સન્માનપૂર્વક રીતે સ્વીકારવામાં આવ્યા છે.

આ એકત્ર કરેલી ચીજવસ્તુઓમાંથી ચણિયાચોળી, ઘરેણાંઓ, સુશોભનની વસ્તુઓ બનાવી જરૂરિયાતમંદ તથા શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાનમાં રહેતા બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે જેથી તેઓ આગામી દિવસોમાં આવનાર નવરાત્રી પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી શકે તેમજ સ્વસહાય જૂથના બહેનોને આજીવિકા મળી રહે તે માટે તૈયાર કરેલ વસ્તુઓ નવરાત્રિ મેળા દરમ્યાન વેચાણ-કમ-પ્રદર્શન માટે મૂકવામાં આવશે.

ગણેશ મંડપો બાપ્પા વિના સૂના પડ્યા
બપોર બાદ શહેરના મુખ્ય માર્ગો પર ગણેશ વિસર્જન યાત્રાનો માહોલ જામ્યો હતો. રાજમાર્ગ પર મોટી સંખ્યામાં ઊંચી ઊંચી ગણેશ પ્રતિમા સાથે ભક્તોની ભીડ ભેગી થઈ હતી. ડુમસ અને હજીરામાં પણ મોટી મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. દરમિયાન 9 દિવસ સુધી લાડથી રાખેલા બાપ્પા આજે જતા રહેતાં ભક્તો લાગણીશીલ બન્યા હતા. બાપ્પા વિના મંડપો, શેરી મહોલ્લા અને એપાર્ટમેન્ટ સુના પડ્યા હતા.

ટ્રોલી પર ગણપતિ વિસર્જન યાત્રા
એકતરફ ટોય કારમાં બાપ્પાની શાહી સવારી નીકળી તો બીજી તરફ ક્યાંક લારી, ક્યાંક ટ્રક તો ટેમ્પોમાં વિસર્જન યાત્રા નીકળી હતી. અડાજણમાં એક ગણેશ મંડળ દ્વારા ટ્રોલી પર મહિલા, બાળકો સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. બે વર્ષ બાદ કોરોનાના પ્રતિબંધોની કેદમાંથી છૂટી સુરતીઓએ ઉત્સાહપૂર્વક વિસર્જન યાત્રામાં ભાગ લીધો.

મરાઠી પરિવારે દુ:ખી મનથી બાપ્પાને વિદાય આપી
અડાજણના મરાઠી પરિવારે પરંપરાગત મરાઠી વસ્ત્રો પહેરી બાપ્પાને વિદાય આપવા આવ્યા હતા. ભારે ગરમીમાં રસ્તો દાઝી રહ્યો હોવા છતાં મરાઠી પરિવાર ઉઘાડા પગે બાપ્પાની મૂર્તિ લઈ ચાલ્યો હતો. પાલના ઓવારા પર વિસર્જનની ઘડીએ પરિવારની આંખોમાં આંસુ હતા. પરિવારના મોભીએ કહ્યું અમે 20 વર્ષથી ઘરે બાપ્પાની મહેમાનગતિ માણીએ છીએ. 10 દિવસ ઉપવાસ કરીએ છીએ. આજે બાપ્પા જઈ રહ્યાં છે ત્યારે મન દુ:ખી છે.

To Top