Columns

એક સમજુ સ્ત્રીનો પથ્થર

એક સમજુ અને મહેનતુ સ્ત્રી પર્વતોની તળેટીમાં રહેતી હતી અને પર્વતોની હારમાળામાં ઘુમીને લાકડા, ફૂલ, ફળ ભેગા કરતી.એક દિવસ પર્વતોમાં ફરતા ફરતા તેને નજીકના વહેતા નાના નાના ઝરણામાંથી એક ચમકતો સુંદર પથ્થર મળ્યો.તેણે તે પથ્થર પોતાની ફળ ભેગા કરવાની ટોપલીમાં મૂકી દીધો. બીજા દિવસે તે જંગલોમાં ફરતા ફરતા ફળ ભેગા કરી રહી હતી ત્યારે તેને એક મુસાફર મળ્યો.મુસાફર રસ્તો ભૂલી ગયો હતો અણે પોતાના સાથીઓથી છૂટો પડી ગયો હતો.તે બહુ થાકી ગયો હતો તેણે પેલી સ્ત્રી પાસે પાણી અને કૈંક ખાવાનું માંગ્યું.

સ્ત્રીએ તેને પાણી પાયું, ઝાડ નીચે બેસાડ્યો અને પોતાની ફળની ટોપલી તેની સામે ધરી તેને જે ફળ જોઈએ તે લેવા કહ્યું.મુસાફરે બે ફળ એક સાથે લીધા.અને ફળ લેતા લેતા મુસાફરનું ધ્યાન પેલા ચમકતા પથ્થર પર પડ્યું. મુસાફરે કહ્યું, ‘મને આ બે ફળ અને વાંધો ન હોય તો આ ચમકતો પથ્થર આપો.’ સમજુ સ્ત્રીએ બિલકુલ અચકાયા વિના, કોઈ ના કે હા કર્યા વિના પ્રેમથી બે ફળ અને ચમકતો પથ્થર મુસાફરને આપી દીધો.અને પોતાનો ટોપલો લઈને આગળ વધી ગઈ.મુસાફરે પ્રેમથી બે ફળ ખાધા અને પોતાના નસીબ પર રાજી થતો પથ્થરને હાથમાં રમાડી રહ્યો.તે પથ્થરને જોઇને વિચારતો હતો કે ‘આ સ્ત્રી અણસમજુ નીકળી કે મને આટલો કિંમતી પથ્થર આસાનીથી આપી દીધો.

આ પથ્થરની મને એટલી કિંમત તો મળેશે જ કે મારું આખું જીવન આરામથી વીતી શકે.’ મુસાફર પથ્થર લઈને પોતાના ઘરે ગયો પત્નીને બધી વાત કરી.પત્ની વધુ સમજુ હતી તેને કહ્યુ, ‘ જે સ્ત્રી આટલો કિંમતી પથ્થર તમને અચકાયા વિના આપી શકે તે અણસમજુ નહિ અતિ સમજુ હશે.નક્કી તેની પાસે આ પથ્થરથી વધુ કિંમતી કૈંક હશે.’ થોડા દિવસ બાદ મુસાફર અને તેની પત્ની પેલી સ્ત્રીને શોધતા શોધતા આવ્યા અને પેલો પથ્થર પાછો આપતા બોલ્યા, ‘શું તમને ખબર છે આ પથ્થર કેટલો કિંમતી છે??’ સ્ત્રીએ કહ્યું, ‘હા મને ખબર છે..’

મુસાફર બોલ્યો, ‘તો પણ તે તમે મને અચકાયા વિના આપી દીધો ?? તો મારી તમને વિનંતી છે કે હું આ કિંમતી પથ્થર તમને પાછો આપું છું તેના બદલામાં તમે મને કઇંક વધુ કિંમતી આપો.’ સ્ત્રી બોલી, ‘ મારી પાસે જે હતું મેં આપ્યું પાણી ,ફળ,પથ્થર બીજું કઈ નથી.’ મુસાફરની પત્ની બોલી, ‘તમારી પાસે તમારું કિંમતી ઉદાર મન છે …તમારી પાસે લાલચના ભાર વિનાની સાચી સમજ છે…તમારા અંતરમાં એક એવી સાચી ભાવના છે કે જે તમને આટલો કિંમતી પથ્થર અચકાયા વિના અજાણ્યાને આપી દેવા સક્ષમ બનાવે છે…બસ આવી મનની ભાવના આમને આપો.’ આટલું કહી તેણે વંદન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે. .

Most Popular

To Top