Top News

More Posts

   The Latest

Most Popular

પંજાબ: પંજાબ-હરિયાણાની (Punjab-Haryana) શંભુ બોર્ડર (Shambhu border) પર 13 ફેબ્રુઆરી 2024થી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. અહીં ખેડૂતો હજુ પણ તેમની માંગ પર અડગ છે. શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતોએ (Farmers) ફરી એકવાર પોતાનું આંદોલન ઉગ્ર બનાવ્યું છે. ખેડૂતોએ 17 એપ્રિલથી શંભુ બોર્ડર પર અનિશ્ચિત રેલ રોકો આંદોલન (Stop Rail Movement) શરૂ કર્યું હતું.

ખેડૂતોનું રેલ રોકો આંદોલન હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ખેડૂતો સતત ચાર દિવસથી આંદોલન પર બેઠા છે. ખેડૂતોની માંગ છે કે આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા તેમના સાથીદારોને મુક્ત કરવામાં આવે. જેલમાં બંધ ખેડૂતોની મુક્તિની માંગ સાથે ખેડૂતોએ શંભુ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. આ રેલવે ટ્રેક ચાર દિવસથી જામ છે. આ કારણે, અંબાલા રેલ્વે ડિવિઝનમાંથી પસાર થતી 85 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે, 22 મેલ એક્સપ્રેસ ટૂંકા સમય માટે બંધ કરવામાં આવી છે અને 230 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ આંદોલનથી કુલ 500 ટ્રેનો પ્રભાવિત થઈ છે. તેમજ અસરગ્રસ્ત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. આ સમયે યુપી-બિહાર અને અન્ય રાજ્યોમાંથી પંજાબ જતા મજૂરો લણણી પૂરી કરીને પોતાના ઘરે પરત ફરે છે, પરંતુ જામ થયેલા રેલ્વે ટ્રેકને કારણે આ લોકો પરત ફરી શકતા નથી. જેના કારણે ઘણા મજૂરો રેલવે સ્ટેશનમાં જ કેદ થઈ ગયા છે.

સામાન્ય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ટ્રેનો રદ થવાના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેટફોર્મ પર જ મોટી સંખ્યામાં લોકો સૂઇ રહ્યા છે. ઘણા લોકો કલાકો સુધી ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. તેમજ અંબાલા રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ છે, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી મુસાફરી કરી રહેલા અનેક મુસાફરોની ટ્રેનો અધવચ્ચે રદ કરવામાં આવી હતી. હાલ પંજાબમાં સ્થિતિ એવી છે કે લોકોને સ્ટેશન પર બેસવા માટે જગ્યા નથી મળી રહી.

ખેડૂતો કેમ આંદોલન કરી રહ્યા છે?
કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી પાક ખરીદવા સંબંધિત કાયદામાં ફેરફાર કરવા માટે કૃષિ બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા કરવામાં આવતા ફેરફારોથી ખેડૂતો ખુશ નથી. જેના કારણે આંદોલન શરૂ થયું હતું. પહેલા માત્ર પંજાબ અને હરિયાણાના ખેડૂતો જ રસ્તા પર ઉતર્યા હતા.

પરંતુ બાદમાં અન્ય રાજ્યોના ખેડૂતો પણ તેમાં જોડાયા અને સરકારે આ બિલ પાછું ખેંચવું પડ્યું. આ પછી ખેડૂતોનું આંદોલન થંભી ગયું હતું, પરંતુ થોડા સમય બાદ ખેડૂતો ફરીથી રસ્તા પર આવી ગયા હતા. તેમજ હાલ આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા ખેડૂતોને જેલમાંથી મુક્ત કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે.

ખેડૂતો ઈચ્છે છે કે સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો બનાવવો જોઈએ. આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતો અને ખેડૂતોના પરિવારની લોન માફ કરવી જોઈએ. તેના પરિવારને વળતર આપવાની સાથે પરિવારના એક સભ્યને નોકરી પણ આપવી જોઈએ.

To Top